કોવિડ – 19થી સાજા થયેલા દર્દીઓના લોહીનું ગેરકાયદે વેચાણ, કિંમત જાણી સ્તબ્ધ થઇ જશો

કોવિડ – 19થી સાજા થયેલા દર્દીઓના લોહીનું ગેરકાયદે વેચાણ, કિંમત જાણી સ્તબ્ધ થઇ જશો

। નવી દિલ્હી ।

કોરાનાના ઉપચાર અને વેક્સિનને નામે ડાર્ક નેટ પર ગેરકાયદેસર રીતે સાજા થયેલા દર્દીઓનું લોહી વેચાઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના અહેવાલમાં અનુસાર ડાર્કનેટ પર લોહીના વેચાણકર્તા વિવિધ દેશોમાં શિપિંગ કરીને ડિલિવરી કરી રહ્યા છે.

હાલ વિશ્વમાં કોરોના સામે લડવા ઇમ્યુનિટી બનશે તેવા દાવા સાથે કોરોનામાં સાજા થયેલા દર્દીઓનું લોહી રૂપિયા ૧૦ લાખ પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. માત્ર લોહી જ નહીં પણ ડાર્કનેટ પર પીપીઇ, માસ્ક, ટેસ્ટ કિટ સહિતની સામગ્રી પણ ઊંચા ભાવે વેચાઈ રહી છે. અલગ અલગ ૧૨ ડાર્કનેટ બજાર પર આ સામગ્રી વેચાઈ રહી છે.

આ વિષયના મુખ્ય સંશોધક રોડ બ્રોડહર્સ્ટનું કહેવું છે કે મહામારીના સમયમાં પણ કેટલાક લોકો ગેરકાયદે આવકો રળવા પ્રયાસ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં આવી પ્રવૃત્તિ વધી શકે છે. આ પ્રવૃત્તિને બંધ કરાવવા મોનિટરિંગની જરૂર છે. તેમણે કહ્યું કે અસુરક્ષિત વેક્સિન અને અન્ટિ વાઇરલ દવાઓ પણ લોકો વેચી રહ્યા છે. કોરોનાથી સાજા થયેલા દર્દીના લોહીની મદદથી અન્ય સંક્રમિત દર્દીની સારવારના કેટલાક અહેવાલ સામે આવ્યા છે. પરંતુ પ્લાઝમા થેરપીના કેટલાક ખતરા પણ છે. તે સારવાર લેવા જતાં જીવ પણ ગુમાવવો પડી શકે છે.