આને કહેવાય મર્દનો ફાડીયો! જર્મનીએ 162 બિલિયન ડોલરના નુકસાનનું બીલ ચીનના નામે ફાડ્યું

આને કહેવાય મર્દનો ફાડીયો! જર્મનીએ 162 બિલિયન ડોલરના નુકસાનનું બીલ ચીનના નામે ફાડ્યું

જર્મની, તા. 20 એપ્રિલ 2020, સોમવાર

ચીનના વુહાન શહેરથી વિશ્વભરમાં પ્રસરેલા કોરોના વાયરસે અત્યાર સુધીમાં 1.64 લાખથી પણ વધારે લોકોનો ભોગ લીધો છે. વિશ્વના અનેક દેશો આ વાયરસના સંક્રમણ માટે ચીનને જવાબદાર ઠેરવી રહ્યા છે ત્યારે જર્મનીના એક પ્રતિષ્ઠિત સમાચારપત્રે કોરોના વાયરસના કારણે દેશને થયેલા નુકસાનનું બિલ છાપીને ચીનને તેના માટે જવાબદાર ગણાવ્યું છે. બીજી બાજુ અમેરિકા પણ ખુલ્લેઆમ ચીને આ સંક્રમણનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે તેવી ધમકી આપી રહ્યું છે. 

જર્મનીના સૌથી મોટા ટેબ્લોઈડ ન્યૂઝપેપર બિલ્ડમાં એક તંત્રીલેખ છાપવામાં આવ્યો છે જેમાં 130 બિલિયન પાઉન્ડનું અંદાજિત નુકસાન માંડવામાં આવ્યું છે. આ યાદી માં પર્યટનને 27 મિલિયન યુરોનું નુકસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 7.2 મિલિયન યુરોનું નુકસાન, જર્મન એરલાઈન્સ લુફ્ત્સાનાને એક મિલિયન યુરોનું નુકસાન, દેશના નાના ઉદ્યોગસાહસિકોને 50 બિલિયન યુરોનું નુકસાન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

બિલ્ડના અહેવાલ પ્રમાણે વ્યક્તિદીઠ કુલ 1,784 યુરોનું નુકસાન થયું છે અને દેશની જીડીપી 4.2 ટકા ઘટી છે જે બધા જ નુકસાન માટે ચીન જવાબદાર છે. તેના જવાબમાં ચીને આ દાવાને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપતો અને વિદેશીઓ માટે નફરત દર્શાવતો ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફ્રાન્સ, યુકે અને અમેરિકાએ પણ ચીનને કોરોના વાયરસ માટે સીધી રીતે જવાબદાર ઠેરવ્યું હતું.