UNIFORM CIVIL CODE:દિલ્હી હાઈકોર્ટે કહ્યું સમાન નાગરિકતા ધારો લાવવાનો યોગ્ય સમય આવી ગયો છે, કેન્દ્ર જરૂરી પગલાં ભરે;

UNIFORM CIVIL CODE:દિલ્હી હાઈકોર્ટે કહ્યું સમાન નાગરિકતા ધારો લાવવાનો યોગ્ય સમય આવી ગયો છે, કેન્દ્ર જરૂરી પગલાં ભરે;

  • દિલ્હી હાઈકોર્ટે સમાન નાગરિક સંહિતાના પક્ષમાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી
  • આ સાથે જ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો
  • દરેક ધર્મો માટે અલગ અલગ પર્સનલ લૉની જગ્યાએ એક જ કાયદો
  • દિલ્હી હાઈકોર્ટે દેશમાં સમાન નાગરિક સંહિતાને લઈને મહત્વની વાત કરી છે. મીણા જનજાતિની એક મહિલા અને તેના હિંદુ પતિ વચ્ચે તલાકના કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી. હાઈકોર્ટે કહ્યું કે દેશમાં સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત છે અને તેને લાવવાનો આ યોગ્ય સમય છે. કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલામાં જરૂરી પગલાંઓ ભરવાનું કહ્યું છે.

    આ કેસમાં પતિ હિંદુ મેરેજ એક્ટ તરીકે તલાક ઈચ્છતો હતો, જ્યારે પત્નીનું કહેવું હતું કે તે મીણા જનજાતિની છે, એવામાં તેના પર હિંદુ મેરેજ એક્ટ લાગુ ન થઈ શકે. પત્નીએ માગ કરી હતી તેના પતિ તરફથી ફેમિલી કોર્ટમાં દાખલ તલાકની અરજી ફગાવવામાં આવે. તેના પતિએ હાઈકોર્ટમાં પત્નીની આ દલીલ વિરૂદ્ધ અરજી કરી હતી.

    કોર્ટે કહ્યું કે ભારતીય સમાજમાં જાતિ, ધર્મ અને સમુદાય સાથે જોડાયેલી અડચણો ઓછી થઈ રહી છે. આ બદલાવના કારણે બીજા ધર્મ અને બીજી જાતિઓમાં લગ્ન કરવા અને બાદમાં તલાક થવામાં મુશ્કેલીઓ આવે છે. આજની યુવા પેઢીને આ મુશ્કેલીઓથી બચાવવાની જરૂરિયાત છે. હાલ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ હોવો જરૂરી છે. આર્ટિકલ 44માં યુનિફોર્મ સિવિલ કોડને લઈને જે વાત કરવામાં આવી છે, તેને હકીકતમાં બદલવી જરૂરી છે. હાઈકોર્ટે 1985માં સુપ્રીમ કોર્ટ તરફથી જાહેર એક નિર્દેશનો હવાલો આપતા નિરાશા વ્યક્ત કરી કે ત્રણ દશકા બાદ પણ તેને કોઈ ગંભીરતાથી નથું લેતું. હાલમાં જ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ પણ ગોવાના યુનિફોર્મ સિવિલ કોડની પ્રશંસા કરી હતી. ત્યારે આવો જાણીએ આર્ટિકલ 44માં શું છે, જેની ચર્ચા દેશમાં વર્ષોથી થઈ રહી છે.

  • આર્ટિકલ 44ને લઈને બંધારણને તૈયાર કરનારાઓ શું વિચારતા હતા?
    એક વાત સ્પષ્ટ છે કે આપણું બંધારણ તૈયાર કરનારાઓ સમાન નાગરિક સંહિતાને ભલે જ તાત્કાલિક લાગુ ન કર્યું, પરંતુ કલમ 44ની મદદથી તેની કલ્પના જરૂર કરી હતી. તેઓ ઈચ્છતા હતા કે તમામ ધર્મો અને સંપ્રદાયોના લોકો માટે એક સરખો જ પર્સનલ લૉ હોય. તેથી તેઓએ નીતિ નિર્દેશક સિદ્ધાંત અંતર્ગત પોતાની ભાવનાને વ્યક્ત કરી. આ આર્ટિકલની મદદથી બંધારણના નિર્માતાઓએ સ્પષ્ટ કહ્યું કે રાજ્ય તે વાતનો પ્રયોગ કરશે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિત બને જે આખા દેશમાં લાગુ થાય. આવી આશામાં જ તેઓએ તે સમયે અલગ અલગ ધર્મો માટે અલગ અલગ પર્સનલ લૉ બનાવવાનું સમર્થન કર્યું હતું. જે-તે ધર્મના પર્સનલ લૉ મુજબ જ તેને માનતા
    લોકોમાં લગ્ન, તલાક, દત્તક લેવાની પ્રક્રિયા, વિરાસત સાથે જોડાયેલા અધિકાર સહિતની વાત નક્કી હોય છે. જે દિવસથી દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ થઈ જશે તે દિવસથી લગ્નથી લઈને વિરાસત સાથે જોડાયેલા મામલાઓમાં પણ તમામ ધર્મો અને સમુદાય માટે એક જ કાયદો લાગુ થશે.

    UCC (Uniform Civil Code)અને તે અંગેનો ઈતિહાસ
    ભારતના બંધારણના આર્ટિકલ 44માં UCCને લઈને જોગવાઈ છે. કહેવામાં આવ્યું છે કે 'રાજ્ય ભારતની સરહદની અંદર નાગરિકો માટે UCCની વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકે છે.' આ જોગવાઈનો હેતુ ધર્મના આધારે કોઈ વર્ગ વિશેષની સાથે થતા ભેદભાવને ખતમ કરવાનું જણાવવામાં આવ્યું છે.

    જૂન 1948માં બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુને જણાવ્યું હતું કે આખા હિંદુ સમાજમાં નાના-નાના અલ્પસંખ્યક સમૂહ છે, તેમના વિકાસ માટે પર્સનલ લૉમાં મૂળભૂત ફેરફાર લાવવાની જરૂર છે. સરદાર પટેલ, પટ્ટાભિ સીતારમૈયા, એમએ અયંગર, મદનમોહન માલવિયા અને કૈલાસનાથ કાટઝૂ જેવા નેતાઓએ હિંદુ કાયદામાં સુધારાનો જોરદાર વિરોધ કર્યો હતો. સમાન નાગરિક સંહિતાનો ઈતિહાસ જણાવે છે કે એક રિપોર્ટ એવો પણ કહે છે કે ડિસેમ્બર 1949માં હિંદુ કોડ બિલ પર જ્યારે ચર્ચા થઈ હતી ત્યારે 28માંથી 23 વક્તાઓએ તેના વિરોધમાં મત રાખ્યો હતો. સપ્ટેમ્બર 1951માં રાષ્ટ્રપતિ પ્રસાદે સ્પષ્ટ કહ્યું હતું કે જો આ પ્રકારનું બિલ પાસ થયું તો તેઓ પોતાના વિશેષાધિકાર અને વીટોનો ઉપયોગ કરસે. બાદમાં નહેરુએ આ કોડને ત્રણ અલગ અલ એક્ટમાં વ્હેંચી દીધો અને જોગવાઈ ફ્લેક્સિબલ બનાવી દીધી.

    UCCને લઈને મુસ્લિમોનું વલણ શું છે?
    બંધારણના આર્ટિકલ 44થી મુસ્લિમ પર્સનલ લૉને રદ કરવાની ત્રણ વખત નિષ્ફળ પ્રયાસો કરી ચુકેલા મોહમ્મદ ઈસ્માઈલનું માનવું છે કે એક સેક્યુલર દેશમાં પર્સનલ લૉમાં દરમિયાનગીરી ન હોવી જોઈએ. તો હુસૈન ઈમામ પણ આ મુદ્દે સવાલ ઊભો કરી ચુક્યા છે કે ભારતની છબિ અનેકતામાં એકતાની છે અને એટલી વિવિધતા છે કે શું પર્સનલ કાયદામાં એકરૂપતા શું હકિકતમાં સંભવ બની શકે છે?

    UCC લાગુ થઈ ગયું તો શું?
    આ એક નિષ્પક્ષ કાયદો છે. જો સમાન નાગરિક આચાર સંહિત એટલે કે Uniform Civil Code લાગુ થઈ જશે તો દરેક ધર્મના લોકો માટે એક સરખો જ કાયદો આવી જશે. એટલે કે નાગરિક કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ જાતિનો તેના પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં થાય.

    વર્તમાન ચાલે છે આ કાયદાઓ
    હાલ આપણા દેશમાં દરેક ધર્મના લોકોનો એક પર્સનલ લૉ છે, જેની મદદથી કોઈ પણ સમસ્યા કે વિવાદનું સમાધાન લાવવામાં આવે છે. જો કે પર્સનલ લૉ મુસ્લિમ, ઈસાઈ અને પાસરી સમુદાયનો છે જ્યારે જૈન, બૌદ્ધ, શીખ અને હિંદુઓ, હિંદુ સિવિલ લૉ અંતર્ગત જ આવે છે.

  • Caption
  • કયા કયા દેશમાં લાગુ છે યુનિફોર્મ સિવિલ કોડ
    ફ્રાંસમાં જોવા મળતા ધાર્મિક અસંતોષઅને વિવાદને કારણે ફ્રાંસના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોને પોતાના દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે ફ્રેંચ રાષ્ટ્રપતિએ સ્પષ્ટ શબ્દોમાં આ વર્ડનો ઉપયોગ ન કર્યો પરંતુ સ્પષ્ટ રીતે ઈશારામાં જણાવ્યું કે તેઓ ઈચ્છે છે કે ફ્રાંસનું બંધારણ તમામ ધર્મોથી ઉપર હોય. ફ્રાંસ અને ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ચાલે છે પરંતુ તુર્કી, સુડાન, ઈન્ડોનેશિયા, મલેશિયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત અને પાકિસ્તાન જેવા બહુમતી મુસ્લિમ રાષ્ટ્રોમાં UCCની અમલવારી થાય છે.

    મોદી સરકાર પ્રત્યે આશા વધી
    કેન્દ્રમાં મોદી સરકાર સત્તા પર આવી છે ત્યારતી યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચાએ જોર પકડ્યું છે. સરકારે 2019માં જ્યારે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા બંધારણની ધારા 370ને નાબૂદ કરી, ત્યારબાદથી સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની આશા વધી છે. દશકાઓથી ભાજપ પોતાના ચૂંટણી એજન્ડામાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવું, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવો અને દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત કરતા આવ્યા છે.

    આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ અને રામ મંદિર નિર્માણનો એજન્ડા પણ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે હવે લોકો માને છે કે ભાજપ હવે ટૂંક સમયમાં જ સમાન નાગરિક સંહિતાનો એજન્ડા પણ પૂર્ણ કરશે.

  • ( Source - Divyabhaskar )