લોકડાઉન / અમદાવાદમાં રશિયન યુવક-યુવતી ફસાયા, સંચાલકે કહ્યું હોટેલ બંધ કરવાની છે તમે અહીંથી જતા રહો

લોકડાઉન / અમદાવાદમાં રશિયન યુવક-યુવતી ફસાયા, સંચાલકે કહ્યું હોટેલ બંધ કરવાની છે તમે અહીંથી જતા રહો

પોલીસ યુવક-યુવતીને લઈ કલેક્ટર કચેરીએ પહોંચતા ઉપસ્થિત લોકોમાં ગભરાટ ફેલાયો

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં કોરોના 24 હજારથી વધુ લોકોને ભરખી ગયો છે અને દેશમાં 20ના તથા રાજ્યમાં ત્રણ લોકોના જીવ લીધા છે. જેને પગલે સમગ્ર દેશને 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. લોકડાઉનને કારણે કેટલાક વિદેશી નાગરિકો પણ જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા છે. તેમાં પણ હવે હોટેલ સંચાલકોએ હોટલ બંધ કરવાની તૈયારી કરતા હોટેલમાં રહેતા વિદેશી નાગરિકો રઝળી પડ્યા છે. જે(27 માર્ચ) અમદાવાદમાં પણ વિદેશી યુવક અને યુવતી ફસાયા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર યુવક અને યુવતી રશિયાના છે અને એક પ્રોજેક્ટ માટે અમદાવાદ આવ્યા હતા. પરંતુ લોકડાઉનને કારણે તેઓ હોટેલમાં જ ફસાઈ ગયા હતા. તેમાં પણ હોટલ સંચાલકે તેમને હોટેલ બંધ કરવાની છે અને તમે અહીંથી જતા રહેવાનું કહેતા આ યુવક-યુવતીએ પોલીસ કન્ટ્રોલમાં ફોન કરી પોલીસ બોલાવી હતી.

રશિયન એમ્બેસીમાં જાણ કરવામાં આવી
જેથી પોલીસ આજે આ વિદેશી યુવક-યુવતીને લઈ અમદાવાદની કલેકટર કચેરીમાં પહોંચી હતી. કોરોનાથી સૌથી વધુ વિદેશી નાગરિકો સંક્રમિત હોવાથી આ યુવક-યુવતીને જોઈ કલેકટર કચેરીમાં હાજર લોકો પણ ગભરાઈ ગયા હતા. ત્યાર બાદ કલેક્ટર ઓફિસમાંથી બન્નેને વિદેશ મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બન્ને યુવક યુવતી અંગે સૌ પહેલા દિલ્હી સ્થિત રશિયન એમ્બેસીમાં જાણ કરવામાં આવી છે અને તેમને દિલ્હી મોકલવા માટે વ્યવસ્થા કરી હતી.