નમસ્તે ટ્રમ્પ / રોડ-શોમાં હવે દોઢ લાખ લોકો ભેગા કરાશે, મ્યુનિ. દરેકને ટોપી પહેરાવશે, સ્ટેડિયમમાં બેસવા જિલ્લા મુજબ કલર કોડ

નમસ્તે ટ્રમ્પ / રોડ-શોમાં હવે દોઢ લાખ લોકો ભેગા કરાશે, મ્યુનિ. દરેકને ટોપી પહેરાવશે, સ્ટેડિયમમાં બેસવા જિલ્લા મુજબ કલર કોડ

  • 60 કાઉન્ટર ઊભાં કરાશે, રોડ-શોમાં આવનારને મ્યુનિ. જમવાનું આપશે
  • ટ્રમ્પને ઢોકળાં-ખમણ કે અન્ય કોઈ પણ ગુજરાતી વાનગી નહીં પીરસાય

અમદાવાદ: એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ગાંધી આશ્રમથી પરત ઈન્દિરા બ્રિજ સુધી ટ્રમ્પનો રોડ-શો યોજાશે. પોતાનું અભિવાદન કરવા 70 લાખ લોકો આવવાના હોવાની જાહેરાત ટ્રમ્પે કરી હોવાના કારણે રોડ-શોમાં વધુમાં વધુ લોકો આવે તે માટે મ્યુનિ.એ એડીચોટીનું જોર લગાવી દીધું છે. પહેલાં મેયરે રોડ-શોમાં 50 હજાર લોકો જોડાશે તેવું કહ્યું હતું. આ પછી મ્યુનિ. કમિશનરે 1 લાખ લોકો જોડાવાનો દાવો કર્યો હતો. હવે બુધવારે આ સંખ્યા વધીને દોઢ લાખ સુધી પહોંચી છે અને આટલી જંગી મેદની લાવવા શહેરની તમામ જીઆઈડીસી, ઔદ્યોગિક અકેમો, બિલ્ડરો, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાનો, શૈક્ષણિક સંસ્થાઓને ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે. આ તમામ પાસેથી શોમાં આવનારાની નામ, નંબર સાથેની યાદી મંગાવાઈ છે.

સ્ટેડિયમમાં બેસવા માટે જિલ્લા મુજબ કલર કોડ

સ્ટેડિયમમાં બેસવા માટે જિલ્લા મુજબ કલર કોડ નક્કી કરાયો છે. અમદાવાદ જિલ્લાના લોકો માટે ગુલાબી, ગાંધીનગરના લોકો માટે લાલ, ખેડા-આણંદ માટે આછો જાંબલી, સાબરકાંઠા અને મહેસાણા માટે વાદળી, વડોદરા માટે આછો લીલો, જ્યારે સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી જિલ્લાના લોકો માટે ઘેરો વાદળી રંગ નક્કી કરવામાં આવ્યો છે.
દરેકને સવારે 10 વાગ્યા પહેલાં જે-તે સ્થળ પર લાવી દેવામાં આવશે

બીજી તરફ ટ્રમ્પ અને મોદીનું ફ્લેગ દ્વારા સ્વાગત કરવા મ્યુનિ. દ્વારા અમેરિકાનો ફ્લેગ અને ભારતને ફ્લેગ પણ રોડ-શોમાં આવનારાને અપાશે. આ ઉપરાંત તેમને અલાયદી ટોપી પણ વિનામૂલ્યે આપશે. રોડ-શોમાં આવનારા દરેકને સવારે 10 વાગ્યા પહેલાં જે-તે સ્થળ પર લાવી દેવામાં આવશે અને બપોરે 2 વાગ્યા સુધી ઊભા રખાશે. જેને પગલે મ્યુનિ.એ હવે તમામ માટે જમવાની વ્યવસ્થાનું પણ આયોજન કર્યું છે અને જુદા-જુદા 60 સ્થળોએ જમવાના કાઉન્ટરો ઊભા કરાશે. ટ્રમ્પને પણ ખમણ-ઢોકળા જેવી કોઈપણ ગુજરાતી વાનગી પીરસાશે નહીં તેમ અધિકારી સૂત્રોનું કહેવું છે.
પાણીના 15 હજાર જગ
મોટેરા સ્ટેડિયમ ખાતે બુધવારે મ્યુનિ. કમિશનરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં સોલિડ વેસ્ટ, ફાયર, હેલ્થ વિભાગના અધિકારીઓએ કરેલી તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી. પહેલાં સ્ટેડિયમ ખાતે 10 હજાર જગ મૂકવાનું આયોજન હતું. પરંતુ બુધવારે કમિશનરને તેમાં વધારો કરી વધુ 5 હજાર જગ લાવવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત સ્ટેડિયમમાં આવનારાને છાશ પણ આપવામાં આવશે. જેનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યારે સેનિટેશન માટે વધુ મોબાઈલ ટોઈલેટ મૂકવા માટે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.