મધરાતથી ઈયુથી અલગ થયું બ્રિટન : ત્રણ વર્ષથી ચાલતા સૌથી મોટા વિવાદનો અંત

મધરાતથી ઈયુથી અલગ થયું બ્રિટન : ત્રણ વર્ષથી ચાલતા સૌથી મોટા વિવાદનો અંત

યુરોપિયન સંઘ (ઇયુ) માંથી બ્રિટનની વિદાયને યુરોપિયન સાંસદોએ મંજૂરી આપી દીધી છે. એ બાદ ૩૧મી જાન્યુઆરીએ બ્રિટન પચારિક રીતે યુરોપિયન યુનિયનથી અલગ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ત્રણ વર્ષથી ચાલતા અને ત્રણ વડા પ્રધાન બદલાયા બાદ વિશ્વના સૌથી મોટા વિવાદનો અંત આવ્યો છે. ડેવિડ કેમરુન અને થેરેસા મે જેવા દિગ્ગજ નેતાઓએ પીએમ પદ ગુમાવવું પડયું હતું. બીજી તરફ બ્રેક્ઝિટની તરફેણ કરનારા બોરિસ જ્હોન્શન એક વખત પીએમપદ ગુમાવીને ફરીથી સત્તારૂઢ થયા હતા. ત્યારબાદ બ્રેક્ઝિટનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. ભાવુક સ્થિતિમાં થયેલા મતદાનમાં યુરોપિયન સંઘ સાથે જોડાયેલા કેટલાક સાંસદોની આંખ ભીની થઇ ગઇ હતી. મતદાન બાદ ચેમ્બરમાં સ્કોટલેન્ડનું પારંપારિક ગીત વગાડવામાં આવ્યું હતું, એ બાદ બ્રિટનના ૭૩ ઇયુ સાંસદોએ ફેરવેર પાર્ટીમાં ભાગ લીધો હતો. મતદાનમાં બ્રેક્ઝિટની તરફેણમાં ૬૨૧ અને તેની વિરુદ્ધમાં ૪૯ સાંસદોએ મત આપ્યા હતા. આ મતદાનમાં ૧૩ સાંસદોએ ભાગ લીધો ન હતો. પચારિક વિદાય બાદ ટ્રાંઝિશન સમયમર્યાદા તરીકે શરૂ થશે છેલ્લી પ્રક્રિયા. હવે બ્રિટન અને યુરોપિયન સંઘમાં નવા સંબંધના પરિપ્રેક્ષ્યમાં વ્યાપાર અને સુરક્ષા અંગે સમજૂતી થશે. બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સને હવે પોતાના જૂના ૨૭ સાથીઓની સાથે મહત્ત્વાકાંક્ષી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર કરાર કરવાનો પ્રયાસ કરવો પડશે.

આ અંત નહીં પણ શરૂઆત છે : જ્હોન્સન

બોરિસ જ્હોન્સને જણાવ્યું કે, આ ડિલ અને બ્રેક્ઝિટ કોઈ અંત નથી. તેના દ્વારા એક નવા યુગની શરૂઆત થઈ છે, તેમણે દેશજોગ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, બ્રિટન એક નવા યુગ તરફ આગળ વધી ગયું છે. નવા જોડાણો કરવાના છે અને દેશના પાછળ રહી ગયેલા વિસ્તારોના વિકાસનો સમય શરૂ થયો છે. આ નિર્ણય માત્ર ઈયુથી છૂટા પડીને આગવી ઓળખ ઊભી કરવાનો છે. જે પરિવર્તન આપણે ઈચ્છીએ છીએ તે લાવવાની તક આપણી સામે આવી છે. આગામી સમયમાં તમે દેશના કયા વિસ્તારમાં રહો છો તેના આધારે તમારો અને તમારા પરિવારનો ભાવી વિકાસ નક્કી થશે.

બ્રેક્ઝિટ શું છે ?

૨૮ દેશોના સભ્યપદવાળા યુરોપિયન સંઘથી બ્રિટન અલગ થઇ જવાને બ્રેક્ઝિટ કહે છે. તેને દુનિયામાં બ્રેક્ઝિટનું નામ અપાયું છે. જે બ્રિટન અને એક્ઝિટ એમ બે શબ્દોને ભેળવીને બન્યો છે. બ્રેક્ઝિટ અંગે બ્રિટનમાં પહેલો જનમત ૨૩ જૂન ૨૦૧૬ના દિવસે લેવાયો હતો, જેમાં મોટાભાગના લોકોએ સંઘથી અલગ થવાની તરફેણમાં મતદાન કર્યું હતું.

ભારતનો બ્રિટન સાથે વધશે વ્યાપાર

ભારતના વિકાસ માટે યુરોપ અને બ્રિટન બંને જ મહત્ત્વના છે કેમકે બ્રિટન અને યુરોપીય સંઘના બીજા દેશો સાથેની નિકાસથી ભારતને ઘણું વિદેશી હૂંડિયામણ મળે છે. નિશ્ચિત રૂપે બંને અલગ થાય તેની ભારત ઉપર સીધી અસર પડશે. બ્રિટનની સાથે મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) થવાથી દેશનો વ્યાપાર વધશે કેમકે બ્રિટન પાસેથી પોર્ટુગલ તથા ગ્રીસ ચીજો ખરીદે છે. જો કે યુરોપની સાથે એફટીએ નહીં થઇ શકે, જ્યારે બ્રિટનની સાથે તેની સંભાવના છે, તેથી બંને અલગ થાય તેમાં ભારતને લાભ પણ થશે. બેન્ક ઓફ અમેરિકાના અહેવાલ મુજબ ભારત રોકાણની સાથે ટેકનિકલ, સાઇબર સુરક્ષા, સંરક્ષણ અને ફાઇનાન્સમાં મોટું ભાગીદાર બની શકે છે.   ભારતના આઇટી  સેક્ટરની ૧૬-૧૮ ટકા કમાણી બ્રિટન થકી જ થાય છે.

ડોલરની માગ વધશે, ચીજવસ્તુઓના ભાવ વધી શકે !

બ્રિટનના આ નિર્ણયની અસર ફક્ત બ્રિટન પર જ નહીં ભારત સહિત દુનિયાના બાકી દેશો પર પણ પડશે. જો બ્રિટન યુરોપિયન સંઘથી અલગ થઇ જાય છે, તો પાઉન્ડનો ભાવ ઘટશે, જેથી ડોલરની માગ વધશે, તેથી પેટ્રોલ-ડીઝલ અને  અન્ય ચીજોની કિંમત વધી જશે.

બ્રિટનવાસીઓએ યુરોપમાં ફરવા વિઝા લેવા પડશે

એ ઉપરાંત એક બીજી અસર પડશે લોકોના પ્રવાસ પર. યુરોપિયન સંઘમાં સામેલ દેશના નાગરિક કોઇ પણ વિઝા વિના યુરોપના કોઇ પણ દેશમાં હરીફરી શકે છે. પરંતુ બ્રિટન અલગ થઇ જતાં બ્રિટનના લોકોએ યુરોપના કોઇ દેશમાં પ્રવાસ કરવા માટે વિઝા લેવા પડશે. તેની સીધી અસર બ્રિટનની અર્થવ્યવસ્થા પર પડશે. બ્રિટનની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન ભોગવવું પડી શકે છે.

બ્રિટનને ૬૭ અબજ યુરોનું નુકસાન

તાજેતરમાં એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે બ્રેક્ઝિટને કારણે બ્રિટનના કારણે બ્રિટનને ર્વાિષક ૬૭ અબજ યુરોનું નુકસાન થશે, તેનાથી ઊલટું અમેરિકા જેવા દેશોને તેનો ફાયદો થશે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે સમજૂતી વિના યુરોપિયન સંઘમાંથી બહાર થવાને કારણે બ્રિટનમાં ચીજો અને સેવાઓ પર ટેક્સ લાગશે, જે આ સમયે એકલ બજાર વ્યવસ્થા થવાને કારણે નહીં લાગતો હતો, જેથી હવે ચીજ અને સર્વિસ મોંઘી થશે અને લોકોનો ખર્ચ પણ વધશે, જ્યારે આવકમાં ઘટાડો થવાનું અનુમાન છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે તેનાથી બ્રિટનના લોકોની આવક લગભગ ૬૭ અબજ યુરોનું નુકસાન થશે.