ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયામાં ૪ કરોડ ૨૦ લાખ ડોલરમાં તૈયાર થયેલી હોટેલમાં રખાશે

ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયામાં ૪ કરોડ ૨૦ લાખ ડોલરમાં તૈયાર થયેલી હોટેલમાં રખાશે

। મેલબોર્ન ।

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમને સંભવિત અલગ કેન્દ્રના સ્વરૂપે એડિલેડ ઓવલ ગ્રાઉન્ડ સાથે સંકળાયેલી નવી હોટેલમાં ઉતારો આપવામાં આવશે તેવી ઓફર કરવામાં આવી છે. જોકે ઝડપથી ફેલાઇ રહેલા કોવિડ-૧૯ની મહામારીના કારણે ભારતના આ પ્રવાસ ઉપર સંકટનાં વાદળો છવાયેલાં છે. સાઉથ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિયેશને (એસએસીએ)ની પ્રમુખ કીથ બ્રેથસાએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ કેવિન રોબર્ટ્સનો સંપર્ક કરીને જો ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના પ્રવાસને મંજૂરી મળે તો કોહલીબ્રિગેડને નવી હોટેલમાં રાખવામાં આવશે. આ હોટેલ ચાર કરોડ ૨૦ લાખ ડોલરની જંગી રકમ ખર્ચીને તૈયાર કરવામાં આવી છે. આ હોટેલમાં ભારતીય ટીમ એકલી જ રહેશે. જોકે અહેવાલ અનુસાર પ્રવાસી ટીમ માટે સંભવિત વૈકલ્પિક પૃથક કેન્દ્રના સ્વરૂપે કાંગારુ આઇલેન્ડ તથા રોટનેસ્ટ આઇલેન્ડના નામ અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે.

ઓસ્ટ્રેલિયાને ૩૦ કરોડ ડોલરનું નુકસાન થઈ શકે છે

કોરોના વાઇરસના કારણે જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી રદ કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયન બોર્ડને લગભગ ૩૦ કરોડ ડોલરના ટીવી પ્રસારણના નાણાં ગુમાવવા પડશે. ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી રદ કરવામાં આવતા મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ૧૮મી ઓક્ટોબરથી ૧૬ દેશો વચ્ચેનો ટી૨૦ વર્લ્ડ કપ પણ રમાવાનો છે.

ભારતીય ટીમને બે સપ્તાહ ક્વોરન્ટાઇનમાં રખાશે 

કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયાએ પોતાની તમામ સરહદ સીલ કરી દીધી છે અને પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ અધિકારીઓ જોકે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર શ્રેણી રમાય તો પ્રવાસી ટીમના સ્વાસ્થ્ય અને સુરક્ષાનો ખ્યાલ રાખવા માટેના વિકલ્પો શોધી રહ્યા છે. પ્રવાસી ટીમને ૧૪ દિવસ માટે હોટેલમાં જ ક્વોરન્ટાઇન કરાશે. જોકે આ દરમિયાન ખેલાડીઓને પ્રેક્ટિસ તથા ફોર્મ હાંસલ કરવાની થોડીક સમસ્યા નડી શકે છે. આ હોટેલનું ઉદ્ઘાટન સપ્ટેમ્બરમાં થાય તેવી આશા છે. આ હોટેલમાં વિશ્વની પ્રથમ ક્રમાંકની ટેસ્ટ ટીમ ભારતને નેટ્સ ઉપર ઉચ્ચ સ્તરની સુવિધા તથા ખાવાપીવાના પૂરતા વિકલ્પ પણ આપવામાં આવશે.