ભારતીયોને મળી શકે છે રાહત:અમેરિકામાં ગ્રીનકાર્ડ માટે નવા બિલની તૈયારી, ફી આપીને નાગરિકતાનો રસ્તો ખૂલી શકે છે

ભારતીયોને મળી શકે છે રાહત:અમેરિકામાં ગ્રીનકાર્ડ માટે નવા બિલની તૈયારી, ફી આપીને નાગરિકતાનો રસ્તો ખૂલી શકે છે

વર્ષો સુધી અમેરિકાની નાગરિકતાની રાહ જોતા લોકો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની સંસદે ફરી એક વખત બિલ પર વિચાર કરી રહી છે, જેમાં ગ્રીનકાર્ડની રાહ જોતા લોકોને નક્કી કરેલી ફી અને કેટલીક શરતો પૂરી કર્યા બાદ નાગરિકતા મળી શકે છે. જોકે બિલ હજુ બિલકુલ પ્રાથમિક તબક્કામાં જ છે. એની પ્રક્રિયામાં ઘણો જ સમય લાગી શકે છે. ગ્રીનકાર્ડનો બેકલોગ ઘણો લાંબો હોય છે અને લાખો લોકો ખાસ કરીને આઈટી પ્રોફેશનલ્સ એનો શિકાર બને છે. તેમને વારંવાર પોતાના વર્ક વિઝાને રિન્યુ કરવા પડે છે.

આ બિલ એ રિકન્સિલિએશન પેકેજનો ભાગ છે, જે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કરાયું હતું. એને ગ્રીનકાર્ડને પર્મનન્ટ રેસિડેન્ટ કાર્ડ પણ કહેવામાં આવે છે. આ ઈમિગ્રન્ટ્સ એટલે કે અપ્રવાસીઓ માટે ઈસ્યુ કરવામાં આવે છે.

જ્યુડિશિયરી કમિટીએ આપી જાણકારી
બિલ પર હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની જ્યુડિશિયરી કમિટી વિચાર કરી રહી છે. ઈમિગ્રેશન સાથેના મામલાઓ પરના નિર્ણય આ કમિટી જ લે છે. કમિટી દ્વારા જાહેર લેખિત નિવેદન મુજબ ગ્રીનકાર્ડ માટે અરજદારને 5 હજાર ડોલર સપ્લિમેન્ટલ ફી, એટલે કે પૂરક રાશિ આપવી પડશે. ફોર્બ્સ મેગેઝિને આ વાતની જાણકારી આપી છે. જો કોઈ અમેરિકી નાગિરક કોઈ ઈમિગ્રન્ટને સ્પોન્સર કરે છે તો આ સ્થિતિમાં ફી અડધી એટલે કે અઢી હજાર ડોલર થઈ જશે. જો એપ્લિકન્ટની પ્રાયોરિટી ડેટ બે વર્ષથી વધુ છે તો આ ફીસ 1500 ડોલર હશે.

રિપોર્ટ મુજબ આ ફી બાકી પ્રોસેસિંગ ફીથી અલગ હશે. બીજા શબ્દોમાં કહીએ તો આ ફી અલગથી આપવાની રહેશે અને પ્રોસેસિંગમાં થનારો ખર્ચ પણ અલગ હશે.

પ્રક્રિયા લાંબી ચાલશે
ગ્રીનકાર્ડને લઈને અમેરિકાની સરકારનું વલણ બદલાતું રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં તો વર્ક વિઝા જ મુશ્કેલ થઈ ગયા હતા. ટ્રમ્પનું કહેવું હતું કે કંપનીઓની પહેલી પ્રાથમિકતા અમેરિકી નાગરિકોને નોકરી આપવી હોવી જોઈએ. જો બાઇડને એનો વિરોધ કર્યો હતો અને સુધારાઓનો વાયદો કર્યો હતો. જોકે આ મુદ્દે તેમને પણ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.

જો આ બિલની જ વાત કરવામાં આવે તો એ સ્પષ્ટ છે કે એ પાસ થવામાં ઘણો જ લાંબો સમય લાગી શકે છે. હાલ તો જ્યુડિશિયરી કમિટી જ એના પર વિચાર કરી રહી છે. એ બાદ આ બિલને લઈને બંને ગૃહમાં લાંબી ચર્ચા ચાલશે. અનેક પ્રસ્તાવો આવશે અને પછી એના પર ચર્ચા થશે. જો આ બધી જ પ્રક્રિયા પૂરી થયા પછી અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ કરશે. તેમની સહી પછી જ આ બિલ કાયદો બની શકશે.

કેટલાક અન્ય લોકોને પણ ફાયદો થશે
CBS ન્યૂઝના એક રિપોર્ટ મુજબ, જો આ બિલ પાસ થઈ જશે તો તે લોકોને પણ ફાયદો થશે, જે ઘણી નાની ઉંમરમાં અમેરિકા આવ્યા હતા અને જેની પાસે ઈમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ નથી. ખેતી કે કોવિડ દરમિયાન અતિ જરૂરી સેવાઓમાં કામ કરનારાઓને પણ એનો ફાયદો ઉઠાવી શકશે. કેટલાક લોકોનું કહેવું છે કે આ બિલથી ભારતીય અને ચીનના નાગરિકોને વધુ ફાયદો મળશે. જોકે કેટલાક જાણકારો એ પણ માને છે કે આ બિલથી અપ્રવાસીઓને એક જ સરખા ફ્રેમવર્કમાં લાવી શકાશે.