ચુસ્તપાલન:ઓસ્ટ્રેલિયામાં ફૂટબોલ રમતા 12 વર્ષના શુભ પટેલે કહ્યું- તુલસીની માળા કાઢવાને બદલે હું રમત છોડી દેવાનું પસંદ કરીશ

ચુસ્તપાલન:ઓસ્ટ્રેલિયામાં ફૂટબોલ રમતા 12 વર્ષના શુભ પટેલે કહ્યું- તુલસીની માળા કાઢવાને બદલે હું રમત છોડી દેવાનું પસંદ કરીશ

ઓસ્ટ્રેલિયાના બ્રિસબનમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. 14 વર્ષના ભારતીય મૂળના ફૂટબોલ ખેલાડી શુભ પટેલને મેદાનમાંથી બળજબરીપૂર્વક કાઢી મુકવામાં આવ્યો હતો. શુભ પટેલે તુલસીની માળા પહેરી હતી, જે કાઢવાનો ઈન્કાર કરતાં તેને રમતમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ પ્રમાણે આજે શુભને તેના રેફરીએ માળા કાઢી નાંખવા કહ્યું હતું, પાંચ વર્ષની ઉંમરથી તે આ માળા ધારણ કરી રહ્યો હતો, જેને કાઢી નાંખવાનો ઈન્કાર કર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં શુભે કહ્યું હતું કે હું ફૂટબોલ મેચ માટેથી તેને કાઢી નાંખવાને બદલે મારા ધર્મનું પાલન કરવાનું વધારે પસંદ કરીશ. તૂવોંગ ક્લબના યુવા સભ્ય શુભે જણાવ્યું હતું કે માળા દૂર કરવી તે હિન્દુધર્મની વિરુદ્ધ છે.

તે સનાતન પરંપરાથી તદ્દન વિપરીત વાત છે. પૂજા કરવા અને મંત્રોચ્ચાર કરવામાં તુલસીની માળાનો ઉપયોગ કરવામાં આવે છે. શુભે એ બાબત પર ભાર આપ્યો હતો કે માળા તેને વિશ્વાસ આપે છે અને સુરક્ષાનો અહેસાસ કરાવે છે. આ ઘટના બાદ શુભે એક ખૂણામાં બેસવાનું અને તેની ટીમને રમતા જોવાનું શરૂ કર્યું છે.

આ પ્રથમ વખત એવી ઘટના બની છે કે જેમાં તેની માળાને કાઢી નાંખવા માટે કહેવામાં આવ્યું છે. અહેવાલોમાં જણાવ્યા પ્રમાણે શુભ માળા પહેરીને 15 મેચ રમી ચુક્યો છે અને અગાઉ એક વખત પણ કોચ અથવા સાથી ખેલાડીઓએ માળા કાઢી નાંખવા કહ્યું ન હતું.

નિયમો શું કહે છે
ફેડરેશન ઈન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન (FIFA)ના નિયમો પ્રમાણે ખેલાડી રમત રમી રહ્યો હોય ત્યારે કોઈપણ પ્રકારના ઉપકરણ અથવા એવી કોઈ જ જોખમી વસ્તુ પહેરી શકે નહીં. વર્ષ 2014 અગાઉ FIFAએ હિજાબ પર એમ કહીને પ્રતિબંધ મુકી દીધો હતો કે તે ખેલાડીના માથા અથવા ગળા પર ઈજાનું કારણ બની શકે છે.