અમેરિકામાંથી પરત જવાનો આદેશ થતાં બે લાખથી વધુ ભારતીય યુવાનોની વ્હાઈટ હાઉસમાં અપીલ

અમેરિકામાંથી પરત જવાનો આદેશ થતાં બે લાખથી વધુ ભારતીય યુવાનોની વ્હાઈટ હાઉસમાં અપીલ

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા.૨૫

અમેરિકામાં બાળપણ અને કિશોરાવસ્થા પસાર કરનારા બે લાખથી વધુ ભારતીય યુવાનોને દેશનિકાલનો આદેશ અપાયો છે. આ બધા જ યુવાનો પ્રત્યાર્પણનો સામનો કરી રહ્યા છે. પરિણામે સમગ્ર અમેરિકામાંથી આ યુવાનોના જૂથે વ્હાઈટ હાઉસ પહોંચી બાઈડેન તંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને વગદાર સાંસદોની મુલાકાત કરી હતી. યુવાનોએ તેમને અમેરિકામાં રહેવા દેવા માટે અપીલ કરી હતી. આ યુવાનો ૨૧ વર્ષની વય પસાર કરી ગયા છે અથવા પસાર કરવાના છે અને તેઓ માતા-પિતાના વિઝા પર નિર્ભર નથી.

અમેરિકામાં અત્યાર સુધી માતા-પિતાના વિઝા પર નિર્ભર બાળકો યુવાન બની ગયા છે. તેમના માતા-પિતા દાયકાઓથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ હકીકતમાં સ્થાયી નિવાસી હોવાનું પ્રમાણ છે, જે અમેરિકામાં વસાહતીઓને કાયમી રહેવા મંજૂરી આપે છે. ઈલિનોઈસમાં ક્લિનિકલ ફાર્માસિસ્ટ દીપ પટેલની આગેવાનીમાં યુવાન ભારતીયોનું એક જૂથ વ્હાઈટ હાઉસ પહોંચ્યું, જેને જોઈ સાંસદો આશ્ચર્યમાં પડી ગયા.

સેન્ટર ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી)એ સોશિયલ ડિસ્ટન્સના નિયંત્રણો હટાવી લીધા પછી ગયા સપ્તાહે અમેરિકન કોંગ્રેસમાં પહોંચનારું આ સૌપ્રથમ જૂથ હતું. સાંસદોએ તેમનું સ્વાગત કર્યું હતું. ૨૫ વર્ષીય દીપ પટેલ ઈમ્પ્રુવ ધ ડ્રીમના સ્થાપક છે. આ સંસ્થા યુવાન વયે સ્વ-પ્રત્યાર્પણનો સામનો કરનારા બાળકો માટે જાગૃતિ ફેલાવે છે. દીપ પટેલે આયોવા યુનિવર્સિટીમાં મેજરિંગ ઈન બાયોમેડિકલ એન્જિનિયરિંગ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માઈનરિંગમાં ૨૧ વર્ષિય પરીન મ્હાત્રે તથા કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ડેવિસ મેજરિંગ ઈન કમ્પ્યુટર સાયન્સના સિનિયર ૨૧ વર્ષિય નાગા રાઘવ શ્રીરામ સાથે હાથ મિલાવ્યા હતા.

સમગ્ર અમેરિકામાં પ્રત્યાર્પણના કેસનો સામનો કરનારા આ યુવાનોની એક જ અપીલ છે, કે અમને અમેરિકામાં, અમારા ઘરમાં રહેવા દો. મૂળ વતનમાં અમારું પ્રત્યાર્પણ ન કરો. કોંગ્રેસ અને સેનેટર્સના એક ડઝનથી વધુ સાંસદોને તેઓ મળ્યા હતા. તેમને સાંસદો તરફથી આશ્વાસન અપાયું છે અને ધીરજ રાખવા કહેવાયું છે. યુવાનોએ જણાવ્યું કે, વ્હાઈટ હાઉસ અને હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ સહિત બાઈડેન તંત્રમાં બધા જ અધિકારીઓએ યુવાનોને કહ્યું હતું કે વોશિંગ્ટન ડીસી ધીમેથી કામ આગળ વધશે અને કાયદાકીય ફેરફારોમાં સમય લાગશે.

દીપ પટેલે જણાવ્યું કે, ભારતમાં મારો જન્મ થયો હતો અને ૨૦૦૫માં કેનેડાથી નવ વર્ષની વયે ઈ-૨ ડીપેન્ડન્ટ વિઝા પર અમેરિકા આવ્યો હતો. હું હાલમાં ટીએન સ્ટેટસ સાથે અમેરિકામાં રહું છું. ટીએન નોન ઈમિગ્રન્ટ ક્લાસિફિકેશન મંજૂરી છે, જે ક્વૉલિફાઈડ કેનેડિયન અને મેક્સિકન નાગરિકોને પ્રોફેશનલ લેવલ પર વ્યાપારિક પ્રવૃત્તિઓ માટે અમેરિકા કામચલાઉ ધોરણે પ્રવેશવાની મંજૂરી આપે છે.

દીપ પટેલે કહ્યું કે, અમારા જેવા લોકો માતા-પિતા સાથે સરેરાશ પાંચ વર્ષની વયે અમેરિકા આવે છે અને સરેરાશ ૧૨ વર્ષ સુધી અહીં તેમનું બાળપણ અને કિશોરાવસ્થા પસાર કરે છે. અમે 'એજિંગ આઉટ' એટલે કે ૨૧ વર્ષે પ્રત્યાર્પણની સમસ્યાનો કાયમી અંત લાવવા કાયદામાં ફેરફાર કરવાની માગણી કરી છે. આ સાથે અમેરિકામાં ઉછેર થયો હોય તેવા દરેક બાળકને નાગરિકત્વ આપવાની પણ અમે માગ કરી છે. અમેરિકન વહીવટી તંત્ર ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સને ડીએસીએ (ડીફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહૂડ અરાઈવલ્સ) માટે ક્વોલિફાઈ કરવાની મંજૂરી આપે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. 

ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સ એવા બાળકો છે, જેમના માતા-પિતા અમેરિકામાં કાયદેસરના વસાહતી છે. વર્ષ ૨૦૧૨માં પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ડીએસીએ કાર્યક્રમ રજૂ કર્યો હતો, જે સગીર તરીકે અમેરિકામાં પ્રવેશ કરનારા લોકોના પ્રત્યાર્પણને અટકાવે છે. જોકે, ઓબામાના ઉત્તરાધિકારી ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યક્રમ રદ કર્યો હતો. જોકે, દીપ પટેલે કહ્યું કે, કોંગ્રેસ મહિલા ડેબોરા રોસ અમેરિકા'લ ચિલ્ડ્રન એક્ટ રજૂ કરી રહ્યા છે, જેમાં એજિંગ આઉટની સમસ્યાનો કાયમી અંત લવાશે.

( Source - Gujarat Samachar )