વિદ્યાર્થીઓની પસંદ બદલાઈ:આ વર્ષે રાજ્યમાંથી સૌથી વધુ 15 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા જશે

વિદ્યાર્થીઓની પસંદ બદલાઈ:આ વર્ષે રાજ્યમાંથી સૌથી વધુ 15 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા જશે

દર વર્ષે સરેરાશ 7થી 8 હજાર વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ માટે US જતા હોય છે

કેનેડાની સરકારે નિયમોમાં ફેરફાર કરતાં વિદ્યાર્થીઓએ અમેરિકા પસંદ કર્યું

 

આ વર્ષે કેનેડા બાદ અમેરિકામાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સૌથી મોટો વધારો થયો છે. ગુજરાતમાંથી આ વર્ષે 15 હજાર વિદ્યાર્થીઓ યુ.એસ.એમાં અભ્યાસ માટે જશે. કેનેડા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 18 હજાર જેટલી છે. તજજ્ઞોના મતે, કેનેડાની સીધી ફ્લાઇટ અને કડક નિયમોને કારણે વિદ્યાર્થીઓ યુ.એસ.એ પર પોતાની પસંદગી ઉતારી રહ્યાં છે.

કેર ઇમિગ્રેશનના નિશીત પટેલે જણાવ્યું હતું કે, કેનેડા બાદ આ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ યુ.એસ.એ અભ્યાસ માટે જશે. ગુજરાતમાંથી અંદાજે 15 હજાર જેટલા વિદ્યાર્થીઓ યુ.એ જશે. કેનેડાની સરખામણીએ કોર્સની ફીમાં પણ ફેરફાર જોવા મળી મળે છે. આ ઉપરાંત સૌથી મોટી બાબત એ છે કે કેનેડાની સરકાર દ્વારા વારંવાર નિયમોમાં ફેરબદલીને કારણે ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી છે.

ગુજરાતમાંથી 5 વર્ષમાં 1.77 લાખ વિધાર્થી વિદેશ ભણવા ગયા છે. 2019માં 48051 ગયા હતા જેની સામે 2020માં 23156 વિધાર્થી વિદેશ ગયા હતા. 2019માં પણ સૌથી વધારે ગુજરાતીઓ વિદેશ ભણવા ગયા હતા.

કેનેડાની સીધી ફ્લાઇટ શરૂ થતાં ખર્ચ બચ્યો
કેનેડા જવા સીધી ફ્લાઇટ શરૂ થતા વિદ્યાર્થીઓના રૂ.2 લાખનો ખર્ચ બચશે. કારણ કે આ પહેલા કેનેડા જવા અમુક દેશોમાંથી પસાર થઇ, જે તે દેશના નિયમો- પ્રોટોકોલનું પાલન કરીને કેનેડામાં પ્રવેશ મળતો હતો. જેથી વિદ્યાર્થીને વચ્ચે રોકવા માટેના દેશમાં રહેલા, જમવા, કોરોના ટેસ્ટ વગેરેનો ખર્ચ 2 લાખ જેટલો થતો હતો.

યુએસની નીતિ બદલાતાં ફેરફાર દેખાયો
ઓસ્ટ્રેલિયાએ પોતાની બોર્ડર ખુલ્લી કરી નથી, કેનેડામાં પણ ઘણી મુશ્કેલી છે. જેના કારણે હવે વિદ્યાર્થીઓની પસંદ યુ.એસ.એ બની રહ્યું છે. આ ઉપરાંત યુ.એસ.એમાં સરકાર બદલાતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પોલિસીમાં પણ ફેરફાર આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓ યુ.એસને પસંદ કરી રહ્યાં છે. -રાજેશ ઝા, રેનેસેન્સ એજ્યુકેર