એક્સિડેન્ટલ સીએમ, એક્સિડેન્ટલ વિદાય:પાટીદારોની નારાજગીની 3જી લહેર અને કોરોનાની 2જી લહેર મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખુરશી તાણી ગઈ

એક્સિડેન્ટલ સીએમ, એક્સિડેન્ટલ વિદાય:પાટીદારોની નારાજગીની 3જી લહેર અને કોરોનાની 2જી લહેર મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખુરશી તાણી ગઈ

પહેલા કેશુબાપા અને પછી આનંદીબેનને CMના હોદ્દા પરથી હટાવ્યા ત્યારે પણ આખો સમાજ વિરોધમાં આવી ગયો હતો

કોરોનાની બીજી લહેરમાં પણ રૂપાણી સરકાર-વહીવટીતંત્રની કામગીરી સામે લોકોનો રોષ જોઈ ભાજપ ફફડી ઉઠ્યો

 

ગુજરાતમાં ભાજપનો સત્તામાં ઉદય થયો તેમાં પાટીદાર મતદારો અને નેતાઓનો સિંહફાળો છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. એટલી જ સાચી વાત એ છે કે જ્યારે-જ્યારે પાટીદારો ભાજપથી નારાજ થયા છે ભાજપને નુકસાન પણ એટલું જ થયું છે. ભાજપે 2001માં કેશુભાઈ પટેલને હટાવ્યા, 2016માં આનંદીબેન પટેલને હટાવ્યા તે બંને પ્રસંગે પાટીદારો નારાજ થયા હતા. જ્યારે વિજય રૂપાણીને 2016માં ગુજરાતના મુખ્યમંત્રી બનાવાયા ત્યારથી પાટીદાર સમાજમાં ભાજપ પ્રત્યે નારાજગી શરૂ થઈ હતી. બીજીતરફ કોરોનાની 2જી લહેર દરમિયાન ગુજરાતમાં લોકોને જે તકલીફ પડી તેનાથી પણ ભાજપ પ્રત્યે નારાજગી વધી હતી. આમ, એવું કહી શકાય કે પાટીદારોની નારાજગીની 3જી લહેર અને કોરોનાની 2જી લહેર મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખુરશી તાણી ગઈ.

ગુજરાતના 15 ટકા મતદારો પાટીદાર, 71 બેઠકો પર પ્રભુત્વ
ગુજરાતના રાજકારણનો પાટીદાર સમાજ પાવરફુલ જ રહ્યો છે, રાજ્યના કુલ મતદારોના 15 ટકા, એટલે કે વિધાનસભાની 71 બેઠક પર પ્રભુત્વ ધરાવતા પાટીદારો છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપથી રિસાયેલા છે. તેમને મનાવવા માટે થોડાક સમય અગાઉ ભાજપે બે પાટીદાર કેન્દ્રીય મંત્રી- મનસુખ માંડવિયા અને પરષોત્તમ રુપાલાને પ્રવાસ માટે ઉતાર્યા છે. આ બંને કેન્દ્રીય મંત્રી પાટીદારોનો પ્રેમ મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા, કેમ કે આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 150થી વધુ બેઠકોનો લક્ષ્યાંક પાર કરવો હશે, પાટીદારોનો પ્રેમ પાછો લેવો પડશે. 2017ની ચૂંટણીમાં પાટીદારોને કારણે ભાજપની 8 બેઠક ઘટી ગઈ હતી.

ભાજપના ભીષ્મ 'બાપા'ને પક્ષનાએ જ જંપીને બેસવા ન દીધા
ગુજરાતમાં 1995માં ભાજપ પહેલીવાર વિધાનસભા ચૂંટણી જીત્યો તેમાં કેશુભાઈ પટેલનો સિંહફાળો હતો. આના જ શિરપાવરુપે ભાજપે તેમને સીએમ તો બનાવ્યા, પરંતુ સાત મહિનામાં જ શંકરસિંહ વાઘેલાના બળવાને લીધે ભાજપે કેશુભાઈને હટાવી દીધા. પછી 1998માં ફરી ભાજપની સરકાર બની ત્યારે પણ બાપા CM બન્યા હતા, પરંતુ પક્ષની જ આંતરિક ખેંચતાણને લીધે તેઓ ટર્મ પૂરી કરી ન શક્યા અને 2001માં આરોગ્યનું કારણ આપી તેમણે રાજીનામું ધરી દીધું. આ બાબતે ગુજરાતના પાટીદારો ભાજપથી બરાબર નારાજ થયા હતા.

આનંદીબેનને તો પાટીદારોનું જ અનામત આંદોલન નડી ગયું
ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીની વિદાય બાદ પાટીદારોનું વર્ચસ્વ વધ્યું, પરંતુ 2015માં પાટીદાર અનામત આંદોલન શરુ થયું. આ કારણે બેને રાજીનામું આપ્યું હતું. જો કે, ત્યારબાદ રૂપાણી મુખ્યમંત્રી બનતા પાટીદારો ભાજપથી નારાજ થવા લાગ્યા હતા. આ કારણે જ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠક મળી હતી અને કોંગ્રેસને લગભગ 83 બેઠક મળી હતી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 115 બેઠક હતી. આ સ્થિતિમાં આનંદીબેનનું રાજીનામું લેવાતા પાટીદારોમાં ફરી નારાજગી વર્તાવા લાગી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદારોએ AAPનો પાવર વધાર્યો
તાજેતરમાં જ ગુજરાતમાં સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારો એવો દેખાવ કર્યો હતો. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર વસતિનું પ્રભુત્વ ધરાવતા વરાછા સહિતના વિસ્તારોમાં AAPએ વિજય પતાકા લહેરાવીને 27 બેઠક મેળવી હતી. જોકે 2016ની પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે જે 26 બેઠક જીતી હતી એ 'આપ'ના ફાળે ગઈ હતી. તદુપરાંત સૌરાષ્ટ્રના અમરેલી-રાજકોટ-જૂનાગઢ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જે રીતે AAPનું નેટવર્ક સ્ટ્રોંગ થઈ રહ્યું છે તે એ વાતનો સ્પષ્ટ પૂરાવો છે કે ગુજરાતમાં AAPની શક્તિ પાછળ હકીકતમાં તો પાટીદારોનો જ પાવર છે.

કોરોનામાં મિસમેનેજમેન્ટ મુદ્દે પ્રજાનો રોષ રૂપાણીને નડી ગયો
ભાજપે તાજેતરમાં જ ગુજરાતમાં એક સર્વે કરાવ્યો હતો, જેમાં પ્રજામાં અત્યારે જબરદસ્ત એન્ટિ-ઈન્કમ્બન્સી હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રજાના આક્રોશમાં સૌથી મોટું પરિબળ કોરોનાની બીજી લહેર દરમિયાન જે રીતે પ્રજાને હાલાકી પડી અને લોકોએ પોતાના સ્વજનોના ટપોટપ જીવ ગુમાવ્યા તે હતું. પ્રજાના રોષને પારખી ગયેલા ભાજપે આ કારણથી જ ચૂંટણી પહેલાં તાબડતોબ રૂપાણીને દૂર કરવાનો નિર્ણય લીધો હોવાનું આંતરિક સૂત્રોનું કહેવું છે.