પાટીદાર સમાજ મહેનતુ તેમજ શૂન્યમાંથી સર્જન કરનારો : CM

પાટીદાર સમાજ મહેનતુ તેમજ શૂન્યમાંથી સર્જન કરનારો : CM

। અમદાવાદ ।

પાટીદારો એક બને નેક બને, સમરસતા વધે તે હેતુથી અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે રવિવારે પાટીદાર પરિવાર ટ્રસ્ટ (ગુજરાત પ્રદેશ) લવ-કુશ પાટીદાર ભાવાત્મક મહાસંમલન યોજાયું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, સમાજની એકતા માટે નરહરિભાઈ અમીને બન્ને સમાજ કડવા અને લેઉવા પાટીદાર સમાજને સાથે રાખીને માનવતાને જોડવાનું કામ કર્યું છે. પાટીદાર સમાજ મહેનતુ સમાજ છે. શૂન્યમાંથી સર્જન કરનાર સમાજ છે અને પ્રામાણિકતાથી દરેક ક્ષેત્રમાં કામ કરી લક્ષ્ય પ્રાપ્ત કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ પાટીદાર પુત્ર હોવાનંુ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ સંમેલનમાં સમગ્ર ગુજરાતના પાટીદાર અગ્રણીઓ, નેતાઓ ઉપસ્થિત રહ્યા હોવાનું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીને જણાવ્યું હતું.

કડવા પટેલ હોવાનો ફાયદો : નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કડવા પટેલ હોવાનો ફાયદો એ છે કે, હું કંઈક બોલું એટલે વિજયભાઈ રૂપાણી સાહેબ, મોદી સાહેબ કે અમિતભાઈ કે અમારા જીતુભાઈ વાળી લે, કે નીતિનભાઈ બોલે છે કડક પણ હૃદયના કોમળ છે અને કડવા પટેલ છે એટલે માફ કરી દે છે. સત્ય એ હંમેશા કડવું હોય છે, કોઇની ખુશામત કરીએ તો થોડા સમય સારું લાગે પણ વ્યક્તિ ખોટો પડતો હોય છે.