બેન્કિંગ:ખાનગી બેન્કો બ્રાન્ચ વધારી રહી છે ત્યારે SBI સહિતની સરકારી બેન્કોએ ગુજરાતમાં એક વર્ષમાં 278 શાખાઓ બંધ કરી દીધી

બેન્કિંગ:ખાનગી બેન્કો બ્રાન્ચ વધારી રહી છે ત્યારે SBI સહિતની સરકારી બેન્કોએ ગુજરાતમાં એક વર્ષમાં 278 શાખાઓ બંધ કરી દીધી

  • ગુજરાતમાં પ્રાઇવેટ સેક્ટરની બેન્કોએ એક વર્ષમાં 116 નવી બ્રાંચો શરૂ કરી
  • નેશનલાઇઝ બેન્કોના મર્જર અને જોડાણ થતાં બ્રાન્ચમાં ઘટાડો થઈ રહ્યો છે
  • સરકાર બેન્કિંગને નાનામાં નાના ગામડા સુધી પહોંચાડવાની વાતો કરે છે પણ છેલ્લા એક વર્ષમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) સહિતની નેશનલાઇઝ્ડ બેન્કોએ ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં પોતાની 278 શાખાઓ બંધ કરી દીધી છે. ગુજરાતની સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)એ જાહેર કરેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2020માં નેશનલાઇઝ્ડ બેન્કોની 3992 શાખાઓ હતી જે 2021માં ઘટીને 3727 બ્રાન્ચ થઈ હતી. એટલે એક વર્ષમાં 265 બ્રાન્ચ બંધ થઈ છે. તેવી જ રીતે SBIની બ્રાન્ચની સંખ્યા છેલ્લા 1 વર્ષમાં 1265થી ઘટીને 1252 થઈ છે.

    સરકારની પોલિસીના કારણે બ્રાન્ચ ઓછી થઈ રહી છે
    મહાગુજરાત બેન્ક એમ્પ્લોયીસ એસોસિએશનના પ્રમુખ જનક રાવલે જણાવ્યું કે, જે રીતે સરકાર નાની નેશનલાઇઝ્ડ બેન્કોને મોટી બેંકમાં મર્જ કરી રહી છે તેના કારણે પાછળ અમુક વર્ષમાં ઘણી નાની બેન્કોની બ્રાન્ચ બંધ થઈ છે. અર્બન વિસ્તારની સાથે સાથે નાના શહેરો અને ગામડાઓમાં પણ બેન્કો બંધ થઈ રહી છે જેના કારણે ગ્રાહકોની મુશ્કેલી વધી છે. હાલના સંજોગોમાં આવતા દિવસોમાં વધુ શાખાઓ બંધ થવાની શક્યતા છે જેના કારણે રૂરલમાં બેન્કિંગને અસર થઈ શકે છે. બેન્ક ઓફ બરોડા અને દેના બેન્કનું મર્જર થયું ત્યારથી આ બંને બેન્કોની શાખામાં ઘટાડો થઈ રહ્યો છે.

    બેન્કો મુજબ બ્રાન્ચની વધઘટની સ્થિતિ

    બેન્ક માર્ચ 2020 માર્ચ 2021 તફાવત
    SBI 1265 1252 -13
    નેશનલાઇઝ્ડ બેન્કો 3992 3727 -265
    ખાનગી બેન્ક 2109 2225 116
    સહકારી બેન્ક 1612 1621 9
    રિજનલ રૂરલ બેન્ક 770 768 -2
    સ્મોલ ફાઇનાન્સ બેન્ક 298 366 68
    કુલ 10046 9959 -87

    સંદર્ભ: SLBC

    નજીકની કે એક વિસ્તારની બ્રાન્ચને ભેગી કરી દેવામાં આવી છે
    SLBC ગુજરાતનાં કન્વીનર અને બેન્ક ઓફ બરોડાના ઝોનલ હેડ મહેશ બંસલે જણાવ્યું કે, બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના જોડાણ બાદ નજીક હોય અથવા એક જ વિસ્તારમાં બે બેન્કોની બ્રાન્ચ હોય તેને ભેગી કરી દેવામાં આવી છે. આના કારણે BoBની બ્રાન્ચની સંખ્યામાં ઘટાડો દેખાય છે. ગુજરાતમાં ખાનગી, સહકારી અને સરકારી સહિતની બેન્કોની અમુક બ્રાન્ચ બંધ થઈ છે તો તેની સામે નવી બ્રાન્ચ પણ ખુલી છે. આ રીતે જોઈએ તો રાજ્યમાં અલગ અલગ બેન્કોની માત્ર 87 બ્રાન્ચ જ બંધ થઈ છે.

    ખાનગી બેન્કોની પ્રગતિ યથાવત
    સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના આંકડા મુજબ ખાનગી બેન્કોએ 2020-21 દરમિયાન 116 નવી બ્રાન્ચ શરૂ કરી છે. HDFC, ICICI, એક્સિસ, યસ બેન્ક, ફેડરલ સહિતની બેન્કોની 2019-20માં 2,109 બ્રાન્ચ હતી જે 2020-21માં વધીને 2,225 બ્રાન્ચ થઈ છે. આ સમયગાળા દરમિયાન સ્મોલ ફાઇનાન્સ બેન્કની 68 અને સહકારી બેન્કોની 9 બ્રાન્ચ વધી છે.

  • ( Source - Divyabhaskar )