આપઘાત:પત્નીએ કહ્યું, દારૂ બંધ કરી દો પતિએ દારૂના બદલે ઝેર પીધુ

આપઘાત:પત્નીએ કહ્યું, દારૂ બંધ કરી દો પતિએ દારૂના બદલે ઝેર પીધુ

જામનગર શહેરમાં નવા માર્કેટીંગ યાર્ડ પાસે બનેલી ઘટના

થાઈરોઈડ તથા અન્ય બીમારીથી કંટાળી મહિલાનો આપઘાત

જામનગર શહેરમાં અપમૃત્યુના 3 બનાવો પોલીસ દફતરે નોંધાયા છે જેમાં કાલાવડ પંથકમાં રહેતા શ્રમિક યુવાનને દારૂ પીવાની ના પાડતા તેણે આપઘાત કર્યો છે. જ્યારે જામનગરમાં બીમારીથી કંટાળીને મહિલાએ ઝેરી દવા ગટગટાવી છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર કાલાવડની ભાગોળે નવા માર્કેટીંગ યાર્ડ પાસે રહેતા વિકાસ નથુભાઈ નિહાલ (ઉ.વ.30) નામના યુવાનને તેની પત્નીએ દારૂ પીવાની ના પાડતા લાગી આવતા વાડીમાં પડેલી ઝેરી દવા પી જતાં ગંભીર હાલતમાં જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થતાં તપાસ હાથ ધરી છે. લગભગ દસેક દિવસની સારવાર દરમિયાન વિષપાન કરનાર યુવકનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવની મૃતકના પત્નીએ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. પોલીસે મૃતકના પત્નીનું નિવેદન નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મૂળ મધ્ય પ્રદેશના બળવાની જિલ્લાના પારિયા ગામનો વતની હતો જે છેલ્લા કેટલાક સમયથી કાલાવડ પંથકમાં વસવાટ કરી મજૂરી કામ કરી દિવસ નિર્વાહ ચલાવતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ બનાવના પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બીજા બનાવમાં શહેરના હાલાર હાઉસ ગ્રીન સોસાયટીમાં રહેતી મનિષાબેન ભરતભાઈ ખીમસૂર્યા નામની મહિલાએ થાઈરોઈડ તથા અન્ય બીમારીથી કંટાળી પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર બાદ તેણીનું મૃત્યુ થતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા સરફરાજ મુબારક મકવા (ઉ.વ.28) નામના યુવાને તેના ઘરે કોઇપણ કારણસર ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને પરિવારજનોએ યુવાનને સારવાર માટે શહેરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ બનાવની જાણ થતા સ્થળ પર પહોંચી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી જીજી હોસ્પિટલ ખસેડયો હતો. પોલીસે મૃતકનું પીએમ કરવા સહિતની પીએમ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.