લિસ્ટનો શું છે ઉદ્દેશ?:વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળવાનો શું ફાયદો? ધોળાવીરા સહિત ગુજરાતનાં આ 4 સ્થળ છે યાદીમાં

લિસ્ટનો શું છે ઉદ્દેશ?:વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળવાનો શું ફાયદો? ધોળાવીરા સહિત ગુજરાતનાં આ 4 સ્થળ છે યાદીમાં

વર્ષ 1959માં ઇજિપ્તે યુનેસ્કોને સ્મારકો અને સ્થળોને બચાવવા અને સહાય માટે વિનંતી કરી, એ બાદ વૈશ્વિક સ્તરે ધરોહર સ્થળો જાહેર કરવાનું શરૂ કરાયું

સૌથી વધુ હેરિટેજ સાઇટની યાદીમાં ઈટાલીનો નંબર આવે છે, જ્યાં સૌથી વધુ 55 વૈશ્વિક સ્તરનાં ઐતિહાસિક સ્થળો છે

 

હાલમાં જ તેલંગાણાના વારંગલમાં પાલમપેટ સ્થિત 13મી સદીમાં બનેલું રામપ્પા મંદિર અને ગુજરાતમાં હડપ્પા સમયના ધોળાવીરા શહેરને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ, એટલે કે વૈશ્વિક ધરોહર સૂચિમાં સામેલ કર્યાં છે. ધોળાવીરામાં હડપ્પા સભ્યતાના અવશેષો જોવા મળે છે, જે વિશ્વભરમાં પોતાની અનોખી વિરાસતને લઈને પ્રખ્યાત છે. ધોળાવીરા કચ્છ નજીક ખડીરમાં સ્થિત એક ઐતિહાસિક સ્થાન છે, જે લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં વિશ્વનું પ્રાચીન મહાનગર હતું.

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીએ 44મા સેશનમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો ટેગ આપવાનો નિર્ણય કર્યો. આ પહેલાં રવિવારે તેલંગાણાને રામપ્પા મંદિરને પણ આ દરજ્જો મળ્યો હતો. રામપ્પા મંદિરને કાકાત્ય વંશના રાજાઓએ તૈયાર કરાવ્યું હતું, સાથે જ હવે ભારતમાં કુલ એવી 40 સાઈટ્સ છે, જેને વર્લ્ડ હેરિટેજનો ટેગ મળી ગયો છે. યુનેસ્કો મુજબ, કોઈ એવી વિરાસતને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવે છે, જે સંસ્કૃતિ અને પ્રાકૃતિક મહત્ત્વ ધરાવતી હોય. આ ઉપરાંત કોઈપણ દેશની સંસ્કૃતિની ઝલક આપનારી અને ભવિષ્યમાં પણ માનવ સમાજને પ્રેરિત કરનારી જગ્યાને આ દરજ્જો આપવામાં આવે છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ધોળાવીરા સહિત હવે કુલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. ધોળાવીરા ઉપરાંત પાવાગઢ સ્થિત ચાંપાનેર, પાટણમાં આવેલી રાણ કી વાવ અને અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે. જોકે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળવાના શું માપદંડ હોય છે? વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળે તો શું ફાયદો થાય? હેરિટેજ સાઇટની યાદીમાં કોઈ જગ્યા કઈ રીતે જોડાય છે? જેવા અનેક સવાલ થાય એ સ્વાભાવિક છે.

UNESCOની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળવાથી શું ફાયદો મળે છે?
પ્રેસ એન્ડ પોપ્યુલેરિટીઃ

સૌપ્રથમ કોઈપણ સ્થળ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન પામે છે તો સૌથી મોટો ફાયદો ટૂરિઝમ, એટલે કે પ્રવાસનને મળે છે. એકવાર કોઈ સાઇટને માન્યતા મળ્યા પછી એ મુસાફરો માટે વધુ આકર્ષક બને છે. આ ઉપરાંત ટ્રાવેલ રાઈટર્સ અને અન્ય સમાચાર સંસ્થાઓ એ સ્થળની લોકપ્રિયતાને શબ્દમાં ફેલાવવામાં મદદરૂપ બને છે, જેને પગલે હેરિટેજ સાઇટમાં સ્થાન પામનારી જગ્યાની લોકપ્રિયતા વધે છે અને એ ઘણા દેશોમાં નવા આર્થિક લાભ લાવવામાં મદદરૂપ બની શકે છે.

ફંડિંગઃ
વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવનારી જગ્યા કે ધરોહરના રક્ષણ અને સંરક્ષણ માટે ભંડોળ મેળવવા માટે પાત્રરૂપ બની રહે છે. એ ઐતિહાસિક અને મહત્ત્વની જગ્યા જાહેર કરવામાં આવી હોવાથી વૈશ્વિક સ્તરે એને સાચવવાની જવાબદારી બની રહે છે. સાઇટના વૈશ્વિક પ્રોજેક્ટ મેનેજમેન્ટ સંસાધનો માટે સમારકામની જરૂર હોય અથવા જો સાઇટના રક્ષણની ખાતરી કરવા માટે પણ જરૂરી હોય તો ફંડિંગની વ્યવસ્થા થઈ રહે છે.

યુદ્ધ દરમિયાન સંરક્ષણઃ
વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન મળ્યા બાદ જે-તે સ્થળની સાચવવાની જવાબદારી વધી જાય છે. ખાસ કરીને યુદ્ધ દરમિયાન જીનિવા કન્વેન્શન અંતર્ગત આવાં સ્થળો પર વિશેષરૂપે ધ્યાન આપવામાં આવે છે અને જો એને યુદ્ધ દરમિયાન નુકસાન થાય તો એને ફરી એ સ્વરૂપ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે વર્ષ 2001માં તાલિબાનોએ અફઘાનિસ્તાનના બામિયાન વેલીમાં આવેલી 6ઠ્ઠી સેન્ચુરીમાં બનેલી 150 ફૂટની બુદ્ધ પ્રતિમાને નુકસાન કર્યું હતું, જેને ફરી તૈયાર કરવા માટે યુનેસ્કોએ 4 મિલિયન ડોલરની મદદ કરી હતી અને ડેમેજ થયેલા સ્થળનો જીર્ણોદ્ધાર કર્યો હતો.

વૈશ્વિક સ્તરે 1,121 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ
મુસાફરો, સાહસિકો અને પ્રવાસીઓ લગભગ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ અંગે જાણતા હશે. આ સૂચિમાં સ્થાન પામનારાં સ્થળ મોટે ભાગે ઘણા જ ખૂબસૂરત અને એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવાં હોય છે. વર્ષ 1959માં જ્યારે ઇજિપ્તે સંયુક્ત રાષ્ટ્રની એક વિશેષ એજન્સી, સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, સાયન્ટિફિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ને સ્મારકો અને સ્થળોને બચાવવા તથા સહાય માટે વિનંતી કરી. ત્યાર બાદથી વૈશ્વિક સ્તરે ધરોહર સ્થળો જાહેર કરવાનું શરૂ કરાયું, એ પછીથી વિશ્વભરના દેશોએ માન્યતાપ્રાપ્ત વૈશ્વિક વારસો સાઇટ્સની સૂચિમાં નોંધપાત્ર સાઇટ્સ ઉમેરી છે. આજની તારીખે વિશ્વભરમાં 1,121 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે.

કોઈ સ્થાનને વૈશ્વિક ધરોહર સ્થળ તરીકે જાહેર કરવાની પ્રક્રિયા શું હોય છે?
2004 સુધી સાંસ્કૃતિક ધરોહર હેતુ છ માપદંડ હતા અને પ્રાકૃતિક ધરોહર હેતુ ચાર માપદંડ હતા. વર્ષ 2005માં તેને બદલીને કુલ મળીને 10 માપદંડ કરવામાં આવ્યા. સૌથી પહેલાં કોઈ પણ દેશને પોતાના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ધરોહરની સૂચિ બનાવવાની હોય છે. આ જરૂરી છે, કેમકે કોઈ પણ રાષ્ટ્ર એવી કોઈ સંપદાને નોમિનેટ ન કરી શકે જેનું નામ તે યાદીમાં પહેલેથી સામેલ ન હોય. આ સૂચિને સમયાંતરે અપડેટ પણ કરવામાં આવે છે.

સાંસ્કૃતિક માપદંડઃ

  • આ સ્થળ મનુષ્યની રચનાત્મક દ્રષ્ટીએ માસ્ટરપીસ હોવું જોઈએ.
  • માનવીય સ્થળોના આદાન-પ્રદાન, આર્કિટેક્ટર, ટેક્નોલોજી, સ્મારક કળા, પ્લાનિંગ, ડિઝાઈન રજૂ કરે છે.
  • કોઈ નષ્ટ થયેલી સભ્યતાની સાંસ્કૃતિક પરંપરાને રજૂ કરે છે.
  • માનવ ઈતિહાસના અનેક પડાવનું ઉદાહરણરૂપ હોય છે.

પ્રાકૃતિક માપદંડઃ

  • આ જગ્યા અસાધારણ પ્રાકૃતિક સુંદરતા અને પરિઘટનાને રજૂ કરે છે.
  • પૃથ્વીના ઈતિહાસ, જીવનના રેકોર્ડ, લેન્ડફોર્મમાં બદલાવનું ઉદાહરણ હોય.
  • ઈકોલોજી, બાયોલોજિકલ પ્રક્રિયાઓ અને બાયોલોજિકલ ડાયવર્સિટી, સમુદ્રી ઈકો સિસ્ટમ, ઝાડ-પાન અને જાનવરોનું મહત્ત્વ રજૂ કરે છે.

ભારતમાં 40 વૈશ્વિક ઐતિહાસિક સ્થળો
વિશ્વમાં જૂન, 2020 સુધીમાં 167 દેશોમાં 1,121 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. જેમાંથી 869 સાંસ્કૃતિક, 213 પ્રાકૃતિક અને 39 મિશ્રિત સ્થળ છે. સૌથી વધુ હેરિટેજ સાઇટની યાદીમાં ઈટાલીનો નંબર આવે છે, જ્યાં સૌથી વધુ 55 વૈશ્વિક સ્તરના ઐતિહાસિક સ્થળો છે. બીજા નંબરે ચીન છે, ત્યાં પણ 55 ઐતિહાસિક સ્થળ છે. ત્રીજા નંબરે સ્પેન જ્યાં 48, ચૌથા નંબરે જર્મનીમાં 46 અને પાંચમાં નંબર ફ્રાંસમાં 45 વૈશ્વિક ધરોહર સ્થળો છે.

જ્યારે આ યાદીમાં ભારત છઠ્ઠા સ્થાને છે. ભારતમાં કુલ 40 વૈશ્વિક સ્તરની ઐતિહાસિક ધરોહર છે, જેમાં સૌથી પહેલા નંબરે સાત અજાયબોમાંથી એક તાજમહેલ છે. 1983માં પહેલી વખત સાંસ્કૃતિક મહત્તવ ધરાવતા સ્થળ તરીકે તાજમહેલ, અજંટા અને ઈલોરાની ગુફાઓ, કોર્ણાકનું સૂર્ય મંદિર, આગ્રા ફોર્ટ, હુમાયુનો મકબરો, કુતુબમિનાર, લાલકિલ્લો, જંતરમંતર સામેલ છે. એ બાદ 1985માં પહેલી વખત પ્રાકૃતિક સ્થળોને આ યાદીમાં સ્થાન મળ્યું, જેમાં કાજીરંગા નેશનલ પાર્ક કેઓલાદેવ નેશનલ પાર્ક, માનસ વાઇલ્ડલાઈફ સેન્ચુરી સહિત કુલ 40 સ્મારક, ઈમારત અને સ્થળો છે, જે યુનેસ્કોના વૈશ્વિક ઐતિહાસિક સ્થળની યાદીમાં છે.

( Source - Divyabhaskar )