કોરોનાવાઈરસ / ન્યૂયોર્કમાં કબ્રસ્તાનોમાં જગ્યા નથી, ડર એવો કે લોકો ટીવી-સોશિયલ મીડિયા પણ જોતાં નથી

કોરોનાવાઈરસ / ન્યૂયોર્કમાં કબ્રસ્તાનોમાં જગ્યા નથી, ડર એવો કે લોકો ટીવી-સોશિયલ મીડિયા પણ જોતાં નથી

  • અમેરિકામાં કોરોનાથી મરનારાની સંખ્યા 11000ને પાર
  • ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં મોટી સંખ્યામાં ભારતીય સંક્રમિત, અનેક મોત
  • 50 વર્ષથી ઓછી વયના લોકોના ટેસ્ટ નહીં, ક્વૉન્ટિનની સલાહ

ન્યૂયોર્ક. અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધી 11 હજાર મોત થઇ ગયા છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધી 4,758 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં હવે શબ દફનાવવા માટે કબ્રસ્તાનમાં જગ્યા બચી નથી. અસ્થાયી કબ્રસ્તાન બનાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ અમેરિકામાં ભારતીય સમુદાયના જૂથ મુજબ ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં રહેતા ભારતીય મોટી સંખ્યામાં સંક્રમિત છે. તેમાંથી ઘણાનાં મોત પણ થઇ ગયા. જો કે કેટલાં ભારતીય અમેરિકી સંક્રમિત છે, તે અંગે કોઇ ડેટા ઉલબ્ધ નથી. અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન (એએપીઆઇ)ના પૂર્વ અધ્યક્ષ સહિત ઘણા લોકો મેડિકલ સંસ્થાનોમાં ભરતી છે. દિગ્ગજ ભારતીય અમેરિકી પત્રકાર બ્રહ્મ કુચિભાટલાનું નિધન થઇ ગયું છે. કોવિડ-19 માટે હેલ્પલાઇન ચલાવી રહેલા ‘સેવા ઇન્ટરનેશનલ’એ જણાવ્યું કે મદદ માટે ઘણા ફોન આવી રહ્યા છે. 
ક્યારેય નહીં ઊંઘનારા શહેર ન્યૂયોર્કમાં સન્નાટો 
ભારતીય અમેરિકીઓએ હ્યુસ્ટનના આઇટી પ્રોફેશનલ રોહન બાવડેકરની મદદ માટે 15 કરોડ રૂપિયા એકત્રિત કર્યા. રોહન વેન્ટિલેટર પર છે અને તેમની પત્ની અને ત્રણ બાળકો પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. ઉત્તરીય અમેરિકામાં ફેડરેશન ઓફ કેરળ એસોસિએશને પણ કહ્યું કે તેમના સમુદાયના ચાર લોકોનાં મોત કોવિડ-19ને કારણે થયા છે. ન્યૂયોર્કમાં રહેતા ભારતીયો જણાવી રહ્યા છે કે કેવી રીતે આ વાયરસે સૌને ભાંગી નાંખ્યા છે. ન્યૂયોર્કની એક સ્કૂલમાં ફોટોગ્રાફી-વીડિયો સબજેક્ટ ભણાવતી ફોટોગ્રાફર સ્પંદિતા મલિકે જણાવ્યું કે ‘ક્યારેય નહીં ઊંઘનારા શહેર ન્યૂયોર્કમાં સન્નાટો છે. દરેક લોકો ડરેલા છે અને અંદરથી તૂટી ગયા છે. અમારા મિત્રોના રુમમેટ્સ પોતાના ઘરે જતા રહ્યા છે. જેઓ એકલા રહી ગયા છે, તેઓ ડિપ્રેશનમાં છે. અમને નોકરીઓમાંથી કાઢી મૂકાયા છે. અમે ટીવી જોવાનું બંધ કરી દીધું છે.
આઇટીવાળા વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા
સોશિયલ મીડિયા પણ ચેક કરતા નથી. બધુ બહુ ભયાવહ છે. મારી એક રુમમેટ વુહાન (ચીન)ની છે. તે પોતાના પરિવાર માટે ટેન્શન કરે છે. તેને જોઇ અમે વધુ ડિપ્રેશનમાં આવી જઇએ છીએ’. જ્યારે આઇટી પ્રોફેશનલ અર્પિત વર્મા કહે છએ કે આઇટીવાળા વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં કોરોના સંક્રમણના આંકડા જે જણાવવામાં આવી રહ્યા છે, તે વાસ્તવિક નથી. સંખ્યા તેનાથી ઘણી વધારે છે. કોરોના ટેસ્ટ માત્ર 50 વર્ષથી વધુની વયના, જેમને કેન્સર, લિવર, કિડની કે એવી કોઇ જીવલેણ બીમારી હોય, છીંક- તાવ અને ગળામાં દુખાવો હોય તેવા તેમજ તેની ટ્રાવેલ હિસ્ટ્રી છે કે પછી એવી કોઇ વ્યક્તિને 20 મિનિટ સુધી મળ્યા હોય તેવા લોકોના થઇ રહ્યા છે. જો કોઇ પણ 911 પર ડાયલ કરી કોરોનાના લક્ષણ જણાવે તો તેને ક્વારન્ટાઇનમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. તેઓ કહે છે કે માર્ગો પર જતાં જો હુ કોઇ જોગરને જોઇ લઉ છું તો રોડ પાર કરી રસ્તો બદલી લઉ છું. લોકોને એવું લાગવા માંડ્યું છે કે જો તેઓ કોઇની પાસેથી પસાર થશે તો તેમને કોરોના થઇ જશે.’
ન્યૂયોર્ક સિટીની મુખ્ય મેડિકલ પરીક્ષણ ઓફિસની બહાર અસ્થાયી કબ્રસ્તાન બનાવ્યું
ન્યૂયોર્ક શહેરની મુખ્ય મેડિકલ પરીક્ષણ ઓફિસની બહાર એક અસ્થાયી કબ્રસ્તાન બનાવ્યું છે. આ સમસ્યા અંગે શહેરના મેયર બિલ ડી બ્લાસિયોએ જણાવ્યું કે જ્યારે વાઈરસ ફેલાય છે તો કબ્રસ્તાનની ક્ષમતા ઓછી થવા લાગે છે. અધિકારી શબોને જાહેર સ્થળોએ અસ્થાયી રીતે દફનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. જ્યારે પરિસ્થિતિ થાળે પડશે તો યોગ્ય સ્થળે દફનાવાશે.
ન્યૂયોર્ક સિટીમાં 3 મહિનાનું ભાડું સરકાર આપી રહી છે
આઇટી પ્રોફેશનલ અર્પિત જણાવે છે કે ન્યૂયોર્ક સિટીમાં મકાનમાલિક ભાડુઆતને કાઢી શકતો નથી. 3 મહિનાનું ભાડું સરકાર આપશે. ઉપરાંત વાર્ષિક એક લાખ ડોલર ( આશરે 75 લાખ રૂપિયા) કમાનારાને સરકાર 1200 ડોલર (90 હજાર રૂપિયા), પરિણીત લોકોને 1.8 લાખ રૂપિયા અને એક બાળક હોય તો વધારાના 35 હજાર રૂપિયા ખાતામાં આપી રહી છે. ઘરવિહોણા મજૂરોના ખાતામાં 3000 ડોલર (2.2 લાખ રૂપિયા) આપવામાં આવી રહ્યા છે.
રિપબ્લિકન રાજ્યોમાં હજુ લૉકડાઉન નહીં, લોકો ઇસ્ટરની તૈયારી કરી રહ્યા છે
ન્યૂયોર્કના પત્રકાર -લેખક મુહમ્મદ અલીએ જણાવ્યું કે અમેરિકી સરકારે આને ગંભીરતાથી લીધું નથી. રિપબ્લિકન સ્ટેટ્સમાં લૉકડાઉન કરાયું નથી. ત્યાંના લોકોનું માનવું છે કે કદાચ આનાથી વૃદ્ધો મરશે. તેઓ મરતા હોય તો મરી જાય. એટલે સુધી કે ત્યાં ઇસ્ટરની તૈયારી પણ થઇ રહી છે. પ્રમુખ ટ્રમ્પ કહી રહ્યા છે કે ઇસ્ટર સુધી બધું સારું થઇ જશે. અલીના કહેવા મુજબ સ્થિતિની વાત કરીએ તો મારા એક મિત્રની છાતીમાં દુ:ખાવો થયો, તેણે હોસ્પિટલમાં ફોન કર્યો તો તેને કહેવામાં આવ્યું કે તમે ઘરે રહી સારવાર કરો, કારણ કે હોસ્પિટલમાં ઇન્ફેક્શન બહુ ફેલાયેલું છે.