નાણાવિભાગનો હુકમ : સરકારે વિમાન માટેનું પેટ્રોલ સસ્તું કરી 50નું લિટર કર્યું; આપણાં વાહનો માટે તો રૂ.100 જ ચૂકવવા પડશે

નાણાવિભાગનો હુકમ : સરકારે વિમાન માટેનું પેટ્રોલ સસ્તું કરી 50નું લિટર કર્યું; આપણાં વાહનો માટે તો રૂ.100 જ ચૂકવવા પડશે

  • વિમાન માટેના પેટ્રોલ પર હવે માત્ર 1 % ટેક્સ, સામાન્ય વાહનો માટે 26% ટેક્સ યથાવત્
  • બંધ થવાને આરે આવેલી સી-પ્લેન સહિતની વિમાની સેવાઓને સસ્તી બનાવવા લેવાયેલું પગલું
  • ગુજરાતમાં લગભગ દરેક જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટર આસપાસ છે. પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવને કારણે સામાન્ય માણસની કમર તૂટી છે. ઇંધણના ભાવ નીચા લાવવા માટે રાજ્ય સરકાર તેના વેરા ઓછા કરે તેવી માંગ થઇ રહી છે, પણ રાજ્ય સરકારને તે મંજૂર નથી. તેની સામે રાજ્યમાં ચાલતી હવાઇ સેવા માટે વપરાતાં એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફ પરનો વેરો ગુજરાત સરકારે 10 વર્ષ માટે સાવ માફ કરી દીધો છે.
  • નાણાવિભાગે હુકમ બહાર પાડ્યો
    રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ સી પ્લેન ઉપરાંત વિમાની સેવાઓને ખૂબ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કારણોસર ઓપરેટરો પણ પોતાની સર્વિસ બંધ કરી રહ્યાં છે. તે સેવાઓને નાણાંકીય પીઠબળ પૂરું પડી રહે તે માટે આ નિર્ણય લેવાયો છે. નાણાંવિભાગે શનિવારે બહાર પાડેલાં પરિપત્રમાં આ હુકમ કરાયો છે. જેમાં ઉડાન સ્કીમ હેઠળની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ જે ગુજરાતના જ બે શહેરોને જોડતી હોય તેવાં વિમાનો, વોટર એરોડ્રોમ એટલે કે સી પ્લેન તથા રાજ્યમાં જ ચાલતાં પેસેન્જર હેલિકોપ્ટર સેવા માટેના એટીએફ પર એક ટકો ટેક્સ જ લાગુ કરવાની જાહેરાત કરાઇ છે.

    ATFએ ટેક્સ ઘટાડ્યો
    હાલ ગુજરાત સરકાર દરેક લિટરે પેટ્રોલ-ડીઝલ પર 26 ટકા ટેક્સ વસૂલે છે, તેની સામે એટીએફ પર 38 ટકા વસૂલાતાં હતાં તે હવે માત્ર એક ટકો કરી દેવાઇ છે. હાલ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ 100 રૂપિયા છે તેની તુલનાએ એટીએફનો ભાવ માત્ર 50 રૂપિયા જેટલો થઈ જશે.