પંજશીર પર કબજો કરવા ગયેલા 350 તાલિબાની ઠાર, 40ને બંધક બનાવાયા

પંજશીર પર કબજો કરવા ગયેલા 350 તાલિબાની ઠાર, 40ને બંધક બનાવાયા

તાલિબાને પંજશીરને ચારેય બાજુથી ઘેરી લીધુ

પંજશીરના લોકો આત્મસમર્પણ કરી દે, અમે કબજો કરવા સક્ષમ પણ હિંસા નથી ઇચ્છતા : તાલિબાનનો દાવો

પંજશીરના રક્ષકોએ તાલિબાન પાસેથી અનેક અમેરિકી હથિયારો પણ છીનવી લીધા

કાબુલ : તાલિબાને અફઘાનિસ્તાનને પોતાના કબજામાં લઇ લીધુ છે પણ આ દેશનો એક વિસ્તાર એવો છે કે જેના પર હજુ પણ કબજો નથી કરી શક્યું. આ વિસ્તારને પંજશીર તરીકે ઓળખવામાં આવે છે. અહીંના સૃથાનિક લોકોએ તાલિબાન સામે યુદ્ધ કરવાનું નક્કી કર્યું છે.

જેને પગલે હાલમાં જ તાલિબાને ફરી પંજશીર પર કબજો કરવાનો પ્રયાસ કરતા તેના 350 આતંકીઓ માર્યા ગયા હતા જ્યારે અનેકને પંજશીરના સુરક્ષા જવાનોએ અપહરણ કરી પોતાના કબજામાં લઇ લીધા હતા. તાલિબાને હાલ પંજશીરને ચારેય બાજુથી ઘેરી લીધુ છે અને અહીંના સૃથાનિક નેતાઓને સંદેશો મોકલતા કહ્યું છે કે અમે વિનંતી કરીએ છીએ કે પંજશીરના લોકો આત્મસમર્પણ કરી દે.

અમે કોઇ પણ પ્રકારની હિંસા નથી ઇચ્છતા, અમે અમેરિકા અને અફઘાનિસ્તાન સૈન્યને હરાવી છે તો પંજશીર કોઇ મોટી વાત છે. જોકે અગાઉ પણ તાલિબાને આ જ રીતે વાતચીતનો પ્રસ્તાવ મોકલ્યો હતો જેને પંજશીરના નેતાઓએ ફગાવી દીધો હતો અને આત્મસમર્પણ કરવાની ના પાડી દીધી હતી. 

દરમિયાન મંગળવારે રાત્રે તાલિબાનીઓએ પંજશીર પર હુમલો કરી દીધો હતો, જોકે અગાઉથી જ તૈનાત પંજશીરના જવાનોએ તેનો આક્રામક રીતે સામનો કર્યો હતો, એટલુ જ નહીં 350 જેટલા તાલિબાનીઓને ઠાર માર્યા હતા અને 40થી વધુને બંધક બનાવી લીધા છે.

તાલિબાનીઓ પાસે જે અમેરિકી હિથયારો અને વાહનો હતા તેને પણ જપ્ત કરી લીધા છે. તાલિબાન દાવો કરી રહ્યું છે કે અમે હિંસા ન થાય માટે પંજશીર પર ચડાઇ નથી કરી રહ્યા, જોકે હકીકત એ પણ છે કે અગાઉ પણ તાલિબાન દ્વારા પંજશીર પર હુમલા કરાયા હતા, જેમાં પણ તાલિબાનના 100 જેટલા આતંકી માર્યા ગયા હતા. જ્યારે હવે 350થી વધુને ઠાર કર્યા છે.