૩૭૦ દૂર કરવાનો નિર્ણય સરદાર સાહેબને સમર્પિત

૩૭૦ દૂર કરવાનો નિર્ણય સરદાર સાહેબને સમર્પિત

। વડોદરા ।

દેશના પહેલા ગૃહમંત્રી અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતી પર નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે યોજાયેલી એકતા પરેડમાં તેમણે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સરદાર સાહેબના આશીર્વાદથી આવી તાકાતોને પરાસ્ત કરવા માટે એક મોટો નિર્ણય દેશે કેટલાક સપ્તાહ પહેલાં લીધો છે. જેમાં જમ્મુ-કાશ્મીર અંગેની કલમ ૩૭૦ દૂર કરવાનો નિર્ણય હતો. ૫મી ઓગસ્ટે જે મહાન નિર્ણય લીધો હતો તે સરદાર સાહેબને સમર્પિત કરું છું.આપણા સૌનું સૌભાગ્ય છે કે, સરદાર પટેલનું સ્વપ્ન પૂર્ણ કરવાનો અવસર મળ્યો છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે, હું આજે રાષ્ટ્રીય દિવસ પર, પ્રત્યેક દેશવાસી સમક્ષ ઊભા થયેલા આ પડકારની યાદ અપાવું છું કે, જે આપણી સાથે યુદ્ધમાં જીતી શકતા નથી, તે આપણી આ એકતાને પડકારે છે. પરંતુ એ ભૂલી જાય છે કે, સદીઓથી આવા પ્રયત્નો છતાં, આપણને કોઈ મિટાવી શક્યું નથી. આપણી એકતાને પરાસ્ત કરી શક્યું નથી. આપણી વિવિધતામાં એકતા આપણી ઓળખ-તાકાતનો પ્રભાવ છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે, એકતાનો આ માર્ગ છે જેની ઉપર ચાલીને, એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ પૂરો થશે, નવા ભારતનું નિર્માણ થશે. આજે આ પ્રતિમા માત્ર ભારતવાસીઓને જ નહીં પણ, સમગ્ર વિશ્વને આર્કિષત કરે છે, પ્રેરિત કરે છે, આજે આ સ્થળ પ્રેરણાના સ્થળેથી સરદાર પટેલને શ્રદ્ધા સુમન અર્પિત કરીને સમગ્રદેશ ગૌરવ અનુભવે છે.

દેશના અલગ અલગ ખૂણામાંથી કિસાનોના લોખંડ અને માટીથી નિર્માણ પામેલી આ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રતિમા બની છે, તે પ્રતિમા વિવિધતામાં એકતાનું જીવંત પ્રતીક છે. જીવતો જાગતો સંદેશ છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં અલગ અલગ દેશ, અલગ – અલગ પંથો, અલગ – અલગ વિચારધારાઓ, ભાષાઓ, રંગ રૂપના આધારે બન્યા છે. એકરૂપતા આ દેશોની વિશેષતા રહી છે, જ્યારે ભારતની વિશેષતા વિવિધતામાં એકતા છે. વિવિધતામાં એકતા જ ગૌરવ, ગરિમા અને ઓળખ છે, ભારતમાં તો ડાયવર્સિટીને સેલિબ્રેટ કરાય છે. સદીઓથી વિવિધતામાં વિરોધાભાસ જોવા મળતો નથી. વિવિધતામાં એકતાનું સામર્થ્ય નજરે પડે છે. વિવિધતામાં છુપાયેલી એકતાનો સ્પર્શ કરાવે છે. જીવનની પ્રેરણા, જોડાવવાનો જુસ્સો આપે છે.

રાષ્ટ્રિય એકતાના શપથ…

હું, સત્ય નિષ્ઠાથી પ્રતિજ્ઞા લઉં છું કે, રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને કાયમ રાખવા સ્વયંને સમર્પિત કરીશ અને દરેક દેશવાસીઓ સુધી આ સંદેશ લઇ જવા પ્રયત્ન કરીશ. હું આ પ્રતિજ્ઞા દેશની એકતાની ભાવનાથી પ્રેરાઇને લઉં છું. જે સરદાર વલ્લભભાઇ પટેલની દુરંદેશિતા અને કાર્યો દ્વારા શક્ય બન્યું છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારુ યોગદાન આપવાનો સત્ય નિષ્ઠાથી સંકલ્પ કરું છું.

(વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રિય એકતા દિવસ નિમિત્તેરાષ્ટ્રિય એકતાના શપથ લેવડાવ્યા હતા)

સરદાર સાહેબનો આત્મા  આજે શાંતિ અનુભવશે : મોદી

એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ પૂરો થશે : મોદી

વડા પ્રધાને જણાવ્યું હતું કે, એક ભારત – શ્રેષ્ઠ ભારત માટે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યાં છે. સરકાર સતત કોશિશ કરીને આધારને હવે વન નેશન વન આઇન્ડેન્ડિટી બનાવ્યું, જીએસટીને વન નેશન વન ટેક્સ, ઇ-નામ એટલે વન નેશન વન એગ્રીમાર્કેટ, વન નેશન વન ઓપ્ટિકલ ફાઇબર , વન નેશન વન રેશન કાર્ડ સહિતની બાબતોનો ઉલ્લેખ કરાયો હતો.

ઉદ્દેશ, લક્ષ અને પ્રયાસોમાં સમાનતા હોવી જોઈએ

ભારતમાં સ્થાયિત્વ માટે યુનિટી ઓફ પરપઝ, યુનિટી ઓફ એઇમ્સ અને યુનિટી ઓફ એન્ડેવર. એટલે કે, આપણા ઉદ્દેશો, લક્ષ્યો અને પ્રયાસોમાં સમાનતા હોવી જોઈએ.

વિવિધતામાં એકતાની તાકાત બીજા કોઈ દેશમાં નથી

વડા પ્રધાને જણાવ્યું હતું કે, આ એ તાકાત છે,જે પૂરી દુનિયામાં બીજા કોઈ દેશમાં મળતી નથી.અહીં દક્ષિણમાંથી નિકળેલા આદિ શંકરાચાર્ય, ઉત્તરમાં મઠોની સ્થાપના કરે છે, અહીં બંગાળના સ્વામી વિવેકાનંદને દેશના દક્ષિણ છેડે કન્યાકુમારીમાં નવું જ્ઞાન મળે છે. પટનાનાં ગુરુગોવિંદસિંહ પંજાબમાં જઈને દેશની રક્ષા માટે ખાલસા પંથની સ્થાપના કરે છે. રામેશ્વરમાં જન્મેલા એપીજે અબ્દુલ કલામ દિલ્હીમાં દેશમાં સર્વોચ્ચ પદ મેળવે છે. પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી બિહારના ચંપારણમાં જઈને આઝાદીની ચળવળ ચલાવી શકે છે, એકતાની આ તો તાકાત છે તેમ તેમણે જણાવ્યું હતું.

કલમ ૩૭૦ અસ્થાયી દીવાલરૂપ હતી

વડા પ્રધાને જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અંગેની કલમ ૩૭૦ એ દાયકાઓ સુધી ભારતીઓમાં એક અસ્થાયી દીવાલ બનાવી હતી. એટલું જ નહિ અલગાવવાદ અને આતંકવાદને પ્રેરિત કરતી હતી. આ કલમથી જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદ, આતંકવાદ સિવાય કાંઈ મળ્યું ન હતું. આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સમક્ષ હું ઊભો છું, ત્યારે માથું નમાવીને સરદાર સાહેબને હિસાબ આપું છું કે, સરદાર સાહેબ તમારું સ્વપ્ન અધરું હતું તે પરું કરવા અસ્થાયી દીવાલ દૂર કરી દીધી છે. સરદાર સાહેબનો આત્મા આજે જ્યાં હશે ત્યાં શાંતિ અનુભવશે.

આતંકવાદી હુમલા સામેનું દિલધડક ઓપરેશન

એકતા પરેડમાં દેશની એનએસજી, સીઆઇએસએફ, બીએસએફ, સીઆરપીએફ, એનડીઆરએફ, ગુજરાત, જમ્મુ -કાશ્મીર પોલીસ, આસામ, ઓરિસ્સા,કર્ણાટક પોલીસ સહિતની ૪૮ સુરક્ષા એજન્સીઓના જવાનોએ ભાગ લીધો હતો.

સીઆઇએસએફના જવાનોએ ઇન્ટરનેશનલ એરપોર્ટ બિલ્ડિંગમાં ત્રાસવાદીઓ ઘૂસી જાય છે તેવો સંદેશો મળતાં જ દિલધડક ઓપરેશન કેવી રીતે કરવામાં આવે છે તેનું નિદર્શન રજૂ કર્યું હતું. પ્રેક્ષકો પણ રોમાંચિત થઈ ગયા હતા. એનએસજી કમાન્ડોએ ત્રાસવાદી ઘટના વખતે કેવી રીતે ઓપરેશન થાય છે તે રજૂ કર્યું હતું. ભૂતકાળમાં અક્ષરધામ, મુંબઇ સહિતના સ્થળોએ એનએસજી કમાન્ડોની ભૂમિકા મહત્ત્વની રહી હતી. હવે એનએસજી કમાન્ડો કે જેની ગણના વિશ્વમાં પણ થાય છે. બ્લેક કેટ કમાન્ડો તરીકે ઓળખાતા આ કમાન્ડોએ કેવી રીતે ત્રાસવાદી હુમલાનું ઓપરેશન થાય છે તેનું દૃશ્ય રજૂ કર્યું હતું. આઇઇડી ધરાવતી શંકાસ્પદ બેગને કેનાઇન વિઝનથી કેવી રીતે નિષ્ક્રિય બનાવાઈ તે પણ દર્શાવ્યું હતું. ઓપરેશન સકસેસફુલ થયા બાદ તેની માહિતી પણ સેટલાઇટ દ્વારા જ નવી દિલ્હીના કંટ્રોલરૂમને આપવામાં આવી હતી.

એનડીઆરએફની ટીમે કેમિકલ ઔદ્યોગિક દુર્ઘટના વખતે કેવી કામગીરી થાય છે તે દર્શાવી હતી. ભૂકંપ વખતે પણ મદદ, પૂર વખતે પણ બચાવ કામગીરી કેવી રીતે થાય છે તેનું નિદર્શન કરાયું હતું. એનડીઆરએફ દ્વારા કેમિકલ યુનિટમાં ક્લોરીન ગેસ લીકેજની ઘટનામાં બચાવ કામગીરી કરાઇ હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા કેમિકલ અને બાયોકેમિકલને ડિકન્ટિમિનેશન કરવામાં આવ્યું હતું. ભૂકંપ વખતે ફસાયેલી વ્યક્તિઓને પણ બચાવવાની કામગીરી રજૂ કરાઈ હતી.

ગુજરાત અને સીઆરપીએફની મહિલા મોટરબાઇકર્સના હેરતઅંગેજ સ્ટંટ

ગુજરાત પોલીસ અને સીઆરપીએફની મહિલા મોટરબાઇકર્સે અદ્ભુત નિયંત્રણશક્તિનું પ્રદર્શન રજૂ કર્યું હતું. ચાલુ મોટરસાઇકલ ઉપર હાથ પકડયા વિના જ કેવી રીતે સંતુલન સાધીને બાઇક પર યોગ કરવો, તલવારબાજી કરવી, એકે. ૪૭ દ્વારા રાઇફલ પોઝિશનિંગ કેવી રીતે કરવું તેના સાહસભર્યા કરતબો રજૂ થયાં હતાં. ૨૬ મહિલા બાઇકર્સે ફ્લેગમાર્ચ રજૂ કરીને એક ભારત – શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપ્યો હતો.

વડા પ્રધાનને રાષ્ટ્રિય પોલીસ સ્મારક સ્મૃતિચિહ્ન અર્પણ કર્યુ

વડા પ્રધાનને પુલવામામાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા ૫૪ બટાલિયનના શહીદ નાસિર અહેમદ નામના જવાનના પત્ની શ્રીમતી સાઝિયાના હસ્તે રાષ્ટ્રિય પોલીસ સ્મારક સ્મૃતિ ચ્હિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. શ્રીમતી સાઝિયાને પ્રોટોકોલ મુજબ મંચ પર દોરી જવામાં આવ્યાં હતાં અને તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રિય પોલીસ સ્મારક સ્મૃતિ ચિહન અર્પણ કર્યુ હતું. ૨૦૦થી વધુ બાળકોએ ગણવેશધારી જવાનોનો સાથ મિલાવી કલાત્મક કવાયત દ્વારા બાળ પેઢીના જુસ્સાને પ્રગટ કર્યો હતો અને સરદારને ભાવાંજલિ આપી હતી. પ્રારંભે સીઆરપીએફની મહિલા જવાનોએ પરેડ રજૂ કરી હતી. ત્યાર બાદ સીઆઇએસએફના બેન્ડ, આસામ પોલીસ, બીએસએફ બેન્ડ અને જમ્મુ-કાશ્મીર પોલીસ બેન્ડ, કર્ણાટક પોલીસની ટુકડી, આઇટીબીપી બેન્ડ, ઓડિશા પોલીસ, ગુજરાત પોલીસ અને બેન્ડે ભાગ લીધો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસ અને આઇટીબીપી દળના બેન્ડે પાઇપર ધૂન રજૂ કરી હતી.