સ્કૂલો ખૂલ્યા પછી શું પરિવર્તન?:બાળકો 4 કલાક ક્લાસમાં બેસી શકતાં નથી, લખવાની ટેવ ભુલાતાં લખાણ બગડ્યું, વાંચેલું યાદ રહેતું નથી

સ્કૂલો ખૂલ્યા પછી શું પરિવર્તન?:બાળકો 4 કલાક ક્લાસમાં બેસી શકતાં નથી, લખવાની ટેવ ભુલાતાં લખાણ બગડ્યું, વાંચેલું યાદ રહેતું નથી

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીતઃ ઘરમાં ઓનલાઈન સૂતાં-સૂતાં ભણતા, હવે ક્લાસમાં બેન્ચ પર બેસતાં કમર દુખવા લાગે છે...

 

કોરોના મહામારીમાં દોઢ વર્ષ ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ કર્યા પછી હવે ક્લાસમાં બેસીને ઓફલાઈન શિક્ષણ લેવું હજુ અનેક વિદ્યાર્થીઓને માફક આવતું નથી. સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયા પછી અત્યારસુધી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કેવી કેવી મુશ્કેલીઓ આવી છે, વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણમાં સેટ થયા છે કે કેમ એ જાણવા માટે ‘દિવ્ય ભાસ્કરે’ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની 30 સ્કૂલના 10 હજાર વિદ્યાર્થીનું 30 શિક્ષક પાસે અવલોકન કરાવ્યું હતું. એમાં મોટે ભાગે હજુ વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ સેટ નહીં થયું હોવાનું ચિત્ર ઊપસ્યું છે.

સતત દોઢ વર્ષ સુધી ઘરે બેસીને આરામથી ઓનલાઈન શિક્ષણ મેળવ્યા બાદ હવે સ્કૂલમાં શિસ્તબદ્ધ રીતે અભ્યાસ કરવો વિદ્યાર્થીઓને પડકારજનક લાગી રહ્યો છે. ઓફલાઈન શિક્ષણમાં બાળકો 4-5 કલાક બેસી શકતા નથી, જેથી મોટા ભાગનાં બાળકોનું વજન વધી ગયું છે. તેમનામાં આળસવૃત્તિ પણ વધી છે અને વાંચેલું યાદ રાખવાની ક્ષમતામાં પણ ઘટાડો થયો છે. તેથી શિક્ષકોને પણ ઘણુંબધું બેવાર ભણાવવું પડે છે. સ્કૂલો શરૂ થયાને અનેક દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ 30% બાળકોને તેમનાં માતા-પિતા કોરોનાની ત્રીજી લહેરની ડરના કારણે સ્કૂલે મોકલતાં નથી.

એક પાનું લખતાં જ આંગળીઓ દુખવા લાગે છે, અક્ષર બગડી ગયા છે
સુરતનાં સંસ્કાર ભારતી વિદ્યાલયના પ્રિન્સિપાલ સોનલ પટેલ જણાવે છે કે દોઢ વર્ષથી ઓનલાઈન એજ્યુકેશન અપાતાં બાળકોની લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે. લખવાની સ્પીડ પણ ઘટી છે અને અક્ષર પણ બગડી ગયા છે. જોડિયા શબ્દો લખવામાં ભૂલો થઈ રહી છે અને છેકછાક પણ ખૂબ વધી છે.

વિદ્યાર્થીઓને ઓફલાઈન અભ્યાસમાં સેટ કરતાં હજુ બેથી ત્રણ મહિના લાગશે
રાજકોટની એક સ્કૂલના શિક્ષક અંજલિબેન તન્ના કહે છે, ઘરે આરામથી સોફા-બેડમાં ભણ્યા બાદ હવે વિદ્યાર્થીઓને બેન્ચ પર બેસીને ભણવું ગમતું નથી. અનેક વિદ્યાર્થીઓની લખવાની ઝડપ ખૂબ ઘટી ગઈ છે. હાલ બાળકો વહેલી સવારે ઊઠી તૈયાર થઈને સમયસર સ્કૂલે પહોંચી શકતાં નથી. ચાર-પાંચ કલાક સતત ક્લાસમાં બેસીને ભણવા બાળકો હજુ સેટ નથી થયાં. હોશિયાર વિદ્યાર્થીઓનું પર્ફોર્મન્સ પણ ઘણું બગડ્યું છે. વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણમાં સેટ થતાં હજુ બે-ત્રણ મહિના જેટલો સમય લાગશે.

1. ઘણાને ચશ્માં આવ્યા તો ઘણાના નંબર વધી ગયા, બાળકો વાત કરતાં પણ ડરે છે 2. પહેલાં વિદ્યાર્થીઓ ક્લાસમાં શિક્ષકોને પૂછી આવતા, પણ હવે સીધા જ આવી જાય છે 3. બાળકો પહેલાં સૂતાં સૂતાં ભણતાં, પણ હવે બેચ પર બેસવાનું આવતાં કમરમાં દુખાવો થાય છે 4. ઘરમાં નાસ્તા સાથે ભણવાની ટેવથી હવે શાળામાં ભણતાં ભણતાં ભૂખ લાગી જાય છે 5. મોબાઈલની ટેવથી વિદ્યાર્થીઓમાં શિક્ષણની ગંભીરતા ઘટી, ટીચર્સથી પણ વાત કરતા ગભરાય છે

શિક્ષકોની ચિંતાઃ
મોબાઈલ ટેવથી શિક્ષણની ગંભીરતા ઘટી
રાજકોટના શિક્ષક મિતેષભાઈ પઢિયાર જણાવે છે, બાળકોમાં શિક્ષણની ગંભીરતા ઘટી છે. હાલ બાળકની અંદરના વિદ્યાર્થીને જીવંત કરવાની જરૂર છે. ઓનલાઈન શિક્ષણને લીધે મોબાઈલનું વળગણ વધ્યું છે. ઘણા વાલીઓ કોરોનાની ત્રીજી લહેરના ડરથી બાળકને સ્કૂલે મોકલતા ડરે છે.

10 મિનિટથી વધુ ધ્યાન આપી શકતા નથી
અમદાવાદના શિક્ષક ઉમેશ જોષી કહે છે, ક્લાસમાં વિદ્યાર્થીઓ 10 મિનિટથી વધુ ધ્યાન આપી શકતા નથી. વારંવાર પાણી પીવા કે વોશરૂમમાં જવા મંજૂરી માગે છે.

ક્લાસમાં શિક્ષકોને પૂછ્યા વગર સીધા આવે
એડીઆર ઉમરીગર સ્કૂલના શિક્ષક આશા મૈસૂરિયા જણાવે છે, પહેલાં વિદ્યાર્થીઓ “મે આઈ કમ ઈન મેમ?’ પૂછીને આવતા. હવે ઘણા વિદ્યાર્થીઓ સીધા જ ક્લાસમાં આવે છે.

...અને વાલીઓઃ
45% વિદ્યાર્થીઓ અત્યારે પણ સ્કૂલથી દૂર, કારણ કે...

  • 45% બાળકો આજે પણ સ્કૂલથી દૂર છે, કારણ કે 55% પેરન્ટ્સ કહે છે કે જ્યાં સુધી બાળકોને પણ રસી નહીં અપાઈ જાય ત્યાં સુધી અમે તેમને સ્કૂલ નહીં મોકલીએ, કારણ કે બાળકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સમજાવવું અઘરું છે.
  • 35% પેરન્ટ્સ ઈચ્છે છે કે અભ્યાસની સાથે બાળકોની સુરક્ષાની જવાબદારી પણ સ્કૂલોએ જ લેવી જોઈએ. જોકે સ્કૂલોનું કહેવું છે કે પેરન્ટ્સ બાળકોને સ્કૂલ મોકલવા અંગે લેખિતમાં આપે, જેથી સ્કૂલ જવાબદાર ના ગણાય.
  • 10% પેરન્ટ્સ કહે છે, બાળકનું જીવન મહત્ત્વનું છે. 1 વર્ષ બગડે તો વાંધો નહીં, પરંતુ કોરોના સમાપ્ત ના થાય ત્યાં સુધી સ્કૂલ નહીં.