પાકિસ્તાન / 12 વર્ષના બાળક માટે ભારત-પાકિસ્તાને પ્રોટોકોલ તોડ્યા, પિતાએ કહ્યું-ભારતે દિલ જીતી લીધું

પાકિસ્તાન / 12 વર્ષના બાળક માટે ભારત-પાકિસ્તાને પ્રોટોકોલ તોડ્યા, પિતાએ કહ્યું-ભારતે દિલ જીતી લીધું

અટારીમાં 2 દિવસ ફસાયા પછી ભારત-પાકિસ્તાનના પત્રકારોની મદદથી પરિવાર કરાચી પહોંચ્યો

ઈસ્લામાબાદથી હનીન અબ્બાસ: જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટ્યા પછી ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ફાયરિંગની ઘટના ન બની હોય. પરંતુ ગત સપ્તાહે અટારી બોર્ડર પર ભારત-પાકિસ્તાન બન્ને દેશની સરકારે એક 12 વર્ષના બાળક માટે તમામ પ્રોટોકોલ તોડી નાખ્યા હતા. તમામ દુશ્મનાવટ ભૂલાવી દીધી હતી. હકિકતમાં પાકિસ્તાનનો 12 વર્ષનો સાબીહ શિરાજ હાર્ટની સર્જરી માટે ગત મહિને નોઈડાની જેપી હોસ્પિટલમાં આવ્યો હતો. સાબીહ કરાચીમાં રહે છે. 18 ફેબ્રઆરીના રોજ તે તેના માતા-પિતા સાથે નોઈડા પહોંચ્યો હતો. 25 ફેબ્રુઆરીના રોજ તેની સર્જરી થઈ હતી. 16 માર્ચ સુધી તેને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો હતો. 18 માર્ચના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ત્યાર પછી સાબીહ અને તેના માતા-પિતા અટારી બોર્ડર પહોંચ્યા હતા. પરંતુ અટારીથી પાકિસ્તાન પહોંચવા માટે આ પરિવારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

સાબીહના પિતા શિરાજ અરશદે પાકિસ્તાનમાં જવા માટે ભારતીય ઈમિગ્રેશન અધિકારીઓને ઘણી આજીજી કરી, પરંતુ તેની વાત કોઈએ સાંભળી નહીં. શિરાજે ભાસ્કરને જણાવ્યું હતું કે બોર્ડર ક્રોસ કરવા માટે મેં અધિકારીઓ પાસે ઘણી મદદ માંગી હતી. મેં તેઓને મારા પુત્રની હાર્ટ સર્જરી વિશે પણ જણાવ્યું, પરંતુ તેઓએ મારી વાત ન માની. કારણ કે પાકિસ્તાનના અધિકારીઓએ 40 કાશ્મીરી છોકરીઓને ભારત મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. 

અટારી બોર્ડર પરના ભારતીય સુરક્ષા અધિકારીઓએ શિરાજને પાકિસ્તાન ઈમિગ્રેશન અધિકારીઓ સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું, પરંતુ ત્યાં પણ કોઈએ વાત ન સાંભળી. ત્યા પછી શિરાજે પાકિસ્તાનના પત્રકારને પોતાની આપવીતી સંભળાવી. પાકિસ્તાની પત્રકારે અમૃતસરના પત્રકાર રવિંદર સિંહ રોબિન સાથે વાતચીત કરી સાબીહના પરિવારને મદદ કરવાની અપીલ કરી હતી. ત્યાર પછી રવિંદર અટારી બોર્ડર ગયો. પરંતુ ત્યારે ઈમિગ્રેશન અધિકારીઓ ત્યાંથી જતા રહ્યા હતા. આથી રવિંદર સાબીહના પરિવારને અમૃતસર લઈને આવ્યો અને પોતાના ઘરમાં રોક્યો.

બીજા દિવસે રવિંદરે અટારી બોર્ડર ઉપર ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરી. બીજી તરફ પાકિસ્તાનના પત્રકારે પાકિસ્તાનના વિદેશ સચિવ સોહેલ મહમૂદ સાથે વાત કરી. ત્યાર પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દિલ્હી સ્થિતિ પાકિસ્તાન એમ્બેસીને નિર્દેશ આપ્યો કે પાકિસ્તાનના પરિવારને પરત જવામાં તેઓ ભારતીય અધિકારીઓ સાથે વાત કરે. પાકિસ્તાની એમ્બેસીના અનુરોધ પછી ભારતીય અધિકારીઓએ સાબીહના પરિવાર માટે સ્પેશિયલ પાસ કાઢ્યો હતો. 

શિરાજ અરશદે ફોન ઉપર ભાસ્કરને જણાવ્યું હતું કે ગુરુવાર રાત્રે (19 માર્ચ)એ જ્યારે અમે રવિંદરના ઘરે પહોંચ્યા તો અમને ભારત સ્થિતિ પાકિસ્તાની એમ્બેસીનો ફોન આવ્યો હતો કે કાલે બપોરે તમારે અટારી બોર્ડર પહોંચવાનું છે. બીજા દિવસે અમે અટારી બોર્ડર પહોંચ્યા તો ભારતીય અધિકારીઓએ અમને સ્પેશિયલ પાસ આપી પાકિસ્તાનમાં જવા દીધા હતા. મુશ્કેલ સમયમાં તેની મદદ કરનાર દરેકનો તેઓએ આભાર માન્યો હતો. ડોક્ટર, સ્ટાફ અને હોસ્પિટલ મેનેજમેન્ટે અમારી સાથે સારો વ્યવહાર કર્યો હતો. 20 દિવસ ભારતમાં અમને ખુબ પ્રેમ મળ્યો, ભારત મહાન દેશ છે તેણે અમારા દિલ જીતી લીધા છે.