૨૨મી નવેમ્બરે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ રમાશે

૨૨મી નવેમ્બરે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ રમાશે

। કોલકાતા ।

ભારત પ્રવાસી બાંગ્લાદેશ સામે કોલકાતા ટેસ્ટ દ્વારા પોતાની ડે-નાઇટ ટેસ્ટનો પ્રારંભ કરશે. બીસીસીઆઇના નવનિયુક્ત પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ બાબતને સમર્થન આપ્યું છે. ભારત અને બાંગ્લાદેશની ટીમો ૨૨મીથી ૨૬મી નવેમ્બર સુધી પિંક બોલ (ગુલાબી બોલ) ટેસ્ટ મેચ રમશે. બંને ટીમો ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત પિંક બોલ દ્વારા ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે. ગાંગુલીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સામે પિંક બોલ ટેસ્ટ મેચનો પ્રસ્તાવ મૂક્યો હતો જેનો બીસીબીએ સ્વીકાર કર્યો હતો. ગાંગુલી પ્રમુખ બન્યો તે પહેલાં ભારતીય ટીમ સતત પિંક બોલ ટેસ્ટથી બચતી રહેતી હતી પરંતુ ગાંગુલીના પ્રમુખ બનવાની સાથે ભારતીય સુકાની વિરાટ કોહલી બંને વચ્ચેની પ્રથમ મિટિંગમાં જ સહમત થઇ ગયો હતો. આ પહેલાં ૨૦૧૮-૧૯માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયન બોર્ડે પિંક બોલ ટેસ્ટ રમવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેનો ભારતે ઇનકાર કર્યો હતો.

બીસીસીઆઇના પ્રમુખ ગાંગુલીની ઇડન ગાર્ડન્સ ખાતે ર્વાિષક ડે-નાઇટ ટેસ્ટનું આયોજન થાય તેવી યોજના છે. બાંગ્લાદેશ બોર્ડને પ્રસ્તાવ મૂકવાની સાથે જ બીસીબીએ પોતાના સિનિયર ખેલાડીઓ સાથે આ બાબતની વાટાઘાટ કરીને બીસીસીઆઇના પ્રસ્તાવ માની લીધો હતો. ગાંગુલીએ પણ બીસીબીના પ્રમુખ નજમુલ હસન સાથે આ બાબતે ચર્ચા કરી હતી.

બીસીસીઆઇના પ્રમુખની સેલ્ફી વાઇરલ થઈ 

બીસીસીઆઇનો નવો પ્રમુખ સૌરવ ગાંગુલી બુધવારે કર્ણાટકની રાજધાની બેંગ્લુરૂનો મહેમાન બન્યો હતો. ગાંગુલી જ્યારે એરપોર્ટ ઉપર હતો ત્યારે તેના સમર્થકોએ તેને ઘેરી લીધો હતો. ગાંગુલીએ તેમને નિરાશ પણ કર્યા નહોતા અને તેમની સાથે સેલ્ફી લીધી હતી. ગાંગુલીએ એરપોર્ટ ચેક-ઇન કાઉન્ટર ખાતે આ સેલ્ફી લીધી હતી અને તે ટ્વિટર ઉપર વાઇરલ પણ થઇ હતી. આ તસવીરને ૮૦ હજાર લોકોએ લાઇક કરી છે. ૪.૭ હજાર વખત રિટ્વિટ થઇ છે. સમર્થકોએ પણ ગાંગુલીની ભરપૂર પ્રશંસા કરી હતી.

ડે-નાઇટ ટેસ્ટ માટે ૭૨ પિંક બોલ મગાવ્યા 

બીસીસીઆઇએ એસજી કંપની પાસે આગામી સપ્તાહે ૭૨ પિંક બોલ મગાવ્યા છે જે ૨૨મી નવેમ્બરથી રમાનારી ડે-નાઇટ ટેસ્ટ દરમિયાન ઉપયોગમાં લેવાશે. એસજીના પિંક બોલ હજુ સુધી સ્પર્ધાત્મક મેચમાં વાપરવામાં આવ્યા નથી. દુલીપ ટ્રોફી કૂકાબૂરા પિંક બોલ દ્વારા છેલ્લી ત્રણ સિઝનથી રમાડવામાં આવે છે. ત્યારબાદ બોર્ડે ગયા વર્ષે ફરીથી રેડ બોલમાં રમાડી હતી. કંપનીના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં અમારા રેડ બોલમાં ઘણો સુધારો આવ્યો છે અને તેવી જ રીતે અમે પિંક બોલ ઉપર પણ રિસર્ચ કર્યું છે. સુકાની કોહલીએ પણ સ્વીકાર કર્યો હતો કે બોલમાં ઘણો સુધારો થયો છે પરંતુ બોલ ઓછામાં ઓછી ૬૦ ઓવર સુધી યોગ્ય કન્ડિશનમાં રહેવો જરૂરી છે. રેડ બોલની તુલનામાં પિંક બોલ જલદીથી વધારે રંગ ગુમાવી દે છે જેના કારણે ફ્લડ લાઇટમાં તેને પારખવામાં મુશ્કેલી પડે છે.