અમદાવાદઃ ગરીબોનું અનાજ અમીરો લઈ ગયા, એક કરોડનો ફ્લેટ છતાં મફતમાં લીધું રાશન

અમદાવાદઃ ગરીબોનું અનાજ અમીરો લઈ ગયા, એક કરોડનો ફ્લેટ છતાં મફતમાં લીધું રાશન

કોરોનાની મહામારીને કારણે લોકડાઉન જાહેર કરાયું છે. જેને કારણે ગરીબ પરિવારોને ખાવાનાં પણ ફાંફા ન પડે તે માટે સરકાર દ્વારા બીપીએલ અને એપીએલ કાર્ડધારકોને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. પણ ગરીબો માટે સરકારની આ યોજનાનો અમીરોએ ગેરલાભ ઉઠાવ્યો છે. અમદાવાદના સેટેલાઈટમાં એક કરોડના ફ્લેટમાં રહેતાં દંપતીએ એપીએલ કાર્ડ પર રાશન લેતાં તેમની સામે નોટિસ ફટકારવામાં આવી છે.

માનવતાને શર્મસાર કરતો આ કિસ્સો અમદાવાદના સેટેલાઈટનો છે. સેટેલાઈટમાં એક કરોડના ફ્લેટમાં રહેતાં દીપક શાહ અને તેમના પત્નીએ ઘરમાં ભોજન ન હોવાની તંત્રને રજૂઆત કરી હતી. જે બાદ તેઓએ એપીએલ કાર્ડ મારફતે મફતમાં રાશન લીધું હતું. જો કે આ અંગે પ્રશાસન દ્વારા તપાસ કરવામાં આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

સાધન સંપન્ન લોકો દ્વારા જ આ રીતે સરકારી યોજનાનો ખોટો લાભ લેવામાં આવી રહ્યો છે જે અત્યંત દુઃખદ બાબત છે. ગરીબોના અન્નનો કોળિયો અમીરો છીનવી રહ્યા છે. આ મામલે અમદાવાદના ડેપ્યુટી કલેક્ટર દ્વારા સેટેલાઈટના શાહ દંપતીને નોટિસ ફટકારવામાં આવી છે. અને તેમના વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી પણ થઈ શકે છે.