‘અમારી સોસાયટીમાં વિદેશથી પડોશી આવ્યા છે’, આખો દિવસ AMCમાં ફોન રણક્યા, હાલત કફોડી

‘અમારી સોસાયટીમાં વિદેશથી પડોશી આવ્યા છે’, આખો દિવસ AMCમાં ફોન રણક્યા, હાલત કફોડી

AMC દ્વારા કોરોનાના શંકાસ્પદ દર્દી કે પછી શંકાસ્પદ દર્દીના સંપર્કમાં આવેલા ક્વોરોન્ટાઇન વ્યક્તિઓ અંગે સાચી માહિતી કે પ્રચાર-પ્રસાર ન કરતાં નાગરિકોમાં ભય ફેલાઇ રહ્યો છે. ગુરુવારની રાતથી સોશિયલ મીડિયામાં અમદાવાદ શહેરમાં એક વ્યક્તિને કોરોના પોઝીટીવના મેસેજ ફરતાં થયા હતા પણ મ્યુનિ.એ ચોખવટ કરવાની તસ્દી લીધી ન હતી પણ આ મેસેજ વાઇરલ થતાની સાથે નાગરિકોમાં ભયનો માહોલ પેદા થયો હતો સાથે શહેરની કેટલીય સોસાયટીઓમાં એક અઠવાડિયા કે બે અઠવાડિયા પહેલાં વિદેશથી આવેલા નાગરિકો અંગે ભયનો માહોલ ફેલાયો હતો જેથી મ્યુનિ.ની હેલ્પ લાઇન, સરકારની હેલ્પ લાઇન કે પછી પોલીસ હેલ્પલાઇન ઉપર ‘અમારી સોસાયટીમાંથી વિદેશથી આવ્યા છે પડોશી ?, અમારી સોસાયટીના ફ્લેટમાં કેનેડાથી આવેલા વ્યક્તિ ત્રણ દિવસથી ઘરમાં પુરાઇ રહ્યાં છે ? આ પ્રકારના મેસેજનો મારો થયો હતો. શહેરમાં હોમ ક્વોરોન્ટાઇન દર્દીઓ અંગે માહિતીના અભાવે નાગરિકોમાં ભય ફેલાઇ રહ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.

શહેરના નવરંગપુરાની એક સોસાયટીના એક ફ્લેટમાં ચાર સભ્યો તાજેતરમાં જ કેનેડાથી પરત ફર્યા હતા. આ કેનેડાથી પરત ફરેલા નાગરિકો પોતાના ઘરમાં હોમ ક્વોરોન્ટાઇન થયા છે પણ આ અંગે આજે દિવસભર મ્યુનિ.ની હેલ્પ લાઇનથી માંડીને અધિકારીઓ સુધી રજુઆતો થઇ હતી કે, આ વ્યક્તિો કેનેડાથી આવ્યા છે તેઓને હોસ્પિટલમાં લઇ જવામાં આવે. બીજી તરફ મ્યુનિ.ના અધિકારીઓએ સોસાયટીના સભ્યોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સોસાયટીના સભ્યોએ કેનેડાથી આવેલા નાગરિકો જે ફ્લેટમાં રહેતા હતા તે બ્લોકની લિફ્ટ બંધ કરી દીધી હતી. આ પ્રકારે સોશિયલ મીડિયા ઉપર પણ મેસેજ ફરી રહ્યાં હતા જેમાં ઘાટલોડિયાની એક સોસાયટીમાં એક બહેન કેનેડાથી આવ્યા છે તેવો મેસેજ ફરતો થયો હતો. ગોતા ક્રોસ રોડ ઉપર એક સોસાયટીમાં એક ભાઇ બેલ્જિયમથી આવ્યા હોવાનો મેસેજ ફરતો થયો હતો. આ પ્રકારે મેસેજ વાઇરલ થઇ રહ્યાં હતા. જોકે, મ્યુનિ.એ હોમ ક્વોરોન્ટાઇન વ્યક્તિઓ અંગે અફવા ફેલાવતાં તત્ત્વો સામે પણ પગલાં લેવાની તજવીજ હાથ ધરી હોવાનું કહેવાઇ રહ્યું છે.

અમદાવાદ જિલ્લામાં સભા- સરઘસ બંધી

કોરોના વાઇરસનો રોગચાળો વકરી રહ્યો હોવાની પરિસ્થતિને ધ્યાનમાં લેતાં અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર ગ્રામ્ય જિલ્લામાં જાહેર સ્થળે સક્ષમ અધિકારીની મંજૂરી વિના સભા- સરઘસ, સંમેલન, મેળાવડા, લોક મેળા યોજવા પર મનાઈ ફરમાવી છે. મોટી સંખ્યમાં લોકોની અવરજવર હોય તેવા મોલ, મલ્ટીપ્લેક્સ, નાટયગૃહો, પાનના ગલ્લા, હોટલો, જિમ, શિક્ષણ સંસ્થાઓ કતલખાના બંધ રાખવા આદેશ આપ્યો છે.