કોરોના નિયમોનો ભંગ થાય ત્યાં લોકડાઉન લગાવો : કેન્દ્રનો રાજ્યોને આદેશ

કોરોના નિયમોનો ભંગ થાય ત્યાં લોકડાઉન લગાવો : કેન્દ્રનો રાજ્યોને આદેશ

પર્યટન સ્થળો અને હિલ સ્ટેશનો પર ભીડને પગલે કેન્દ્રએ ચિંતા વ્યક્ત કરી
૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૮,૭૯૨ કેસ, વધુ ૬૨૪ના મોત : એક દિવસમાં ૧૯ લાખ કોરોના ટેસ્ટ

નવી દિલ્હીતા. ૧૪

કોરોના મહામારી વચ્ચે પણ હિલ સ્ટેશનો અને પર્યટન સ્થળો પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ રહ્યા છે. એવામાં ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને દરેક રાજ્યોને કહ્યું છે કે જ્યાં પણ કોરોનાના નિયમો તુટે ત્યાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવે. કેન્દ્રનો આ આદેશ લોકો પ્રોટોકોલનું પાલન ન કરી રહ્યાની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ આપવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી હતીજોકે તેની અસર બહુ સામાન્ય જોવા મળી રહી હોય તેમ પર્યટન રાજ્યો અને ત્યાંના હિલ સ્ટેશનો પર મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. સેલ્ફી લેતી તસવીરો અને વીડિયો વાઇરલ થઇ રહ્યા છે. જેને પગલે કેન્દ્ર સરકારે તેની નોંધ લીધી છે અને ગૃહ મંત્રાલયે દરેક રાજ્યોને કહ્યું છે કે નિયમો જ્યાં વધુ તુટતા હોય અને કોરોના પ્રોટોકોલનું પાલન ન થતું હોય ત્યાં તાત્કાલીક ધોરણે લોકડાઉન લાગુ કરી દેવામાં આવે.

સાથે જ કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે તે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે તાત્કાલીક ધોરણે પગલા લેવામાં આવે. જ્યારે જે અધિકારીઓ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સંભાળી રહ્યા હોય અને ત્યાં ભંગ થતો હોય તો તેવા કિસ્સામાં આવા અધિકારીઓની સામે પણ પગલા લેવામા આવે તેમ પણ કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે. કેન્દ્રએ કહ્યું છે કે કોરોનાની બીજી લહેર હજુ ખતમ નથી થઇએવામાં દરેકે નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જોઇએ.

બીજી તરફ ભારતમાં કોરોના વાઇરસના નવા ૩૮,૭૯૨ કેસો સામે આવ્યા છે. જ્યારે ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૬૨૪ લોકોના મોત નિપજ્યા છે. દરમિયાન મંગળવારે કોરોનાના ૧૯ લાખ ટેસ્ટ કરાયા હતાજ્યારે દેશભરમાં કુલ ૩૮.૭૬ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કેટલાક રાજ્યોમાં કોરોનાની રસીની અછતની ફરિયાદો થઇ રહી છે એવામાં કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ આપ્યો છે કે જે વિસ્તારોમાં રસીની અછત હોય અને સપ્લાય પુરવઠા પર અસર થઇ રહી હોય તો તેનો રિપોર્ટ આપવામાં આવે અને ખાનગી કેન્દ્રો પર શું સ્થિતિ છે તેની જાણકારી મેળવવામાં આવે.