55 ટકા અમેરિકન માને છે કોરોના સામેના જંગમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની કામગીરી અત્યંત નબળી છે

55 ટકા અમેરિકન માને છે કોરોના સામેના જંગમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની કામગીરી અત્યંત નબળી છે

કોરોના કટોકટી ઘેરી બનતાં અને મૃત્યુઆંક વધતાં ટ્રમ્પ સામે લોકો નારાજ

વોશિંગ્ટન. અમેરિકામાં કોરોનાના વધતા ફેલાવા તથા મોટી સંખ્યામાં લોકોના મોતના કારણે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર પર લોકોનો ભરોસો ઘટ્યો છે. તાજેતરના સરવેમાં 55% અમેરિકીઓએ કહ્યું કે ટ્રમ્પ સરકારે કોરોના રોકવાની દિશામાં સારું કામ નથી કર્યું. તેમનું એમ પણ માનવું છે કે સરકાર વધુ સારું કામ કરી શકતી હતી. અઠવાડિયા અગાઉ આવું માનનારા 47% લોકો જ હતા જ્યારે 80% લોકોનું માનવું છે કે કોરોનાના કારણે દેશમાં બહુ ખરાબ હાલત છે. 37%નું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ કોરોનાને લઇને વધુ ચિંતાતુર બન્યા છે જ્યારે 5% લોકો એવા પણ છે કે જેઓ પોતાને જરાય ડર ન લાગતો હોવાનું કહે છે. 
46% લોકોએ કહ્યું કે ડર છે કે તેઓ પોતે કે તેમના પરિવારમાં કોઇ કોરોનાગ્રસ્ત થઇ જશે
અમેરિકામાં દર પાંચમાંથી એક વ્યક્તિ (22%)નું કહેવું છે કે તેમના કોઇ ને કોઇ ઓળખીતા કોરોના પોઝિટિવ છે. સીએનએને એસએસઆરએસના માધ્યમથી દેશભરમાં આ સરવે કરાવ્યો. તેમાં જોડાયેલા 46% લોકોએ કહ્યું કે તેમને ડર છે કે તેઓ પોતે કે તેમના પરિવારમાં કોઇ કોરોનાગ્રસ્ત થઇ જશે. હોસ્પિટલો અને ડૉક્ટર્સથી માંડીને 69% લોકોનું કહેવું છે કે સારવાર માટે જરૂરી વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (પીપીઇ), મેડિકલ સામગ્રીની અછત દૂર કરવા માટે વધુ સઘન કામગીરીની જરૂર છે.
વિશ્વના વિકસિત દેશની સરખામણીએ ભારતમાં મૃત્યુઆંકનું પ્રમાણ ઘણું ઓછું
ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના ભૂતપૂર્વ સચિવ અને ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના ચેરમેન ડૉ. રવિ મલિકે કહ્યું છે કે વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં સ્થિતિ સારી છે. મૃત્યુ દુર્ભાગ્યપૂર્ણ છે પણ અમેરિકા અને યુરોપની તુલનામાં આપણો દેશ ઘણો સુરક્ષિત છે. ભારતમાં મૃત્યુદર પણ ઓછો છે. તેનું કારણ એ છે કે આપણા દેશના લોકોમાં વાઈરસ સામે લડવાની શક્તિ જન્મજાત હોય છે. અત્યારનો જે મૃત્યુદર છે તે પણ ધીરે ધીરે ઓછો થઈ જશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 5Tની યોજના અંગે ડૉ. મલિકે કહ્યું કે લોકોએ તેનું પાલન કરવું જોઈએ. કેજરીવાલે ટેસ્ટિંગ, ઉપચાર, ટીમવર્ક, ટ્રેક, ચિહ્નનો સમાવેશ થાય છે.