શિક્ષણ બાદ પડકાર:USમાં અભ્યાસ બાદ વિદેશી વિદ્યાર્થીઓને સેટલ થવું અઘરું થશે, ભારતીયોને અસર

શિક્ષણ બાદ પડકાર:USમાં અભ્યાસ બાદ વિદેશી વિદ્યાર્થીઓને સેટલ થવું અઘરું થશે, ભારતીયોને અસર

અમેરિકી સાંસદોને તેમના નાગરિકોની રોજગારીની ચિંતા

મહામારીથી પહેલાં અમેરિકામાં બે લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ હતા

અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ બાદ ત્યાં રહેવું મુશ્કેલ થઈ શકે છે. અમેરિકી સાંસદોના એક સમૂહે સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભામાં તેનાથી સંબંધિત એક બિલ રજૂ કર્યું છે. ખરેખર અત્યાર સુધી વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમુક નક્કી શરતો સાથે અમેરિકામાં કામ કરવા માટે રોકાઈ શકે છે. નવા બિલમાં આ યોજનાને સમાપ્ત કરવાની જોગવાઈ છે. જો આ બિલ કાયદો બની જશે તો તેની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર થશે.

સાંસદ પૉલ એ ગોસર, મો બ્રૂક્સ, એન્ડી બિગ્સ અને મેટ ગેટ્જે સંયુક્ત રૂપે ગૃહમાં ફેરનેસ ફોર હાઈ સ્કિલ્ડ અમેરિકન એક્ટ બિલ રજૂ કરાયું. ગોસરે કહ્યું કે એવો કયો દેશ છે જે તેના નાગરિકોને વંચિત રાખી વિદેશીઓને રોજગારી આપવાની યોજના ચલાવે છે. આ યોજનાનું નામ ‘ઓપ્ટ’ છે.

ગોસરે આરોપ મૂક્યો કે સરકારે એક લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન બાદ અમેરિકામાં 3 વર્ષ સુધી કામ કરવાની મંજૂરી આપી એચ-1 બી વિઝા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. વિદેશી કર્મચારીઓને પેરોલ કરથી છૂટ અપાઈ છે.

ઓપન ડોર્સ રિપોર્ટ : અમેરિકામાં 2018-19માં સતત છઠ્ઠી વખત ભારતીય વિદ્યાર્થીઓ વધ્યા
અમેરિકામાં કોરોના સંકટથી પહેલાં 2018-19માં 2,02,014 ભારતીય વિદ્યાર્થીઓ હતા. અમેરિકી દૂતાવાસની વેબસાઈટ પર ઓપન ડોર્સ રિપોર્ટ 2019ના હવાલાથી આ માહિતી અપાઇ છે. 2018-19માં 2017-18ની તુલનાએ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 3 ટકા વધી હતી. આ પહેલીવાર હતું જ્યારે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનો આંકડો બે લાખને પાર જતો રહ્યો હતો. સતત છઠ્ઠાં વર્ષે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.

USમાં યુનિવર્સિટીઓમાં 11 લાખથી વધુ વિદ્યાર્થી, ચીનના સૌથી વધુ, જ્યારે ભારતીયો બીજા ક્રમે
રિપોર્ટ મુજબ 2018-19માં અમેરિકી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આશરે 11,22,300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં ભારતીય વિદ્યાર્થીઓ 18 ટકા સાથે બીજા ક્રમે હતા. ચીન 35 ટકા વિદ્યાર્થીઓ સાથે પહેલા ક્રમે રહ્યું. ભારત બાદ દક્ષિણ કોરિયા, સાઉદી અરબ અને કેનેડાનો ક્રમ રહ્યો. અમેરિકામાં મોટા ભાગે વિદેશી વિદ્યાર્થીઓ કેલિફોર્નિયા, ન્યુયોર્ક, ટેક્સાસ, મેસાચ્યુસેટ્સ, ઈલિનોય, પેન્સિલ્વેનિયા, ફ્લોરિડા, ઓહિયો, મિશિગન અને ઈન્ડિયાનામાં રહે છે.

ઉચ્ચ શિક્ષણ માટે લંડન સતત ત્રીજા વર્ષે દુનિયાનું સૌથી સારું શહેર
ઉચ્ચ શિક્ષણ માટે લંડન દુનિયાનું સર્વશ્રેષ્ઠ શહેર છે. શિક્ષણ વ્યવસ્થા પર વિશ્લેષણ કરનારી એજન્સી ક્વાક્વેરેલી સાઈમન્ડ્સ(ક્યુએસ)અે તેના રિપોર્ટમાં આ માહિતી આપી હતી. રિપોર્ટ મુજબ રેન્કિંગમાં લંડન સતત ત્રીજા વર્ષે પહેલા ક્રમે રહ્યું છે. ઈમ્પિરિયલ કોલેજ, કિંગ્સ કોલેજ લંડન જેવી દુનિયાની અગ્રણી સંસ્થાઓના કારણે વિદ્યાર્થીઓને વધુ તકને કારણે લંડન તેનું રેન્કિંગ બચાવવામાં સફળ રહ્યું છે. આ રેન્કિંગમાં મ્યુનિખ બીજા અને ટોક્યો, સીઓલ ત્રીજા ક્રમે રહ્યાં.