અમેરિકા – ઇટાલીમાં હાહાકાર, બ્રિટિશ પીએમ પણ કોરોના પોઝિટિવ

અમેરિકા – ઇટાલીમાં હાહાકાર, બ્રિટિશ પીએમ પણ કોરોના પોઝિટિવ

। વોશિગ્ટન ।

કોરોનાનો કેર દિવસેને દિવસે વધતો જાય છે. આખા વિશ્વમાં ૧૯૮ દેશનાં ૨૬,૪૪૭ લોકો તેનાં ખપ્પરમાં હોમાયા છે. ૫,૭૭, ૫૪૭ લોકોને તેનું સંક્રમણયું  છે જ્યારે ૧,૨૮. ૭૦૬ લોકો સાજા થયા છે.  બ્રિટનનાં વડાપ્રધાન બોરિસ જોનસનને કોરોના પોઝિટિવ જણાતા ખળભળાટ મચી ગયો છે. અગાઉ બ્રિટનનાં પ્રિન્સ ચાર્લ્સને કોરોના પોઝિટિવ આવ્યો હતો. બંને આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. પીએમ મોદીએ જોનસનને હિંમત આપી છે અને તેમનાં તબિયતનાં ખબર અંતર પુછીને કહ્યું કે આપ તો યોધ્ધા છો. કોરોનાને હરાવીને જ રહેશો. મોદીએ તેમને જલદી સાજા થાય તેવી શુભકામના વ્યક્ત કરી છે. G -૨૦ દેશોએ કોરોના સામે લડવા ૫ ટ્રિલિયન ડોલરનાં ફંડની રચના કરી છે.

અમેરિકાના કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. શુક્રવાર સાંજ સુધીમાં ૯૪,૪૨૫ કેસ પ્રકાશમાં આવ્યા છે અને ૧,૪૨૯ લોકોનાં મોત થયા છે. ચીનમાં ૮૧,૩૪૦ કેસ નોંધાયા છે અને ૩,૨૯૨નાં મોત થયા છે. ઇટાલીમાં ૮૬,૪૯૮ લોકો સંક્રમિત છે અને ૯,૧૩૪નાં મોત થયા છે. ન્યૂ યોર્ક કોરોનાનું એપીસેન્ટર બની ગયું છે. અહીં ૩૮૭ લોકોનાં મોત થયા છે. ૪૦,૦૦૦થી વધુને ચેપ લાગ્યો છે. આખા અમેરિકામાં ગુરુવારે જ ૧૫૦નાં મોત થયા છે અને ૧૫,૦૦૦ નવા કેસ બહાર આવ્યા છે. કોરોનાનો ચેપ જે રીતે લોકોને લાગી રહ્યો છે તે જોતા જુલાઈ સુધીમાં ૮૦,૦૦૦થી વધુનાં મોત થઈ શકે છે તેમ ઈન્સ્ટિટયૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવોલ્યુશનને જણાવ્યું છે. નિષ્ણાતોનાં મતે એપ્રિલમાં આ મહામારી માઝા મૂકે તો દરરોજ ૨,૩૦૦થી વધુનાં મોત થઈ શકે છે. યુએસમાં ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સી સૌથી વધુ પ્રભાવિત છે. ૫૦માંથી ૨૧ રાજ્યોમાં કોરોના કેર વર્તાવી રહ્યો છે. અમેરિકાની વસ્તી ૩૩ કરોડ છે જેમાં ૫.૫૨ લાખનાં ટેસ્ટ કરાયા છે. અમેરિકાનાં જહાજ થિયોડોર રૂઝવેલ્ટ પર ૨૫ સૈનિકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. આથી જહાજમાં રહેલા તમામ ૫,૦૦૦ સૈનિકોનો ટેસ્ટ કરાયો છે.

તમે યોદ્ધા છો, વિજયી બનશો : પીએમ મોદી

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. શુક્રવારે એક વીડિયો દ્વારા તેમણે આ વાતની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, મને કોરોના પોઝિટિવ છે અને હું સેલ્ફ આઈસોલેશનમાં જઈ રહ્યો છું. બોરિસ બાદ બ્રિટનના હેલ્થ સેક્રેટરી મૈટ હેન્કોક અને ચીફ મેડિકલ ઓફીસર ક્રિસ વ્હીટીને પણ કોરોનાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. જ્હોસને જણાવ્યું કે, મુખ્ય હેલ્થ ઓફિસરના જણાવ્યા અનુસાર મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના કારણે હું સેલ્ફ આઈસોલેશનમાં જઈ રહ્યો છું. હવે હું ઘરેથી જ કામ કરીશ અને વીડિયો કોન્ફરન્સિંગથી જવાબદારીઓ પૂરી કરીશ.

બોરિસ જ્હોન્સન કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતાં જ તેમની ગર્લફ્રેન્ડ કેરી સાઈમન્ડ્સ ઉપર ખતરો વધી ગયો છે. ગર્ભવતી હોવાથી કેરીને પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આઈસોલેટ કરવામાં આવી છે. વડા પ્રધાન અને સ્વાસ્થ્ય મંત્રીને કોરોના પોઝિટિવ આવ્યાના સમાચાર સાથે જ અન્ય કેબિનેટ મંત્રીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. તેમના ટેસ્ટ કરાવવ ધમધમાટ ચાલી રહ્યો છે. તેમાંથી કેટલાકને ચેપ લાગ્યો હોવાની આશંકા છે.

બીજી તરફ ભારતીય પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી જ્હોન્સનના જુસ્સાને બિરદાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, તમે એક યોદ્ધા છો અને આ પડકારને પણ પાર કરી લેશો અને વિજયી બનશો.

સ્પેનમાં ૨૪ કલાકમાં ૫૬૯નાં મોત : ઈટાલીમાં લોકોની સેવા કરતા ૪૧ આરોગ્ય કર્મચારીઓનાં મોત

સ્પેનમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા ઝડપથી વધી રહી છે અહીં ૬૪,૦૫૯ લોકો સંક્રમિત છે. ૪,૯૦૦ લોકોનાં મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ૫૬૯ લોકોનાં મોત થતા હાહાકાર મચી ગયો છે. ઈટાલીમાં લોકોની સેવા કરતા ૪૧ આરોગ્ય કર્મચારીઓનાં મોત થયા છે. ૫,૦૦૦થી  વધુ ડોકટરો, નર્સ અને ટેકનિશિયનો સંક્રમિત છે. ઈટાલીમાં ૮૬,૪૯૮ કેસ પ્રકાશમાં આવ્યા છે. ૯,૧૩૪ લોકોનાં મોત થયા છે. ચીનની એક કંપનીએ સ્પેનનાં હલકી કક્ષાની ૯,૦૦૦ કોરોના ટેસ્ટ કિટ મોકલતા વિવાદ સર્જાયો છે. ચીન સરકારે તપાસનાં આદેઆદેશો આપ્યા છે. છેલ્લા ૪૮ કલાકમાં ઈટાલીમાં ૪૪૯૨ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે ૧૦,૩૬૧ લોકો સાજા થયા છે. ઈટાલીમાં મૃતકોનાં તાબૂત રાખવાની પણ જગ્યા નથી. ઈટાલીમાં સ્થિતિ એવી સર્જાઈ છે કે, મૃતદેહોને દફનાવા માટે પણ જગ્યા નથી. ઘણા બધા ચર્ચ પરિસરમાં મૃતદેહોને તાબુતમાં મુકી રાખવામાં આવ્યા છે.

ફ્રાન્સમાં એક જ દિવસમાં ૩૬૫નાં મોત

ફ્રાન્સમાં એક જ દિવસમાં ૩૬૫ લોકોનાં મોત થતા ગભરાટ ફેલાયો છે. ૧૬ વર્ષની એક યુવતીનું મોત થયું છે જે સૌથી યુવાન વય ધરાવતી વ્યક્તિનાં મોત તરીકે ગણાયું છે. આરોગ્ય અધિકારી જેરોમ સોલોમન મુજબ ક્યારે કેસો વધશે તે કહી શકાય તેમ નથી.

હોલિવૂડ એક્ટર માર્ક બ્લમનું કોરોનાથી મોત

હોલિવૂડમાં કોરોનાથી પહેલું મોત નોંધાયું છે. એક્ટર માર્ક બ્લમનું ૨૫ માર્ચે મોત થયું છે. તેમને સારવાર હેઠળ રખાયા હતા. તેઓ ૬૯ વર્ષનાં હતા. હોલિવૂડ એક્ટર ટોમ હોક્સ અને તેમનાં પત્નીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

દક્ષિણ આફ્રિકામાં લોકડાઉન કરાયું

૧૧૭૦ કેસ પોઝિટિવ

દક્ષિણ આફ્રિકામાં શુક્રવારથી ૩ અઠવાડીયા માટે લોકડાઉન કરાયું છે. અહીં ૯૨૭ કેસ પોઝિટિવ આવ્યા છે. જો કે હજી કોઈનું મોત થયું નથી. લોકડાઉનની જવાબદારી પોલીસને સોંપાઈ છે.

ઓસ્ટ્રેલિયામાં નવા પ્રતિબંધો

ઓસ્ટ્રેલિયામાં કોરોનાને રોકવા નવા પ્રતિબંધો લગાવાયા છે. સરકારે બીજા તબક્કાનું લોકડાઉન અમલી બનાવ્યું છે. પીએમ સ્કોટ મોરિસને જણાવ્યું કે હવે લોકોએ ૬ મહિનાના લોકડાઉન માટે તૈયાર રહે.

ચીનનાં શાંઘાઈમાં ૨૦૦ થિયેટર્સ શરૂ કરાશે

ચીનમાં સામાન્ય બનતી સ્થિતિ

ચીનનાં શાંઘાઈમાં હવે કોરોનાનાં કેસો ઓછા થતાં ત્યાં ૨૦૦ સિનેમાઘરો ખોલવામાં આવશે અને બ્લોકબસ્ટર ફિલ્મો દર્શાવાશે. ગામડાઓમાં ૭૦૦ થીયેટર્સ ક્યારનાં શરૂ કરી દેવાયા છે. લોકો આનંદ માણી શકે તે માટે ટિકિટનાં દર ઘટાડવામાં આવ્યા છે. બીજી બાજુ દેશમાં લોકડાઉનને કારણે ભારતમાં ૯૦૦૦ સિનેમાઘરો બંધ પડયા છે.

કોરોના અપડેટ

  • તુર્કીમાં ૭૫નાં મોત થયાછે અને ૩૬૨૯ લોકોને સંક્રમણ થયું છે.
  • રશિયામાં ૨૪ કલાકમાં ૧૯૬ નવા કેસ નોંધાયા છે. કુલ ૧૦૩૬ પોઝિટિવ કેસ છે જેમાં ૧નું મોત થયું છે. પુતિને ૨-૩ મહિનામાં કોરોનાને હરાવવાની આશા દર્શાવી છે.
  • સિંગાપુરમાં જે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરે અને એકબીજા વચ્ચે ૧ મીટરનું અંતર નહીં રાખે તો રૂ. ૨૦,૦૦૦ દંડ અને ૬ મહિનાની જેલ કરાશે તેવી જાહેરાત કરાઈ છે.
  • ન્યૂઝીલેન્ડમાં ૨૪ કલાકમાં ૭૬ નવા કેસ બહાર આવ્યા છે. કુલ ૩૬૮ લોકોને સંક્રમણ થયું છે.