આદેશ:હાઇવે પર મંજૂરી વિનાની હોટલો પર ST નહીં ઊભી રાખવા આદેશ

આદેશ:હાઇવે પર મંજૂરી વિનાની હોટલો પર ST નહીં ઊભી રાખવા આદેશ

  • મુખ્ય પરિવહન અધિકારીનો તમામ વિભાગીય નિયામકોને આદેશ
  • એસટી બસોનું જીપીએસથી ચુસ્ત મોનિટરિંગ કરી પગલાં લેવા આદેશ
  • રાજ્યમાં હાઇવે પર એસટી નિગમ દ્વારા કાયદેસર રોકાણ આપ્યા સિવાયની હોટલો પર ઊભી રખાતી બસોના ડ્રાઇવર-કંડક્ટર સામે પગલાં લેવા એસટી નિગમના મુખ્ય પરિવહન અધિકારીએ તમામ વિભાગીય નિયામકોને આદેશ કર્યો છે. જેને પગલે હાઇવે પર મંજૂરી સિવાયની હોટલો પર રોકાણ કરતાં ડ્રાઇવર-કંડક્ટરોમાં ફફડાટ પ્રસરી ગયો છે. મહેસાણા કચેરીના સૂત્રોએ કહ્યું કે, નિગમનો પરિપત્ર મળ્યો છે, જે અંગે મોનિટરિંગ કરી અમલ કરાવાશે.

    એસટી નિગમ દ્વારા હાઇવે પરની હોટલોનું રોકાણ અપાયેલું ન હોવા છતાં બિન અધિકૃત રીતે બસોનું રોકાણ થતું હોવાનું જીપીએસ ડેટાની ચકાસણીથી ધ્યાને આવતાં એસટીના મુખ્ય પરિવહન અધિકારીએ તમામ વિભાગીય નિયામકોને હાઇવે પર બસોનું બિન અધિકૃત રોકાણ બંધ કરાવવા સૂચના આપી છે. નિગમ દ્વારા તમામ વિભાગના ડીસીસી રૂમથી જીપીએસ મારફતે બસોના બિન અધિકૃત રોકાણનું નિયમિત રીતે ચુસ્ત મોનિટરિંગ કરી બિન અધિકૃત રોકાણ અટકાવવા પગલાં લેવા આદેશ કરાયો છે. વિભાગીય લાઇન ચેકિંગ સ્કવોડ, સુરક્ષા ખાતાની ટીમો તેમજ ડેપો મેનેજર, સુપરવાઇઝર દ્વારા આ અંગે સઘન લાઇન ચેકિંગ અને જવાબદાર ક્રુ સામે કાર્યવાહી કરવાની રહેશે. ડેપો થી જીપીએસ ટ્રેકિંગથી મોનિટરિંગ કરવા આદેશ કરાયા છે.