નિર્ભયા કેસ / દોષિતોને આજે નહિ અપાય ફાંસી, આગામી આદેશ સુધી સ્ટે; સુપ્રીમ કોર્ટે પવનની સગીરનો દાવો કરતી અરજી ફગાવી

નિર્ભયા કેસ / દોષિતોને આજે નહિ અપાય ફાંસી, આગામી આદેશ સુધી સ્ટે; સુપ્રીમ કોર્ટે પવનની સગીરનો દાવો કરતી અરજી ફગાવી

  • પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોની ફાંસી ટાળી
  • સુપ્રીમ કોર્ટે ગુરુવારે દોષી અક્ષયની ક્યુરેટિવ પિટીશન ફગાવી, તેની પાસે દયાની અરજીનો વિકલ્પ
  • દોષી પવન પાસે ક્યુરેટિવ પિટીશન અને દયા અરજીનો વિકલ્પ, વિનયે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી છે
  • દોષી મુકેશ પાસે ફાંસીથી બચવાના દરેક વિકલ્પ ખતમ

નવી દિલ્હી: નિર્ભયાના ચારેય ગુનેગારોની ફાંસી બીજી વાર ટળી ગઈ. પટિયાલા હાઉસ કોર્ટે શુક્રવારે આદેશમાં 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે નક્કી કરાયેલી ફાંસી પર સ્ટે આપી દીધો. એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ ત્રણ ગુનેગાર- પવન, વિનય અને અક્ષય વતી વકીલ એ.પી.સિંહની અપીલ પર કહ્યું કે આગામી આદેશ સુધી ગુનેગારોની ફાંસી પર સ્ટે રહેશે. ત્રણેય ગુનેગારોએ પોતાની અરજીમાં કહ્યું હતું કે વિનયની દયાઅરજી રાષ્ટ્રપતિ સમક્ષ લંબિત છે. એવામાં તેમની ફાંસી રોકવામાં આવે.
અગાઉ 22 જાન્યુઆરીએ ફાંસી આપવાની તારીખ પણ ટળી ગઇ

ગુનેગાર પવન ગુપ્તા, વિનયકુમાર શર્મા, અક્ષયકુમાર અને મુકેશકુમાર સિંહની ફાંસી બીજીવાર ટળી હતી. અગાઉ 22 જાન્યુઆરીએ ફાંસી આપવાની તારીખ પણ ટળી ગઇ હતી. જ્યારે ફાંસી ટળી જતાં નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે ગુનેગારો કોર્ટની પ્રક્રિયાની આડમાં ફાંસીની સજાથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. હું તેમને ફાંસીના માંચડે જોવા સુધી પોતાની લડત જારી રાખીશ.
કોર્ટે પવનની રિવ્યૂ પિટિશન ફગાવી
સુપ્રીમકોર્ટના જસ્ટિસ આર.ભાનુમતિ, અશોક ભૂષણ અને એ.એસ.બોપન્નાની બેન્ચે ગુનેગાર પવનની એ રિવ્યૂ પિટિશન નકારી કાઢી જેમાં તેણે ગુનાના સમયે સગીર હોવાનો દાવો કરતી અરજી ફગાવાયાને પડકારી હતી. 20 જાન્યુઆરીએ સુપ્રીમકોર્ટે સગીર બતાવતી પવનની અરજી ફગાવી દીધી હતી.
જલ્લાદ પવને ડમીને ફાંસી આપી
નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવા માટે એક દિવસ પહેલાં જ જલ્લાદ પવને શુક્રવારે તિહાર જેલમાં ડમી ફાંસી આપી. આ કામ સરળતાથી પૂરું કરાયું. તિહાર મેનેજમેન્ટે કહ્યું કે જલ્લાદ પવન ગુરુવારે તિહાર જેલના અધિકારીઓ સમક્ષ હાજર થયો હતો.
નિર્ભયાની માતા- સિસ્ટમે વારંવાર દોષિતો સામે ઝુકાવ્યા, આગ લગાવી દો આવા નિયમોના પુસ્તકોને
7 વર્ષ અગાઉ મારી દીકરી સાથે અપરાધ થયો અને સરકાર મને વારંવાર અપરાધીઓ સામે ઝુકાવી રહી છે. હું સરકારને, કોર્ટને, ન્યાય વ્યવસ્થાને એટલું જ કહેવા માગું છું કે આજે આ કાયદા વ્યવસ્થાની ખામીના કારણે એક ગુનેગારનો વકીલ મને ચેલેન્જ કરી ગયો કે ક્યારેય ફાંસી નહીં થાય. ગુનેગારો ઇચ્છતા હતા તે થઇ ગયું. ફાંસી ટળી ગઇ. હું લડીશ. મને કાયદા પર ભરોસો તો છે પણ જે કંઇ થઇ રહ્યું છે તેનાથી ગુનેગારોનો જુસ્સો વધશે. જો આવું જ થવાનું હોય તો કાયદા-નિયમોના પુસ્તકોને આગ ચાંપી દેવી જોઇએ.’ – આશાદેવી

કોર્ટ દોષિતો માટે નવો ડેથ વોરન્ટ જાહેર કરી શકે છે

આજે ચારેય દોષિતોમાં સામેલ અક્ષય ઠાકુર અને વિનય શર્માની અરજી પર દિલ્હીમાં પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ગુરુવારે બંને દોષિતોના વકીલ એપી સિંહે કોર્ટને 1 ફેબ્રુઆરીએ ફાંસી પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી હતી. વકીલે અરજીમાં કોર્ટને જણાવ્યું છે કે, હજી તેમની પાસે દયાની અરજી લઈને અન્ય કાયદાકીય વિકલ્પ છે. આ સંજોગોમાં ડેથ વોરન્ટ પ્રમાણે 1 ફેબ્રુઆરીએ ફાંસીની સજા ન આપી શકાય. આ મામલે કોર્ટે તિહાર જેલ પ્રશાસન પાસે રિપોર્ટ માંગ્યો છે. શક્ય છે કે, આજે કોર્ટ દોષિતો માટે નવો ડેથ વોરન્ટ જાહેર કરી શકે છે.

નિર્ભયા કેસમાં દોષિતોને કાલે સવારે ફાંસી થશે કે નહીં તે વિશે કોર્ટમાં દલીલો થઈ

  • દોષી પવનની અરજી પર સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું કે, વિનયે દયા અરજી કરી છે. તેથી તે અરજીનો ઉકેલ ન આવે ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ. પરંતુ બાકીના 3ને 1 ફેબ્રુઆરીએ ફાંસી લગાવવાથી કોઈ નિયમનું ઉલ્લંઘન નહીં થાય. આ વિષે દોષીતના વકીલ એપી સિંહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં તેમણે પવન ગુપ્તાના સગીરની પુન:વિચારણાં અરજી દાખલ કરી છે. હજી તે વિશે સુનાવણી બાકી છે.

અલગ-અલગ ફાંસી ન આપી શકાય

  • આજે સુનાવણી દરમિયાન વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે, આ કેસમાં દોષિતોને અલગ અલગ ફાંસી ન આપી શકાય. નિયમ પ્રમાણે જ્યાં સુધી દરેક દોષિતોની બધી અરજીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી એક જ કેસના દોષિતોને અલગ અલગ ફાંસી આપી શકાય નહીં.
  • વકીલ વૃંદા ગ્રોવરે 1981ના એક કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં 3 લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી. તેમાં 2 દોષિતોની દયાઅરજી રાષ્ટ્રપતિ પાસે હતી અને તેમને રાષ્ટ્રપતિએ માફ કરી દીધા હતા. પરંતુ એક દોષીએ રાષ્ટ્રપતિને દયાની અરજી નહતી કરી અને તેને ફાંસી આપવામાં આવી હતી. આમ, એખ જ કેસમાં એકને જ ફાંસી થઈ હતી. ત્યારપછી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, એક જ કેસમાં દરેક દોષિતોને એક સાથે જ ફાંસી આપવામાં આવશે.

નિર્ભયાના વકીલે પૂછ્યા સવાલ

  • આ વિશે નિર્ભયાના પરિવારના વકીલ સીમાએ કહ્યું કે, વૃંદા ગ્રોવર આ કેસમાં મુકેશ તરફથી હાજર થયા છે કે પછી એમિક્સ ક્યુરી તરીકે. જો તેઓ મુકેશ તરફથી હાજર થયા હોય તો તેમને સાંભળવા જ ન જોઈએ, કારણકે મુકેશની દરેક અરજી ફગાવી દેવામાં આવી છે અને એમિક્સ તરીકે હાજર થયા હોય તો તેઓ ફાંસીનો વિરોધ કેવી રીતે કરી શકે, કારણકે એમિક્સનું કામ તો કોર્ટને આસિસ્ટ કરવાનું હોય છે.
  • નિર્ભયાના વકીલે કહ્યું કે, દરેક દોષિતોએ આ કેસને લાંબો ખેંચવાનો સતત પ્રયત્ન કર્યો છે અને હજી પણ તેઓ એ જ કરી રહ્યા છે. જ્યાં સુધી પટિયાલા હાઉસ કોર્ટે આ કેસમાં ડેથ વોરન્ટ જાહેર કર્યો ત્યાં સુધી આ દોષિતોએ કોઈ અરજી દાખલ કરી નહતી.

તિહાર જેલ પાસે માંગ્યો રિપોર્ટ

  • ફાંસીની સજા મેળવેલા દોષી વિનયે બુધવારે આ દયા અરજી દાખલ કરી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન તિહાર જેલ તરફથી કહેવામાં આવ્યું છે કે, વિનયે દયા અરજી કરી છે અને તે રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે.
  • આ પહેલાં નિર્ભયાના ચારેય આરોપીઓને ફાંસી આપવા માટે પટિયાલા હાઉસ કોર્ટે બે વાર ડેથ વોરન્ટ જાહેર કરી ચૂકી છે. પહેલાં ડેથ વોરન્ટ વખતે પણ આરોપીઓની અમુક અરજીઓનો ઉકેલ આવ્યો ન હોવાથી કોર્ટે તે વોરન્ટ સ્થગિત કરવો પડ્યો હતો અને નવો ડેથ વોરન્ટ 1 ફેબ્રુઆરી માટે જાહેર કરવામાં આવ્યો છે. વિનયે આ અરજી બીજી વારના ડેથ વોરન્ટ પર સ્ટે લાવવા માટે કરી છે.

3 ક્યુરેટિવ પિટીશન નકારાઈ

  • બીજી બાજુ ગઈ કાલે ગુરુવારે નિર્ભયા રેપ અને મર્ડર કેસમાં સામેલ દોષી અક્ષયની ક્યુરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પાંચ જજની બેન્ચ દ્વારા અક્ષયની ક્યુરેટિવ પિટીશન ફગાવી દેવામાં આવી હતી.
  • વિનય અને મુકેશની ક્યુરેટિવ પિટીશન પહેલાં જ સુપ્રીમ કોર્ટ ફગાવી ચૂકી છે. અક્ષય ત્રીજો દોષી હતો જેણે આ વિકલ્પનો ઉપયોગ કરવા માટે અરજી કરી હતી. પરંતુ ગુરુવારે અક્ષયની અરજી પણ ફગાવી દેવામાં આવી છે. હવે માત્ર એક દોષી પવન પાસે જ ક્યુરેટિવ પિટીશનનો વિકલ્પ બાકી છે.

કોઈ એકની અરજી પેન્ડિંગ હશે ત્યાં સુધી ફાંસી પર કાયદાકીય પ્રતિબંધ
જે દોષિતો પાસે કાયદાકીય વિકલ્પ છે તેઓ તિહાર જેલ દ્વારા આપવામાં આવેલા નોટિસ પીરિયડ દરમિયાન તેનો ઉપયોગ કરી શકે છે. દિલ્હી પ્રિઝન મેન્યુઅલ પ્રમાણે, કોઈ કેસમાં એક કરતાં વધારે દોષિતોને ફાંસી આપવાની હોય તેમાં કોઈ એકની અરજી પણ પેન્ડિંગ હોય ત્યાં સુધી અન્ય દોષિતોને પણ ફાંસી આપી શકાય નહીં તેવી જોગવાઈ કરવામાં આવી છે. નિર્ભયા કેસ પણ એવો જ છે જેમાં ચાર દોષિતોને ફાંસી આપવાની છે અને હજી આરોપીઓ પાસે કાયદાકીય વિકલ્પો બાકી છે. આ સંજોગોમાં 1 ફેબ્રુઆરીએ ફાંસી ટળે તેવી શક્યતા છે.