ઘર ખરીદીના મામલે મુંબઈ, પૂણે, બેંગલોર કરતાં પણ અમદાવાદનો ગ્રોથ વધુ; ગોતા, ન્યુ રાણીપ, ત્રાગડ, મોટેરા વિસ્તારો હોટ ફેવરિટ

ઘર ખરીદીના મામલે મુંબઈ, પૂણે, બેંગલોર કરતાં પણ અમદાવાદનો ગ્રોથ વધુ; ગોતા, ન્યુ રાણીપ, ત્રાગડ, મોટેરા વિસ્તારો હોટ ફેવરિટ

  • અમદાવાદમાં એપ્રિલ-જૂનમાં મકાનના વેચાણમાં 362% વધારો થયો
  • જાન્યુઆરી-જૂન વચ્ચે અમદાવાદમાં 6226 યુનિટના પ્રોજેક્ટ લોન્ચ થયા
  • કોરોનાની બીજી લહેર ઘાતક રહી હતી અને અર્થતંત્ર પણ ધીમું પડ્યું હતું. આમછતાં, રિયલ એસ્ટેટ માર્કેટમાં ગત વર્ષની તુલનાએ ઘણો સારો ગ્રોથ રહ્યો છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેંક ઈન્ડિયાએ ભારતના અગ્રણી શહેરોની રિયલ એસ્ટેટ માર્કેટ પર એક અર્ધવાર્ષિક (હાફ યર્લી - H1) રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ મુજબ અમદાવાદમાં એપ્રિલ-જૂન 2021 દરમિયાન કોરોના પિક પર હોવા છતાં મકાનોના વેચાણમાં ગત વર્ષ કરતાં 362%નો વધારો થયો છે. આ ગ્રોથ મુંબઈ, પૂણે, બેંગલોર જેવા મોટા શહેરો કરતાં પણ ઘણો વધારે છે. જાન્યુઆરી-જૂન દરમિયાન અમદાવાદમાં હાઉસિંગ સેલ્સ ગ્રોથ 67% નોંધાયો છે.
  • સ્થિર ભાવથી રિયલ એસ્ટેટ માર્કેટને સપોર્ટ મળ્યો
    નાઇટ ફ્રેંકના રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ યશ્વિન બંગેરાએ જણાવ્યું કે, આ વર્ષે જાન્યુઆરી-માર્ચ વચ્ચે મકાનોનું વેચાણ ઘણું જ સુધર્યું હતું. પરંતુ એપ્રિલમાં કોરોનાની બીજી લહેર આવતા ગ્રોથને ફટકો પડ્યો હતો. જોકે, છેલ્લા એક વર્ષથી ભાવ પ્રતિ સ્ક્વેર ફૂટ રૂ. 2800 આસપાસ સ્થિર રહેતા અને જૂન સુધીમાં પરિસ્થિતિ ઘણી સુધારી હતી જેના કારણે ગત વર્ષની સરખામણીએ સેલ્સના આંકડા ઘણા સારા આવ્યા હતા. એપ્રિલ-જૂન 2020 દરમિયાન અમદાવાદમાં માત્ર 252 ઘર વેચાયા હતા. તેની સામે આ વર્ષે બીજી લહેર દરમિયાન 1163 મકાનોનું વેચાણ થયું છે. અર્ધવાર્ષિક ધોરણે જોઈએ તો ગત વર્ષે H1માં 2520 ઘર વેચાયા હતા તેની સામે આ વર્ષે 4209 મકાનોનું વેચાણ થયું છે.

    ઉત્તર અમદાવાદ તરફના વિસ્તારો પર પસંદગી વધી
    અત્યાર સુધી અમદાવાદના પશ્ચિમ ભાગના વિસ્તારો બોપલ, થલતેજ, પ્રહલાદ નગર, SG હાઇવે અને સાઇન્સ સિટી રોડ પર લોકો ઘર ખરીદવાનું પસંદ કરતાં હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી આ ટ્રેન્ડમાં ફેરફાર જોવા મળ્યો છે. ઘર ખરીદવા ઇચ્છુક લોકો હવે ઉત્તર અમદાવાદના વિસ્તારો મોટેરા, ચાંદખેડા, ગોતા, ન્યુ રાણીપ અને ત્રાગડ જેવા વિસ્તારોમાં મકાન લેવાનું પસંદ કરી રહ્યા છે. જાન્યુઆરીથી જૂન દરમિયાન અમદાવાદમાં જે મકાનો વેચાયા છે તેમાં સૌથી વધુ વેચાણ ઉત્તર અમદાવાદમાં થયું છે.

  • એફોર્ડેબલ સેગમેન્ટની હિસ્સેદારી સૌથી વધુ

    નાઈટ ફ્રેન્કના રિપોર્ટ મુજબ અમદાવાદમાં વેચાયેલા ટોટલ ઘરમાં એફોર્ડેબલ સેગમેન્ટમાં આવતા રૂ. 50 લાખ સુધીના ઘરનો શેર સૌથી વધુ રહ્યો છે. કુલ વેચાણમાં તેની હિસ્સેદારી 70% જેવી છે. આ સિવાય રૂ. 50 લાખથી 1 કરોડના ઘરની હિસ્સેદારી 22% અને પ્રીમિયમ સેગમેન્ટ એટલે કે રૂ. 1 કરોડથી વધુની કિમતના ઘરોનો શેર 8% જેવો છે. ગત વર્ષે પણ આ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
  • હળવા લોકડાઉનના કારણે નવા પ્રોજેક્ટ્સ વધ્યા
    નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે કહ્યું કે, પહેલી લહેરની તુલનામાં બીજી લહેરમાં ગુજરાત સહિતના રાજ્યોમાં લોકડાઉનના નિયમો હળવા રહ્યા છે. તેમજ ઘણી જગ્યાએ તો હળવું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આના કારણે રિયલ એસ્ટેટની કામગીરીને ઓછી અસર થઈ હતી. કારીગરોની અછત પણ પહેલાના પ્રમાણમાં ઘટી હતી જેના કારણે બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવાનું સરળ રહ્યું હતું. ગુજરાતનાં આંકડા જોઈએ તો જાન્યુઆરી-જૂન 2020ની સરખામણીએ નવા પ્રોજેક્ટ્સના લોન્ચિંગમાં 2021માં 137%નો વધારો થયો છે. રાજ્યમાં ગત વર્ષના 2627 યુનિટ્સ સામે આ વર્ષે 6226 યુનિટ્સ લોન્ચ થયા છે.
  •