વર્ષ 2080 સુધી બદલાતી રહેશે મકરસંક્રાંતિની તારીખ, કારણ તમે જાણતા જ નહીં હો

વર્ષ 2080 સુધી બદલાતી રહેશે મકરસંક્રાંતિની તારીખ, કારણ તમે જાણતા જ નહીં હો

ગુજરાતીઓના માનીતા પર્વ મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ આવતી કાલે છે. મકરસંક્રાંતિનું ધાર્મિક દ્રષ્ટિએ પણ ભારે મહાત્મ્ય છે. મકરસંક્રાંતિની 14 જાન્યુઆરી અને મંગળવારે ઉત્સાહ, ઉમંગ સાથે ઉજવણી થશે. પરંતુ આ વર્ષની સંક્રાંતિની રસપ્રદ બાબત એ છે કે, પૃથ્વી, સૂર્ય અને મકર રાશિની સ્થિતિને કારણે હવે વર્ષ 2080 સુધી મકરસંક્રાંતિની તારીખો બદલાતી રહેશે. એટલે કે 2017, 2018, 2019માં 14 જાન્યુઆરી મકરસંક્રાતિ હતી, જ્યારે 2020, 2021માં 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિની ઉજવણી થશે.

ઉલ્લેખનીય છે કે, સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી જોડાયેલી છે, પરંતુ પૃથ્વીની સ્થિતિને કારણે દર 72થી 90 વર્ષે સૂર્ય મકર રાશિમાં એક દિવસ મોડો પ્રવેશ કરે છે, ત્યારપછીના 53 વર્ષ પર્વની તારીખ બદલાતી રહે છે. જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંત અનુસાર બે વર્ષ 15મીએ મકરસંક્રાંતિ ઉજવાશે. 2030ની સાલ સુધી આ જ પ્રકારે ક્રમશઃ ત્રણ વર્ષ 14મીએ અને બે વર્ષ 15મીએ સંક્રાંતિ ઉજવાશે.

2030 પછી દર ત્રણ વર્ષ 15મીએ અને 1 વર્ષ 14મીએ મકરસંક્રાંતિ પર્વ ઉજવાશે. 2080 સુધી આ જ સિલસિલો જોવા મળશે. જ્યારે 2080 પછી દર વર્ષે 15 જાન્યુઆરીએ જ સંક્રાંતિ આવશે. કારણ એ છે કે, દર વર્ષે પૃથ્વી 55 વીકલા પાછળ રહી જાય છે, એટલે કે 72થી 90 વર્ષમાં એક અંશ પાછળ રહી જાય છે. તેથી સૂર્ય મકર રાશિમાં એક દિવસ મોડો પ્રવેશ કરે છે. 1700ની સાલ પહેલા મકર સંક્રાતિ 22 ડિસેમ્બરે મનાવાતી હતી. આટલા વર્ષોમાં પૃથ્વીની ગતિને લીધે મકરસંક્રાંતિ ડિસેમ્બરથી જાન્યુઆરીમાં આવી છે.