કોવિડ ન્યાય યાત્રા:અમદાવાદમાં કાલુપુર-દરિયાપુરમાં કોંગ્રેસે કોવિડ ન્યાય યાત્રા યોજી, કોરોનામાં મોતને ભેટેલાના સ્વજનોને 4 લાખ આપવા માગ કરી

કોવિડ ન્યાય યાત્રા:અમદાવાદમાં કાલુપુર-દરિયાપુરમાં કોંગ્રેસે કોવિડ ન્યાય યાત્રા યોજી, કોરોનામાં મોતને ભેટેલાના સ્વજનોને 4 લાખ આપવા માગ કરી

કોરોનાના મૃતકોના પરિવારને 4 લાખની સહાય ચૂકવવાની માંગ સાથે સરકારને કોંગ્રેસ ઘેરશે

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ સહિતના જોડાયા

કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રેલીમાં હાજર ન રહી શક્યા

 

કોરોનાની બીજી લહેર શાંત થઈ છે. જો કે બંને લહેરમાં કોરોનાએ હજારો લોકોના જીવ છિનવ્યા છે. લાખો લોકોએ સ્વજન ગુમાવ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્યમાં કોરોના કારણે જીવ ગુમાવનારના પરિવારજનોને રૂ. 4 લાખની સહાયની માગ કરવામાં આવી રહી છે. કોરોનાથી મોતને ભેટનારના પરિવારજનોને સહાય મળે તે માટે કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રા અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં યોજાઈ હતી. કાલુપુર, દરિયાપુર અને ઘી કાંટા વિસ્તારમાં કોંગ્રેસે ન્યાય યાત્રા યોજી હતી.જેમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ તેમજ કાર્યકરો જોડાયા હતા. જો કે આ યાત્રામાં અમિત ચાવડા હાજર રહી શક્યા ન હતા.

કોંગી ધારાસભ્ય વિધાનસભામાં સરકારને ઘેરશે
સોમવારથી વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી થયેલા મોતના મુદ્દે કોંગ્રેસ આક્રમક બનશે. કોંગ્રેસ કોવિડ મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવા સમગ્ર રાજયમાં ન્યાય યાત્રા યોજી મૃતકોના પરિવારની વિગતો એકઠી કરી રહી છે. અત્યાર સુધી 25 હજારથી વધુ મૃતકોના પરિવારના ઘરે જઈને વિગતો મેળવી છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા વિરોધ કરશે. વિધાનસભા સત્ર દરમિયાન મૃતકોના પરિવારને 4 લાખની સહાય ચૂકવવાની માંગ સાથે કોંગ્રેસ સરકારને ઘેરવા પ્રયાસ કરશે.

કોરોનાથી મોત છૂપાવવા માટે ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ ખોટા અપાયા
કોંગ્રેસની માંગ છે કે ડિઝાસ્ટર એક્ટ મુજબ મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આક્ષેપ કર્યો હતો કે, સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના આંકડા છૂપાવવા માટે ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ અન્ય રોગ દર્શાવ્યું છે. પરંતુ સ્મશાનની પાવતી મુજબ મૃતકની અંતિમવિધિ કોરોના ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસની માંગ છે કે ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના દર્શાવી મૃતકના પરિવારને 4 લાખની સહાય ચૂકવવામાં આવે. આ ઉપરાંત કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓના પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર મેળવી હોય તો મેડિકલ બિલની ચૂકવણી કરવામાં આવે.

કોરોનામાં સરકારની બેદરકારીની ન્યાયિક તપાસની માગ
આ ઉપરાંત કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા છે. કોરોનામાં સરકારની બેદરકારીની ન્યાયિક તપાસ કરવાની માંગ પણ કોંગ્રેસે કરી છે. કોરોનામાં કોરોના વોરિયર્સ કે સરકારી કર્મચારીઓના કોરોનાથી મૃત્યુ થયું હોય તો તેમના પરિવારજનને સરકારી નોકરી આપવાની પણ કોંગ્રેસે માંગ કરી છે.