જુનિયર ડોક્ટર્સને ચેતવણી:નીતિન પટેલે કહ્યું- ગામડાંમાં ડ્યૂટી ન કરવી હોય તો 40 લાખ બોન્ડ જમા કરાવો

જુનિયર ડોક્ટર્સને ચેતવણી:નીતિન પટેલે કહ્યું- ગામડાંમાં ડ્યૂટી ન કરવી હોય તો 40 લાખ બોન્ડ જમા કરાવો

હડતાલિયા ડોક્ટર્સની પીજી તરીકેની સેવા ન લેશો, હોસ્ટેલ ખાલી કરાવો

ગુજરાતના હડતાલ પર ઉતરેલા જુનિયર ડોક્ટર્સને ચેતવણી આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે જો તેઓને ગામડાંમાં ડ્યૂટી ન કરવી હોય તો બોન્ડના 40 લાખ રૂિપયાની રકમ સરકારમાં જમા કરાવી દે. તેમણે આ ડોક્ટરોની હડતાલને ગેરકાયદે અને લોકોને ગેરમાર્ગે દોરનારી ગણાવી હતી.

પીજી કરી રહેલા ગુજરાત ભરના ડોક્ટર્સ હાલ કોરોના દરમિયાન કરેલી કામગીરીના દિવસોને ગામડાંમાં આપેલી સેવાના બમણાં દિવસો ગણીને તેમને બોન્ડ મુક્ત કરવા માટેની માંગ કરી રહ્યાં છે. તેમણે સરકાર પાસે સાતમા પગાર પંચ અનુસારનું વેતન તથા તેમને તેમની મૂળભૂત સંસ્થામાં જ એક વર્ષનો અભ્યાસ કરવા દેવામાં આવે તેવી માંગણી કરી છે. આ તબીબોએ થોડાં દિવસ પહેલાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સમક્ષ આ માંગ કરી હતી પરંતુ સરકારે તેમની માંગ ન સ્વીકારતાં તેઓ હાલ હડતાલ પર છે. આ મુદ્દે કમિશનરે પહેલી ઓગસ્ટે તમામ પીજી તબીબોને પોતાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવા હાજર થવાનો આદેશ કર્યો છે. આ અંગે નીતિન પટેલે કહ્યું કે આ હડતાલી ડોક્ટર્સની પીજી તરીકે સેવા નહીં લેવા માટે તમામ મેડિકલ કોલેજોના તબીબોને આદેશ કરાયો છે તથા તેમને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા માટે પણ કહી દેવાયું છે.

પટેલે કહ્યું કે અગાઉ કોરોનાનું સંક્રમણ ખૂબ વધુ હતું ત્યારે શહેરી વિસ્તારોમાં આ ડોક્ટર્સને વિવિધ હોસ્પિટલોમા ડ્યૂટી અપાઇ હતી. પરંતુ હવે કોરોના હળવો થતાં તેમને તે સ્થળે જ ફરજ બજાવવાનો આગ્રહ રાખવો જોઇએ નહીં અને તેમને સોંપાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં હાજર થવું જોઇએ તથા એક વર્ષનો સમય પૂર્ણ કરવો જોઇશે. હાલ શહેરી વિસ્તારોમાં જે કાયમી તબીબો છે તે કોરોનાના દર્દીઓની સેવા કરવા માટે પૂરતાં છે.

તેમણે સ્પષ્ટતા કરી કે, કોરોના સંક્રમણ ખૂબ ઊંચું હતું ત્યારે નક્કી થયું હતું કે આ વિદ્યાર્થીઓને 31 જૂલાઇ સુધી બોન્ડ મુક્ત કરવામાં આવે જેથી તેઓ કોરાનાની કામગીરીમાં જોડાવવા પ્રોત્સાહિત થાય.