કોરોનાને કારણે અટવાયેલા છાત્રોને ઓફ કેમ્પસ વર્ક પરમિટ મળશે : US

કોરોનાને કારણે અટવાયેલા છાત્રોને ઓફ કેમ્પસ વર્ક પરમિટ મળશે : US

। વોશિંગ્ટન   ।

કોરોનાની મહામારીને પગલે અમેરિકામાં અટવાઈ ગયેલા વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકાએ મોટી રાહત કરી આપી છે. અમેરિકી તંત્રે જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ અહીંયા અટવાઈ ગયા છે તેઓ આ સમયગાળા દરમિયાન ઓફ કેમ્પસ જોબ માટે એપ્લાય કરી શકશે. તે માટે તેમને વિશેષ વર્ક પરમિટ આપવામાં આવશે. યુએસ સિટિઝન્સશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ (યુએસસીઆઈએસ) દ્વારા ભારત સહિત વિવિધ દેશોના હજારો આંતરરાષ્ટ્રિય વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવી છે. યુએસસીઆઈએસે વધુમાં જણાવ્યું કે, તમને કામ કરવામાં કોઈ મુશ્કેલી આવે અથવા તો તમે આર્થિક સંકડામણમો ભોગ બન્યા હોવ અને તેમાંથી બહાર આવવાનો કોઈ વિકલ્પ ન હોય તો તમે સ્થાનિક તંત્રની મદદ લઈ શકશો. તમે સ્થાનિક તંત્ર દ્વારા ઓફ કેમ્પસ કામ કરવાની અરજી કરી શકશો. વ્હાઈટ હાઉસે પણ જણાવ્યું કે, ભારત સહિત અનેક દેશોના હજારો વિદ્યાર્થીઓ અમેરિકી યુનિવર્સિટીઓમાં અટવાઈ ગયા છે અને તેમને ઉગારવા માટે જ નક્કર પગલાં લેવામાં આવી રહ્યાં છે.

પરિસ્થિતિને આધીન રહીને પરવાનગી અપાશે

યુએસસીઆઈએસે વધુમાં જણાવ્યું કે, તમામ અરજીઓની પરિસ્થિતિના આધારે ચકાસણી કરવામાં આવશે. પરિસ્થિતિને આધીન રહીને જ કામગીરી કરવા માટે પરવાનગી આપવામાં આવશે. ઉદાહરણ તરીકે કપરી પરિસ્થિતિમાં આવકના મર્યાદિત સ્રોત, આર્થિક સહાય ન મળવી, કેમ્પસમાં જોબ ન મળવી, ડોલર સામે સ્થાનિક કરન્સીના ભાવમાં મોટો તફાવત, ટયૂશન ફીમાં મોટો વધારો અથવા કોસ્ટ ઓફ લિવિંગમાં વધારો જેવી સ્થિતિને ગ્રાહ્ય રાખવામાં આવશે. આ ઉપરાંત આર્થિક સ્થિતિ કફોડી થવી અને મદદ ન મળવી તથા મેડિકલ બિલમાં વધારો થઈ જવા જેવી બાબતને પણ આ જ કેટેગરીમાં ગ્રાહ્ય રાખવામાં આવશે. કોરોનાને કારણે ફસાઈ ગયેલા નોન-ઇમિગ્રન્ટ્સ વિઝા હોલ્ડર્સ માટે પણ પરિસ્થિતિને આધીન દરેક કેસની ચકાસણી કરીને નિર્ણય લેવામાં આવશે. જે તે દેશ સાથેના જોડાણ અને તેને લાગુ પડતા નિયમોને આધીન કામ કરાશે.