ભાજપના MLAનું વિવાદિત નિવેદન:'બધા માટે નો રીપીટ થિયરી આવશે પણ મારા માટે નહીં આવે, હું 6 વખત ચૂંટણી જીત્યો છું, સાતમી વખત પણ લડીને જીતીશ':મધુ શ્રીવાસ્તવ

ભાજપના MLAનું વિવાદિત નિવેદન:'બધા માટે નો રીપીટ થિયરી આવશે પણ મારા માટે નહીં આવે, હું 6 વખત ચૂંટણી જીત્યો છું, સાતમી વખત પણ લડીને જીતીશ':મધુ શ્રીવાસ્તવ

મધુ શ્રીવાસ્તવ કહે છે કે, હું હજી 27થી 28 વર્ષનો જ લાગુ છે, મારી ઉંમર વધારે થઇ નથી. એટલે હજી પણ લડી શકુ છું

 

ગુજરાતના મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓને લાવીને મોદીએ સૌ-કોઇને ચોંકાવી દીધા છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપમાં નો રીપીટ થિયરી અંગે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, ત્યારે આ અંગે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપ્યું છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, બધા માટે નો રીપીટ થિયરી આવશે પણ મારા માટે નહીં આવે, હું 6 વખત ચૂંટણી જીત્યો છું, સાતમી વખત પણ ચૂંટણી લડીને જીતીશ એમાં શંકાને સ્થાન નથી.

હું જીતવાનો લડવાનો નક્કી નક્કી નક્કીઃ મધુ શ્રીવાસ્તવ
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભાજપે જે નો રીપીટ થિયરી આપનાવી છે, જેના માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુબ ખુબ અભિનંદન પાઠવુ છું અને આજે મોદીના જન્મદિવસે તેઓ વર્ષો સુધી જીવતા રહે તેવી શુભકામના પાઠવુ છું. ચૂંટણી 6 વખત જીત્યો છુ અને સાતમી વખત પણ લડવાનો અને જીતવાનો એમાં શંકાને સ્થાન નથી. હું જીતવાનો લડવાનો નક્કી નક્કી નક્કી.

હજી પણ હું જવાન જ છું
ભાજપમાં રહીને ચૂંટણી લડીશ. મારૂ બેનર પણ છે અને ભાજપનું પણ છે, બંને મળીને લડવાના છીએ. હું વાઘોડિયાથી જ લડવાનો છું અને 101 ટકા લડીને જીતવાનો છું. ભાજપને સપોર્ટ કરું છું, ભાજપમાં છું અને રહેવાનો છું. મને ટિકિટ આપવાના છે અને જીતવાનો છું, તે નક્કી છે. હું હજી 27થી 28 વર્ષનો જ લાગુ છે, મારી ઉંમર વધારે થઇ નથી. એટલે હજી પણ લડી શકુ છું અને હજી પણ હું જવાન જ છું. બધા માટે નો રીપીટ થિયરી આવશે પણ મારા માટે નો રિપીટ થિયરી નહીં આવે. આ વખતે હું 25થી 30 હજાર વોટથી ચૂંટણી જીતીશ.

આ વખતે હું ચૂંટણી લડીશ
આ વખતે હું ચૂંટણી લડીશ અને પછી મારા પરિવારમાંથી કોઇને પણ જીતાડીને લાવીશ. મને આખા ગુજરાતમાં એગ્રો ચેરમેનનો મને સ્વતંત્ર હાલવો મને આપેલો છે. જેના માટે હું ભાજપને અભિનંદન આપુ છું.

1 મહિના પહેલા પણ વિવાદિત નિવેદન આપ્યું હતું
આ પહેલા વડોદરા જિલ્લાના પાદરામાં અન્ન વિતરણ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપ્યું હતું. જ્યાં તેઓએ અધિકારીઓને ધમકી આપતા જણાવ્યું હતું કે, કોઇ અધિકારી કામ નહીં કરે તો ચૌદમુ રતન બતાવતા ખચકાઇશ નહીં. આ પહેલા પણ મધુ શ્રીવાસ્તવ અધિકારીઓને ચૌદમુ રતન બતાવવાની ધમકીઓ આપી ચૂક્યા છે.

7 મહિના પહેલા કહેલુ કે, કલેક્ટર-પોલીસને ગજવામાં રાખું છું
વડોદરા જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મધુ શ્રીવાસ્તવને માઇક આપવામાં આવ્યું અને જે બાદ બેફામ વાણી વિલાસ શરૂ કર્યો હતો કાર્યકરો વચ્ચે મધુ શ્રીવાસ્તવ તેમ બોલી ગયા હતા કે "કલેકટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું'.