ગયા વર્ષે અમેરિકામાં ડ્રગના ઓવરડોઝથી ૯૩ હજાર મોત
ઓવરડોઝથી મોતમાં ૨૯ ટકાનો વધારો
કોરોનામાં લોકડાઉનને કારણે હજારો લોકો એકલતામાં ધકલાતા ડ્રગના રવાડે ચડયા
ન્યૂયોર્ક, તા. ૧૪
અમેરિકામાં કોરોના મહામારી વચ્ચે આશરે ૯૩ હજાર લોકોના ઓવરડોઝને કારણે પણ મોત નિપજ્યા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. એટલે કે કોરોનાથી તો હજારો લોકો માર્યા ગયા સાથે ઓવરડોઝથી પણ લાખ જેટલા લોકોના મોત થયા છે.
અમેરિકામાં સામાન્ય રીતે ઓવરડોઝને કારણે દર વર્ષે ઘણા લોકોના મોત થતા હોય છે. જોકે કોરોના મહામારીના ગયા વર્ષ દરમિયાન જ ૯૩૦૦૦ લોકો વિવિધ ડ્રગ્સના ઓવરડોઝને કારણે મોતને ભેટયા હતા. જે ઓવરડોઝને કારણે અગાઉના વર્ષે થયેલા મોતની સરખામણીએ ૨૯ ટકા વધુ છે.
નિષ્ણાતોનો દાવો છે કે કોરોના મહામારીમાં લોકડાઉન લાગુ કરાયું તે દરમિયાન હજારો લોકો પોતાના ઘરોમાં રહેવા મજબુર થયા, આ દરમિયાન તેમનામાં એકલતા અને અન્ય સ્ટ્રેસ વધવા લાગ્યો હતો. જેથી તેઓ હેરોઇન જેવા ડ્રગ્સના રવાડે ચડી ગયા હતા. જેની સારવાર કરવામાં પણ તેમને મુશ્કેલી પડવા લાગી. અનેક લોકોએ વિવિધ ડ્રગ ઓવરડોઝને કારણે જીવ ગુમાવ્યો છે.