ગરીબો ભૂખ્યા ટળવળે છે અને હજારો ટન ચોખા સેનેટાઇઝર બનાવવામાં વેડફાશે

ગરીબો ભૂખ્યા ટળવળે છે અને હજારો ટન ચોખા સેનેટાઇઝર બનાવવામાં વેડફાશે

કેન્દ્ર સરકારનો વિવાદાસ્પદ નિર્ણય

ફુડ કોર્પોરેશનના ગોડાઉનોમાં 3.8 કરોડ ટન ચોખાનો બફર સ્ટોક અને ગરીબોને બે ટંકના ફાંફા

અમદાવાદ, તા. 20 એપ્રિલ 2020, સોમવાર

એક તરફ લોકડાઉનના લીધે શ્રમિકો અને ગરીબોની આવક બંધ છે. દેશના હાઇવે પર રઝળતા થઇ ગયા હોય તેવા લાખોની સંખ્યામાં આવા શ્રમિકો બે ટંકના દાળ-ભાત માટે પણ ઝૂરી રહ્યા છે. જેઓ તેમની ઝૂંપડી કે કાચા મકાનોમાં રહે છે તેઓની હાલત પણ બદતર છે કેમ કે કેન્દ્ર સરકારે જાહેર કર્યા પ્રમાણેનું અનાજ તેઓ બધા પાસે રેશનકાર્ડ ના હોઇ મળતું નથી. તો બીજી તરફ કેન્દ્ર સરકાર હસ્તકના ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેવા ગોડાઉનોમાં ૩.૮ કરોડ ટન ચોખા વિતરણ વગરના પડી રહ્યા છે.

હવે કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર હાથ ધોવા માટે સેનેટાઇઝર બનાવવા માંગે છે. સેનેટાઇઝર બનાવવાની પ્રક્રિયામાં ‘ઇથાનોલ’ અનિવાર્ય છે અને તે માટે સરકારે આ ચોખાના જથ્થામાંથી કેટલાકનો પ્રોસેસ કરવાનો ભારે વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. ચોખાના કાચા માલ તરીકે ઉપયોગ કરીને ઇથાનોલ બનાવી શકાય છે. હવે આ ચોખામાંથી એક નોંધપાત્ર જથ્થો જે હજારો ટન હોઈ શકે તે ઇથાનોલની પ્રક્રિયામાં વપરાશે અને સેનિટાઈઝર લીકવીડ તેમાંથી બનાવાશે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગેની મંજૂરી પણ બાયોફયુઅલ કોઓર્ડિનેશન કમિશને આપી દીધી છે.

ગત ૨૬ માર્ચે કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ) હેઠળ કોરોનાની મહામારીમાં અને લોકડાઉનમાં ગરીબો અને શ્રમિકોને ભુખમરો સહન ન કરવો પડે તેથી પ્રત્યેક આવા પરિવારને પાંચ કિલો ઘઉં કે ચોખાનું મફતમાં વિતરણ કરવાની જાહેરાત કરી હતી. પણ આ વિતરણનો ફાયદો રેશનકાર્ડ ધારકોને જ મળ્યો તેની સામે દેશમાં લાખો ગરીબ પરિવારો પાસે રેશન કાર્ડ જ નથી કે જેઓ પાસે છે તેઓ તો હાઇવે પર કે અન્ય રાજ્યોમાં ફસાઇ ગયા છે તેઓ રેશન કાર્ડ ક્યાંથી લાવે.

આ બધાને જો રેશન કાર્ડ વગર એમજ રાંધેલા ચોખા રહેમરાહે આપી શકાય તો  પણ તેઓનો દિવસ નીકળી જાય. તેની સામે સેનિટાઇઝરની જગાએ સાબુથી નાગરિકો હાથ સાફ કરે તો પણ ચાલશે. જેઓએ ૨૦૧૧ થી છેલ્લી નોંધણી આધારીત રેશન કાર્ડ મેળવ્યા હતા તેમને બાદ કરતા તે વર્ષો પછીના ગરીબો પણ રેશન કાર્ડ વિનાના છે.

કેન્દ્ર સરકાર બફર સ્ટોક જે પણ જરૂરિયાતમંદ હોય તેને રેશન કાર્ડ કે પુરાવા વગર વિતરણ કરે તે જ સમયની માંગ છે.