સુખદ તસવીર:એપ્રિલ-મેમાં બીજી લહેરમાં દર્દીઓથી ઊભરાઈ ગયેલી સિવિલ હોસ્પિટલનો કોરોના વોર્ડ ખાલીખમ, 1200 બેડમાંથી 1160 ખાલી

સુખદ તસવીર:એપ્રિલ-મેમાં બીજી લહેરમાં દર્દીઓથી ઊભરાઈ ગયેલી સિવિલ હોસ્પિટલનો કોરોના વોર્ડ ખાલીખમ, 1200 બેડમાંથી 1160 ખાલી

કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે સિવિલથી માંડી ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ ગઈ હતી. જો કે, હવે બીજી લહેરની અસરો પૂરી થવા સાથે 1200 બેડ સિવિલ હોસ્પિટલનો કોરોના વોર્ડ લગભગ ખાલી થઈ ગયો છે. છેલ્લા 15 દિવસથી કેસમાં સતત ઘટાડો થવાને કારણે 1200 બેડ સિવિલમાં હવે માંડ 40 દર્દી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ જયપ્રકાશ મોદીના જણાવ્યા અનુસાર, એપ્રિલ-મેમાં હોસ્પિટલમાં દાખલ થવા કલાકોનું વેઈટિંગ હતું અને રોજના સંખ્યાબંધ દર્દી આવતા હતા. પરંતુ આજે 1160 બેડ ખાલી છે. કેસ ઘટતાં આજકાલ માંડ એક-બે દર્દી આવતાં હોય છે.

ખાનગી હોસ્પિટલોમાં પણ 99 ટકા સુધી બેડ ખાલી થઈ ગયા છે. દરમિયાન છેલ્લા એક સપ્તાહથી સતત ઘટી રહેલા કેસ બીજી લહેરના અંત તરફ ઈશારો કરે છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 19 કેસ નોંધાયા હતા. અગાઉ 7 એપ્રિલ 2020ના રોજ 19 કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે 69 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

એક્ટિવ કેસ માત્ર 929, SVPમાં પણ માત્ર 19 દર્દી
કેસમાં સતત ઘટાડાને કારણે એક્ટિવ કેસની સંખ્યા પણ 1 હજારની નીચે આવી 929 થઈ ગઈ છે. મોટાભાગની હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ રહ્યા નથી. એસવીપીમાં માત્ર 19 દર્દી છે. જ્યારે એલજી હોસ્પિટલ તેમજ સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એકપણ દર્દી દાખલ નથી.

( Source - Divyabhaskar )