અમદાવાદ - 175 કેન્દ્ર પરથી લોકોએ રસી લીધા વગર જ પાછા ફરવું પડ્યું, આજે 70 કેન્દ્રો પરથી જ રસી અપાશે

અમદાવાદ - 175 કેન્દ્ર પરથી લોકોએ રસી લીધા વગર જ પાછા ફરવું પડ્યું, આજે 70 કેન્દ્રો પરથી જ રસી અપાશે

  • વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ બંધ થયું, સૌથી વધુ વપરાશ ધરાવતી કોવિશીલ્ડનો એક પણ ડોઝ સોમવારે બચ્યો નથી
  • રસીના સ્ટોકમાં અનિયમિતતાને કારણે શહેરનાં 400માંથી 330 વેક્સિન સેન્ટર પરથી રસી અભિયાન બંધ રહેશે
  • કોરોનાની ત્રીજી લહેરથી બચવા રસી એક માત્ર વિકલ્પ છે. આવી સ્થિતિમાં સરકાર પાસે રસીનો સ્ટોક જ ઉપલબ્ધ નથી. હવે તો રસી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ બંધ થઈ ગયું છે. છેલ્લા બે દિવસથી કોવિન પોર્ટલ પર રસી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ રહ્યું નથી. સોમવારે સાંજે પાંચ કલાકે અમદાવાદમાં કોવિશીલ્ડ રસીનો એક પણ ડોઝ બચ્યો ન હતો. મંગળવારે શહેરમાં ફકત 70 રસી કેન્દ્રો ઉપર 28 હજાર લોકોને જ રસી આપી શકાશે. સોમવાર સાંજે ગાંધીનગરથી પાંચ વાગ્યે રસીનો સ્ટોક આવ્યો હતો.

    અમદાવાદમાં સોમવારે સાંજે કોવેક્સિનના 1640 ડોઝનો સ્ટોક બચ્યો હતો. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં 400 રસી કેન્દ્રો ઉપર કુલ 81 હજાર લોકોને રસી આપી હતી. સોમવાર મોડી સાંજે અમદાવાદ મ્યુનિ.ને કોવિશીલ્ડ 22 હજાર અને કોવેક્સિન 6 હજાર ડોઝ મળ્યા હતા. મ્યુનિ.ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી સેન્ટ્રલ સ્ટોર પાસે રસીનો ચાર દિવસનો એડવાન્સ સ્ટોક રહેતો હતો, પણ હવે ગાંધીનગરથી રોજેરોજનો સ્ટોક આવી રહ્યો છે. એક લાખ રસીની માગણી સામે સોમવારે ફકત 28 હજાર રસી આપી હતી. મહાઅભિયાન શરૂ થયાના ચાર દિવસમાં જ રસીનો સ્ટોક ખૂટી પડ્યો છે.

    સોમવારે ફકત 22 હજારને રસી અપાઈ
    સોમવારે અમદાવાદ શહેરના રસી કેન્દ્રો ઉપર ફકત 22,503 લોકોને રસી આપવામાં આવી હતી જેમાં 12,853 પુરૂષ અને 9,653 મહિલાઓનો સમાવેશ થયો હતો. 18થી 44 વયજૂથના 11,083 અને 45 વર્ષ ઉપરના 9,532ને રસી અપાઈ હતી. સોમવારે 923 સુપરસ્પ્રેડરને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી 11,013 સુપરસપ્રેડરને રસી અપાઈ ચૂકી છે.

    સોમવારે સાંજે રાજ્યમાં 82 હજાર રસીનો સ્ટોક બચ્યો હતો
    રાજ્યમાં ત્રણ-ત્રણ લાખ રસીનો એડવાન્સ સ્ટોક રહેતો હતો ત્યાં હવે સોમવારે ફકત 82,350 રસીનો સ્ટોક બચ્યો હતો. જેમાં કોવિશિલ્ડ 14,410 અને કોવેક્સિન 67,940નો સમાવેશ થયો હતો. સોમવારે કેન્દ્રમાંથી 2.94 લાખ રસીનો સ્ટોક આવ્યો હતો. આમ સોમવાર સાંજની સ્થિતિએ રાજ્ય પાસે કોવિશિલ્ડ 2,21,865 અને કોવેક્સિન 79,235 આમ કુલ 3,76,350 રસી સ્ટોકમાં હતી.

    મ્યુનિ. પાસે માત્ર 28 હજારનો સ્ટોક

    મ્યુનિ. કોર્પોરેશન કોવેક્સિન કોવિશીલ્ડ કુલ સ્ટોક
    અમદાવાદ 6,000 22,000 28,000
    સુરત 0 27,000 27,000
    ગાંધીનગર 0 2,500 2,500
    વડોદરા 0 6,500 6,500
    રાજકોટ 0 6,000 6,000
    ભાવનગર 0 6,000 6,000
    જામનગર 1,000 3,000 4,000
    જૂનાગઢ 1,000 1,000 2,000