ગુજરાત / 75 ટકા સભ્ય રાજી હશે તો જ સોસાયટી રિડેવલપમેન્ટમાં જશે

ગુજરાત / 75 ટકા સભ્ય રાજી હશે તો જ સોસાયટી રિડેવલપમેન્ટમાં જશે

સરકારે રિ-ડેવલોપમેન્ટ માટેના નિયમો બહાર પાડ્યાં

ગાંધીનગર: ગુજરાત સરકારે ઓનરશીપ ફ્લેટ એક્ટમાં કરેલાં સુધારા બાદ બહાર પાડેલાં નિયમોની જોગવાઇઓ જાહેર કરી છે. નિયમમાં રિડેવલપમેન્ટ માટે જનારી સોસાયટીના સભ્યોએ ડેવલપરને તમામ સત્તાઓ સોંપી નવા બનનારાં ફ્લેટમાંથી બાકીના એકમોના વેચાણ અને હક્કની તબદીલીના પાવર્સ આપવાના રહેશે. આ મુજબનો ઍગ્રીમેન્ટ પણ સોસાયટી અને ડેવલપર વચ્ચે કરાશે.
રીડેવલપમેન્ટ માટે એજન્સી નક્કી કર્યાં બાદ તેની સાથે તમામ શરતો સાથેનો ઍગ્રીમેન્ટ કરવાનો રહેશે
શહેરી વિકાસ વિભાગે બહાર પાડેલા નિયમો અનુસાર સોસાયટીનું સંચાલક મંડળ અથવા એસોસિએશન સુઓ-મોટુ કે કુલ સભ્યોના ચોથા ભાગના સભ્યોની અરજી કર્યેથી રીડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા એક માસની અંદર ખાસ સાધારણ સભા બોલાવીને નક્કી કરી શકે છે. આ માટેનો એજન્ડા નક્કી કરી દરેક સભ્યને જાણ થાય તેમ કરવાનું રહેશે. આ ઉપરાંત સંચાલક મંડળને પંચોતેર ટકા સભ્યોની મંજૂરી મળ્યે રીડેવલપમેન્ટ માટે આર્કિટેક્ટ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની પસંદગી કરશે.
આ પ્રક્રિયાના બે માસમાં કન્સલ્ટન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને ડેવલપર્સને ફ્લેટના રીડેવલપમેન્ટ માટે આમંત્રિત કરશે. ડેવલપર્સ પાસેથી મળેલી ઓફરને ધ્યાનમાં લઇ સંચાલક મંડળ ડેવલપરની પસંદગી કરશે અને તેની સાથે રીડેવલપમેન્ટ માટેના કરાર કરશે.
આ કરારમાં પ્રોજેક્ટ પૂર્ણ કરી આપવાનો સમય, સભાસદોને મળવાપાત્ર મકાનનો કાર્પેટ એરિયા, બેંક ગેરંટી, સભાસદોને વૈકલ્પિક આવાસ અને તેનું ભાડું, નવી સોસાયટીનું રજિસ્ટ્રેશન, સોસાયટીમાં નવા સભ્યોનો ઉમેરો અને બાકીના મકાનોના વેચાણ અથવા હક્કોની તબદીલી અને નવા ફ્લેટની ચાલું અને નવા સભાસદોને ફાળવણી, કરારભંગના કિસ્સાની શરતો અને દંડ તથા સભાસદોને મળવાપાત્ર સુવિધાઓ જેવી બાબતો આવરી લેવાની રહેશે. આ ઉપરાંત એકવાર સંચાલક મંડળ પાસેથી મંજૂર કરાયેલાં પ્લાનમાં ડેવલપર કોઇ ફેરફાર કરી શકશે નહીં.
જર્જરિત થયેલી ઈમારતોને પણ રિ-ડેવલપ કરાશે
સ્થાનિક સત્તાતંત્રએ જે ઈમારતોને જર્જરિત, વસવાટ કરવા માટે જોખમી અથવા આસપાસના રહેવાસીઓ માટે નુકસાનકારક ઠેરવી હોય તેવી તમામ ઈમારતો આ કાયદા હેઠળ રિ-ડેવલપમેન્ટ માટે જઈ શકશે. જોકે જે સભ્યોને રિ ડેવલપમેન્ટ મંજૂર ન હોય તેમને કેવી રીતે સમજાવવા કે હટાવવા તે અંગે આ નિયમોમાં કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.