PM મોદીએ સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું : પાટીદારોની દેશભક્તિનાં પણ વખાણ કર્યાં, કહ્યું- વેપારક્ષેત્રે તેમણે દેશને હંમેશાં નવી ઓળખ

PM મોદીએ સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું : પાટીદારોની દેશભક્તિનાં પણ વખાણ કર્યાં, કહ્યું- વેપારક્ષેત્રે તેમણે દેશને હંમેશાં નવી ઓળખ

PM મોદીએ કહ્યું- પાટીદારો વિશ્વમાં જ્યાં પણ વસે, ભારતનું હિત તેમના માટે સર્વોપરિ રહ્યું

દેશના વિકાસમાં ગુજરાતની જનતાએ આપેલું યોગદાન નોંધપાત્ર- PM મોદી

સરદારધામ ભવનમાં વિદ્યાર્થીઓને રહેવાની સગવડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદમાં સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ સાથે જ વડાપ્રધાન મોદીએ સરદારધામ ફેઝ -2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ ભવન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારોની છોકરીઓ-છોકરાઓને છાત્રાલયની સુવિધા પૂરી પાડશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં વિદ્યાર્થીઓને વાજબી દરે તાલીમ, બોર્ડિંગ અને રહેવાની સગવડ મળશે. અમદાવાદમાં આવેલા સરધારધામ ભવનનું વીડિયો-કોન્ફરન્સથી ઉદઘાટન કર્યા બાદ મોદીએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે કોઈપણ શુભ કાર્ય પહેલાં આપણે ત્યાં ગણેશ પૂજાની પરંપરા છે અને સદભાગ્યે ગણેશ ઉત્સવના પવિત્ર તહેવારના અવસરે સરદારધામ ભવનનું ઉદઘાટન પણ થયું છે.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ કહ્યું હતું કે PM મોદી વીડિયો-કોન્ફરન્સ દ્વારા સરદારધામ ફેઝ-2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું છે. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગણેશોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા
વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ગણેશજીની પૂજા કરવાની પરંપરા છે અને સદનસીબે ગણેશ ઉત્સવના પ્રસંગે સરદાર ધામ ભવનની શરૂઆત થઈ છે. ગઈકાલે ગણેશચતુર્થી હતી અને અત્યારે આખો દેશ ગણેશોત્સવ ઊજવી રહ્યો છે. હું તમને બધાને ગણેશચતુર્થી અને ગણેશોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

વડાપ્રધાને વિવેકાનંદના ભાષણને યાદ કર્યું
શિકાગોમાં વિવેકાનંદના ભાષણને યાદ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 1893માં આજના દિવસે શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે સ્વામી વિવેકાનંદ વૈશ્વિક મંચ પર ઊભા રહ્યા હતા અને વિશ્વને ભારતનાં માનવીય મૂલ્યોનો પરિચય આપ્યો હતો.

પાટીદાર સમાજની એક મોટી વિશેષતા, તેઓ જ્યાં પણ રહે, ભારતનું હિત તેમના માટે સર્વોચ્ચ
પાટીદાર સમાજની તો એક મોટી વિશેષતા છે કે તેઓ જ્યાં પણ જાય છે, ત્યાંના વેપારને નવી ઓળખ આપે છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે તમારું આ કૌશલ હવે ગુજરાત અને દેશમાં જ નહીં, સમગ્ર દુનિયામાં ઓળખવામાં આવી રહ્યું છે. પાટીદાર સમાજની અન્ય એક મોટી ખૂબી છે, તેો જ્યાં પણ રહે, ભારતનું હિત તેમના માટે સર્વોચ્ચ રહે છે.

પાટીદારો વેપારને નવી ઓળખ આપે છે
વડાપ્રધાને મોદીએ નવી શિક્ષણનીતિ, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને અન્ય યોજનાઓ વિશે ચર્ચા કરી હતી તેમણે કહ્યું હતું કે સ્કિલ ઇન્ડિયા આજે યુવાનો આના દ્વારા પોતાની પ્રતિભામાં સુધારો કરી રહ્યા છે, ગુજરાતના યુવાનો સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા આગળ વધી રહ્યા છે. ગુજરાતના લોકો જ્યાં પણ જાય છે ત્યાં વેપારને નવી ઓળખ આપે છે. ગુજરાતની જનતાએ આપેલું યોગદાન નોંધપાત્ર છે. કોરોના મહામારીનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે વિશ્વની અર્થવ્યવસ્થા કથળી રહી હતી ત્યારે ભારતનો જીડીપી વધી રહ્યો હતો. ભારત પાસે 21મી સદીમાં તકોની કોઈ કમી નથી. આપણે આપણી જાતને ગ્લોબલ લીડર તરીકે જોવાની છે.

સરદાર પટેલે બ્રિટિશ સરકારને મજબૂર કરી હતી
મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે સરદાર પટેલના નેતૃત્વમાં ખેડા આંદોલનમાં ખેડૂતો, યુવાનો અને ગરીબોની એકતાએ બ્રિટિશ સરકારને નમવા મજબૂર કર્યા હતા. એ પ્રેરણા, ઊર્જા આજે પણ સરદાર સાહેબની ગગનચુંબી ઇમારત, ગુજરાતની ધરતી પર 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' તરીકે આપણી સામે ઊભી છે. આઝાદીના સંગ્રામમાં ગાંધીજીએ અહીંથી દાંડીયાત્રા શરૂ કરી હતી, જે આજે પણ દેશની આઝાદી માટેના સંયુક્ત પ્રયાસોનું પ્રતીક છે.

અમેરિકામાં 9/11 હુમલાએ વિશ્વને ઘણું શીખવ્યું
અમેરિકામાં 9/11ની 20મી વર્ષગાંઠ પર વડાપ્રધાને કહ્યું હતું કે આ હુમલાઓએ દુનિયાને ઘણું શીખવ્યું છે. આ હુમલો માનવતા પર હુમલાનો દિવસ છે. આપણે આ આતંકવાદી ઘટનાઓના પાઠ યાદ રાખવા પડશે. આ સાથે માનવીય મૂલ્યો માટે સંપૂર્ણ શ્રદ્ધા સાથે પ્રયાસો કરવા પડશે. મોદીએ વધુમાં કહ્યું હતું કે આજે આપણે આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે દેશને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે.

પછાત વર્ગોને આગળ લાવવા માટે સતત પ્રયાસ
સમાજના એ વર્ગો, જેઓ પાછળ રહી ગયા છે તેમને આગળ લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે એક તરફ દલિતો અને પછાતોના અધિકારો માટે કામ થઈ રહ્યું છે, જ્યારે એ જ આર્થિક આધાર પર પછાત લોકોને 10% અનામત પણ આપવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ સુબ્રહ્મણ્યમ ભારતીનો ઉલ્લેખ કર્યો
સરદારધામ ભવનના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ તમિળ કવિ સુબ્રહ્મણ્યમ ભારતીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેમણે સમગ્ર જીવનનું સમાજ અને રાષ્ટ્રની પ્રગતિ માટે બલિદાન આપ્યું હતું. સુબ્રહ્મણ્યમ ભારતીજીએ હંમેશાં ભારતની એકતા, માનવજાતની એકતા પર વિશેષ ભાર આપ્યો છે. તેમનો આદર્શ ભારતનો વિચાર હતો અને એ દર્શનનો અભિન્ન ભાગ છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે આજે હું આ પ્રસંગે એક મહત્ત્વની જાહેરાત કરી રહ્યો છું. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સુબ્રહ્મણ્યમ ભારતીજીના નામે એક ખુરશીની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તમિળ સ્ટડીઝ પર 'સુબ્રહ્મણ્યમ ભારતી ચેર' બીએચયુની આર્ટ્સ ફેકલ્ટીમાં સ્થાપવામાં આવશે.

200 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું
PMO મુજબ, સરદારધામ શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન, સમાજના નબળા વર્ગના ઉત્થાન અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા તરફ કામ કરાઈ રહ્યું છે. સરદારધામની વેબસાઇટ અનુસાર, અમદાવાદમાં બિલ્ડિંગનો પ્રથમ તબક્કો 200 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. એ અમદાવાદ-ગાંધીનગર સરહદી વિસ્તારમાં વૈષ્ણોદેવી સર્કલ નજીક 11,672 ચોરસફૂટ પર બાંધવામાં આવ્યું છે.

સરદારધામમાં 1600 વિદ્યાર્થી માટે રહેણાક સુવિધાઓ
સરદારધામમાં 1600 વિદ્યાર્થી માટે રહેણાક સુવિધાઓ, 1 હજાર કમ્પ્યુટર સિસ્ટમ્સ, ઇ-લાઇબ્રેરી, હાઇટેક ક્લાસરૂમ, જિમ, ઓડિટોરિયમ, 50 લક્ઝરી રૂમ સાથે રેસ્ટ હાઉસ અને રાજકીય બેઠકો માટે અન્ય સુવિધાઓ છે.

1000 વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી
આ ભવનમાં 1,000 વિદ્યાર્થીની ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી, 450 બેઠક ક્ષમતા ધરાવતું સભાગૃહ, 1,000 લોકોની ક્ષમતાવાળા બે મલ્ટી-પર્પસ હોલ, ઇન્ડોર ગેમ્સ અને અન્ય સુવિધાઓ છે. ભવનની સામે સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઊચી કાંસાની પ્રતિમા સ્થાપિત છે.