વરસાદ આદુ ખાઈને ટીમની પાછળ પડી ગયો છે, 2019 વર્લ્ડ કપમાં પણ NZ ફાવી ગયું હતું; 2 દિવસમાં નિર્ણય થયો હતો

વરસાદ આદુ ખાઈને ટીમની પાછળ પડી ગયો છે, 2019 વર્લ્ડ કપમાં પણ NZ ફાવી ગયું હતું; 2 દિવસમાં નિર્ણય થયો હતો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી WTCની ફાઇનલ મેચ યોજાવાની છે. આ મેચના પ્રથમ દિવસે વરસાદના કારણે લંચ સુધી મેચ સ્થગિત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાઉથહેમ્પટનમાં પાંચેય દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તેવામાં ફાઇનલ મેચ વરસાદથી ધોવાઇ જાય એવા એંધાણ જણાઇ રહ્યા છે. આની પહેલા પણ ICC ટૂર્નામેન્ટમાં ભારતને વરસાદનું વિઘ્ન નડ્યું છે.

આની પહેલા 2019 વનડે વર્લ્ડ કપમાં પણ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની સેમિફાનલમાં ટીમ ઈન્ડિયાને વરસાદના કારણે 18 રનથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. મેનચેસ્ટરમાં યોજાયેલી આ સેમિફાઇનલ મેચ (રિઝર્વ-ડે) 2 દિવસમાં પૂરી થઈ હતી.

જાડેજા અને ધોનીની ફિફ્ટી, તેમ છતાં ભારત હાર્યું

  • 9 જુલાઇ 2019એ રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં એણે 8 વિકેટના નુકસાન પર 239 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ આના જવાબમાં 46.1 ઓવરની અંદર 5 વિકેટના નુકસાને 211 રન બનાવી શકી હતી. આ દિવસે ન્યૂઝીલેન્ડે ભારતને 240 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 49.3 ઓવરમાં 221 રન બનાવ્યા હતા.
  • ન્યૂઝીલેન્ડના રોસ ટેલરે 74 અને કેપ્ટન કેન વિલિયમ્સને 67 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. મેચમાં ભુવનેશ્વર કુમારે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા અને યુઝવેન્દ્ર ચહલને 1-1 વિકેટ મળી હતી.
  • આના જવાબમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 77 અને મહેન્દ્રસિંહ ધોનીએ 50 રનની ઈનિંગ રમી હતી. બંને વચ્ચે 7મી વિકેટ માટે 116 રનની પાર્ટનરશિપ નોંધાઇ હતી. તેમ છતાં આ ખેલાડીઓ ટીમને જીત અપાવી શક્યા નહતા. ન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ 3 વિકેટ ઝડપી, જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને મિચેલ સેન્ટનરે 2-2 વિકેટ પોતાને નામ કરી હતી.
  • 2002 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પણ 2 વાર રમાઇ, બંને મેચ રદ
    આની પહેલા 29 સપ્ટેમ્બર 2002એ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે કોલમ્બોમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 5 વિકેટના નુકસાને 244 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 2 ઓવરમાં 14 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદને પરિણામે મેચ રદ કરવી પડી હતી.

    રિઝર્વ ડેના રોજ પણ ફાઇનલ મેચ ફરીથી યોજાઇ હતી. આ મેચમાં શ્રીલંકાએ ફરીથી ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં એણે 7 વિકેટના નુકસાન પર 222 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 8.4 ઓવરમાં 1 વિકેટના નુકસાને 38 રન નોંધાવ્યા હતા. આ મેચમાં પણ વરસાદે વિધ્ન નાંખ્યું હોવાથી તેને રદ કરવી પડી હતી. જેથી ICCના નિયમો પ્રમાણે બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરી દેવાયા હતા. આ હતી તે 1 ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ, પરંતુ આને 2 વાર રમાઈ હોવાથી ICC આને 2 મેચ તરીકે ગણે છે.

  • ભારતીય ટીમે 2 વાર વર્લ્ડ કપ જીત્યો
    ભારતીય ટીમે વનડે વર્લ્ડ કપમાં 3 વાર ફાઇનલ મેચમાં ભાગ લીધો છે. જેમાં 2 વાર 1983 અને 2011માં ચેમ્પિયન બની હતી. 2003માં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઇ હતી. ભારતીય ટીમે 2 વાર T-20 વર્લ્ડ કપની ફાઇનલ રમી, જેમાંથી એકવાર 2007માં જીત પ્રાપ્ત કરી હતી. 2014માં શ્રીલંકા વિરૂદ્ધ હારનો સામનો કર્યો હતો.

    ભારતીય ટીમે સોથી વધુ 4 વાર ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ રમી, જેમાં 2013માં ઈંગ્લેન્ડને હરાવીને ટ્રોફી પોતાને નામ કરી હતી. એક વાર 2002માં વરસાદના વિઘ્ને શ્રીલંકા અને ભારતને સંયુક્ત વિજેતા જાહેર કરી દેવાયા હતા. વર્ષ 2000માં ન્યૂઝીલેન્ડ અને 2017માં પાકિસ્તાન સામે ભારત હાર્યું હતું.