CAA / CM રૂપાણીએ કહ્યુ- હિન્દુઓ માટે વિશ્વમાં ભારત એક જ દેશ, મુસ્લિમો માટે 150

CAA / CM રૂપાણીએ કહ્યુ- હિન્દુઓ માટે વિશ્વમાં ભારત એક જ દેશ, મુસ્લિમો માટે 150

  • CAAના સમર્થનમાં ગાંધી આશ્રમ પાસે વિશાળ રેલી 
  • દેશમાં અશાંતિ ફેલાવવાનું કોંગ્રેસનું ષડયંત્ર : મુખ્યમંત્રી

ગાંધીનગર: સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એકટ (સીએએ)ના સમર્થનમાં અમદાવાદમાં ગાંધી આશ્રમ પાસે યોજાયેલી એક વિશાળ રેલીને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે ભારતને આઝાદી મળી તે વખતે ભારતમાં મુસ્લિમોની વસ્તી કુલ જનસંખ્યાના માત્ર 9 ટકા હતી જે 70 વર્ષમાં વધીને 14 ટકા થઇ છે. ભારતના મુસ્લિમો અહીં બિનસાંપ્રદાયિકતા હોવાથી આનંદથી રહે છે. સીએએના કાયદાના કારણે ભારતના કોઇ મુસ્લિમની નાગરિકતા છીનવાશે નહીં પરંતુ કોંગ્રેસ ષડયંત્ર કરી દેશમાં અશાંતિ ફેલાવે છે. રૂપાણીએ કહ્યું કે મુસ્લિમોને રહેવા માટે વિશ્વમાં 150 દેશો છે પણ હિન્દુઓ માટે તો એક જ દેશ ભારત. તેઓને અન્ય દેશમાં લઘુમતી તરીકે તકલીફ હોય તો ભારતમાં જ આવીને વસવાટ કરશે.
કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે કારણ કે તેમની વોટબેંક નબળી પડવાનો તેમને ડર છે-રૂપાણી
રૂપાણીએ તેમ પણ કહ્યું કે જ્યારે સમગ્ર દેશ પીડિત હિંદુ શરણાર્થીઓને રાખવાના કાયદાને આવકારી રહ્યો છે ત્યારે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે કારણ કે તેમની વોટબેંક નબળી પડવાનો તેમને ડર છે. પાકિસ્તાન સહિત અન્ય દેશોના હિન્દુ શરણાર્થીઓમાં મોટાભાગના અનુસૂચિત જાતિના છે અને તેમનો જ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. એનઆરસી દેશમાંથી ઘૂસણખોર અને આતંકી તત્ત્વોને ખદેડી દેવાનો કાયદો છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. કોંગ્રેસ આ કિસ્સામાં ભારતમાં વસતી અલગ અલગ કોમ વચ્ચે વૈમન્સ્ય ફેલાવીને કોમવાદી ઝેર પ્રસારવવાનું કામ કરી રહી છે તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ પ્રદર્શન રેલી દરમિયાન ભાજપના શીર્ષસ્થ નેતાઓ તથા નિવૃત્ત ન્યાયમૂર્તિ સોની પણ હાજર રહ્યા હતા અને તેમણે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એકટનું સમર્થન કર્યું હતું.