કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય છે, ઘરમાં જ રહો

કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય છે, ઘરમાં જ રહો

સ્નેપ શોટ

કોરોના વાઇરસે દેશમાં ગભરાટ ફેલાવી દીધો છે. અત્યાર સુધી દુનિયાનાં જુદા જુદા દેશોના આંકડા જોઇને આપણે આશ્વાસન લેતા હતાં કે હજુ આપણા દેશમાં કોરોના વાઇરસ વધારે પ્રમાણમાં ફેલાયો નથી. જો કે ગઇકાલે વડાપ્રધાનના સંબોધન દ્વારા દેશવાસીઓને આ વાઇરસ દેશમાં હજુ વધારે ફેલાઇ શકે છે અને સૌએ કાળજી લેવી પડશે તે વાતની જાણકારી આપી હતી. રવિવારના જનતા કરફ્યૂ માટે દેશ તૈયાર થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર જનતા કરફ્યૂ માટેનું કેમ્પેઇન જોરશોરથી ચાલી રહ્યું છે.

દુનિયામાં ૨૦મી માર્ચે કોરોના વાઇરસના પોઝિટિવ કેસો ૨,૪૪,૬૮૩ નોંધાઇ ચૂક્યા છે અને મોતનો આંકડો દુનિયામાં ૧૦,૪૦૫ વ્યકિતઓ સુધી પહોંચી ગયો છે. ભારતની વાત કરીએ તો ભારતમાં કોરોનાના ૨૨૩ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. શુક્રવારે એક જ દિવસમાં ૫૪ નવા કેસો નોંધાતા તંત્ર ચોકી ઊઠયુ છે. અત્યાર સુધી ૫ વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. ગુજરાતમાં કોરોનાના ૭ પોઝિટિવ કેસ છેલ્લાં ૨ દિવસમાં નોંધાયાં છે.

દુનિયાના આંકડા સામે અત્યારે ભારતનાં અને ગુજરાતનાં આંકડા આપણને સારી સ્થિતિનો અહેસાસ કરાવે છે. પરંતુ પરિસ્થિતિ સબ સલામતની નથી તેનું કારણ એ છે કે દુનિયામાં જે રીતે કોરોના વાઇરસ ફેલાયો છે એ ઝડપે જો ભારતમાં ફેલાય તો કલ્પના બહારનું નુકસાન આપણાં દેશને થઇ શકે છે. દુનિયામાં મોતના આંકડા જોઇએ તો ૨૨ જાન્યુઆરીએ  મોતનો આંકડો ૧૭ વ્યક્તિનો હતો. એક મહિના પછી ૨૦ ફેબ્રુઆરીએ દુનિયામાં મોતનો આંકડો ૨,૨૪૭ વ્યક્તિ સુધી પહોંચી ગયો અને ત્યારબાદ એક મહિના બાદ એટલે આજે ૨૦ માર્ચે દુનિયામાં મોતનો આંકડો ૧૦,૪૦૫ વ્યક્તિનો છે. માત્ર બે મહિનામાં  દુનિયાની હાલત શું થઇ ગઇ તેનો ચિતાર આ આંકડા આપે છે.

ભારતમાં અત્યારે કોરોના વાઇરસની શરૂઆત છે. મેડિકલ ટર્મ્સમાં કહીએ તો ભારત અત્યારે સ્ટેજ-૨ પર છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ સ્ટેજ-૨નો અર્થ છે કે અત્યારે કોરોના વાઇરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું. કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો અર્થ એ છે કે લોકોનાં સમૂહમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાય. અત્યારે દેશમાં ૨૦૦ જેટલાં પોઝિટિવ કેસ છે અને પાંચ વ્યક્તિઓનાં મોત થયાં છે ત્યારે દેશનાં આરોગ્ય તંત્રનો પ્રયાસ એ જ છે કે દેશમાં કોરોના વાઇરસ સ્ટેજ-૩ પર ના પહોંચે.

ICMRનાં ચીફ ડાયરેક્ટર બલરામ ભાર્ગવનું કહેવું છે કે, દેશમાં કોરોના વાઇરસ સ્ટેજ-૩ પર ના પહોંચે તે એના પર નિર્ભર રહેતું હોય છે કે દેશ કેટલી જલદી પોતાની ઇન્ટરનેશનલ બોર્ડરો બંધ કરે છે. દેશમાં ૨૦મી માર્ચથી તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ કરાઇ છે. પરંતુ આ તાકીદનું પગલું છે કે મોડું લેવાયેલું પગલું છે તે આવનારો સમય બતાવશે.

સ્ટેજ-૧ : કોરોના વાઇરસમાં સ્ટેજ-૧ એ હોય છે કે, જેમાં વિદેશથી વાઇરસનો ચેપ લઇને લોકો આવે છે એટલે જે લોકોએ વિદેશની યાત્રા કરી હોય તેમને જ આ ચેપ લાગે છે.

સ્ટેજ-૨ : આ સ્ટેજમાં વિદેશથી આવેલ વ્યક્તિ સ્થાનિક લોકોનાં સંપર્કમાં આવીને ચેપ ફેલાવે છે તે સ્થિતિ છે. ઉ.દા. તરીકે વિદેશથી આવેલ વ્યક્તિ જ્યારે પોતાના સગા સંબંધીઓને મળે છે જેના કારણે એ લોકોમાં પણ ચેપ લાગે છે. આ સ્થિતિમાં કોરોના વાઇરસનો ફેલાવો ખૂબ ઓછાં વ્યક્તિમાં થાય છે અને વાઇરસ ક્યાંથી ફેલાયો તે સોર્સની જાણ તંત્રને થઇ શકે છે અને અસરગ્રસ્ત લોકોને સારવાર આપી શકાય છે.

સ્ટેજ – ૩ : આ તબક્કામાં કોરોના વાઇરસ કોમ્યુનિટી ટ્રાન્સમિશનમાં પહોંચી જાય છે અને જેના કારણે તેનો બહુ મોટા પ્રમાણમાં ફેલાવો થાય છે. આ સ્ટેજમાં બીમારી ચેપગ્રસ્ત લોકોમાંથી બીજા લોકોમાં ફેલાવા માંડે છે અને આ એક બહુ જ ખતરનાક પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. આ સ્ટેજમાં ચેપગ્રસ્ત લોકોને એ ખબર નથી પડતી કે તેમને કોના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. અત્યારે યુરોપના કેટલાક દેશોમાં સ્ટેજ-૩ની પરિસ્થિતિ છે.

સ્ટેજ-૪ : આ સૌથી ભયાનક સ્ટેજ છે. જેમાં બીમારી એપિડેમિક બની જાય છે અને કોઇને ખબર નથી પડતી કે હવે આ બીમારી ફેલાતી ક્યારે અટકશે. સ્ટેજ-૪માં સેંકડો લોકોના મૃત્યુ નીપજતાં હોય છે. ચીન, ઇટલી, ઇરાન જેવા દેશો અત્યારે સ્ટેજ-૪માં છે.

કોરોના વાઇરસમાં ભારત અત્યારે સ્ટેજ-૨ પર છે અને કોઇ કહી શકે તેમ નથી કે ભારતમાં સ્ટેજ-૩ આવી શકશે કે નહીં. તેનું કારણ એ છે કે ઇન્ટરનેશનલ બોર્ડર સીલ કરવામાં ભારતે ઘણું મોડું કર્યું છે. ચીન અને યુરોપનાં દેશોમાં જ્યારે કોરોના વાઇરસ એપિડેમિક બની ફાટી નીકળ્યો ત્યારે ભારતે તાકિદે ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ કરવાની જરૂર હતી અને દેશમાં આવનાર વિદેશી પ્રવાસીઓ અને સ્વદેશી પ્રવાસીઓને ૧૪ દિવસ ક્વોરન્ટાઇનમાં રાખવાની જરૂર હતી. પરંતુ આમ થયું નથી. હજુ ૨૦ માર્ચ એટલે કે આજે જ આપણે તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ કરી છે. જાન્યુઆરીથી ચીનમાં કોરોના વાઇરસનો પ્રકોપ શરૂ થયો. ફેબ્રુઆરીમાં અમેરિકા અને યુરોપના દેશોમાં આ વાઇરસ ફેલાયો ત્યારે હવે ઠેઠ ૨૦ માર્ચે આપણે દેશને દુનિયાથી અલગ કર્યો છે. આ બે મહિના દરમિયાન દેશમાં વિદેશી પ્રવાસીઓ આવતાં રહ્યાં. દેશનાં લોકો પણ વિદેશમાં જઇને પાછાં પરત ફર્યા છે. આમાંથી કેટલા લોકો કોરોના અસરગ્રસ્ત છે તેના આંકડા આપણા આરોગ્યતંત્ર પાસે નથી. અત્યાર સુધી એરપોર્ટ પર માત્ર થર્મલ સ્ક્રીનિંગ કરાતું હતું અને તેમાં જે પ્રવાસીઓને ટેમ્પરેચર ના હોય તે લોકોને દેશમાં હરવા ફરવાની છૂટ અપાતી હતી. પરંતુ જાણકારોનું કહેવું છે કે કોરોનાગ્રસ્ત વ્યક્તિઓનાં ૫૦ ટકા કિસ્સામાં શરૂઆતમાં ટેમ્પરેચર વધતું નથી. આ સંજોગોમાં દેશમાં કેટલા અસરગ્રસ્ત લોકો આવી ગયાં છે તેનો કોઇ અતોપતો આપણી પાસે નથી.

છેલ્લાં ત્રણ દિવસમાં દેશમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધવા માડી છે. છેલ્લાં ત્રણ દિવસમાં મૃત્યુનો આંક પણ ૨ થી ૫નો થયો છે. જો કે હજુ કોઇપણ જગ્યાએથી કોમ્યુનિટી ટ્રાન્સમિશનનાં કિસ્સાઓ બહાર આવ્યાં નથી એ આપણાં માટે સુખદ સમાચાર છે.

કોમ્યુનિટી ટ્રાન્સમિશન અટકાવવા માટે લોકોથી દૂર રહેવું એજ એક શ્રેષ્ઠ ઉપાય છે અને એટલે જ શક્ય હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવું એજ કોરોનાથી બચવાનો અત્યારે તો એકમાત્ર ઉપાય છે.