વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે આજથી વંદે ભારત મિશન શરૂ

વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે આજથી વંદે ભારત મિશન શરૂ

9 મેથી અમેરિકામાં ફસાયેલા ભારતીયોને ભારત લાવવામાં આવશે

નવી દિલ્હી, તા. 07 મે 2020, ગુરુવાર 

વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે આજથી વંદે ભારત મિશન શરૂ થશે. એર ઇન્ડિયા દ્વારા 12 દેશમાં ફસાયેલા 1 લાખ 93 હજાર નાગરિકોને પરત લાવવામાં આવશે. અમેરિકાથી ભારતીયોને 9 મેથી પાછા લાવવામાં આવશે. તેના માટે અમેરિકાના કેટલાય શહેરમાંથી ભારતના કેટલાક શહેર વચ્ચે કૉમર્શિયલ ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે.

વૉશિંગ્ટનમાં ભારતીય એમ્બસી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પહેલા ચરણમાં એર ઇન્ડીયા 9 થી 15 મે સુધી અમેરિકાના કેટલાય શહેરોથી ભારત માટે નૉન-શેડ્યુલ કૉમર્શિયલ ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે. આવનાર યાત્રીઓએ ભાડુ આપવું પડશે. તેમનું ભાડુ ભારત સરકાર આપશે નહીં. આવ્યા બાદ તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે. 

આબુધાબી અને દુબઇથી આવશે ભારતીય

વંદે ભારત મિશન હેઠળ આજે આબુધાબીથી 175 ભારતીયો કોચિ પહોંચશે. આ ઉપરાંત દુબઇથી કોઝિકોડ પણ એક ફ્લાઇટ આવશે, જેમાં પણ 175 ભારતીય મુસાફરી કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે ગલ્ફ દેશમાંથી આવનાર ભારતીઓનું ભાડુ 15 હજારની આસપાસ રહેશે. 

શું છે વંદે ભારત મિશન?

કોરોના સંકટને કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પાછા લાવવા માટે મોદી સરકારે વંદે ભારત મિશનની શરૂઆત કરવામાં આવી છે. 7 મે થી એટલે કે આજથી 7 દિવસ સુધી 12 દેશમાં ફસાયેલા લગભગ એક લાખ 93 હજાર ભારતીયોને એર ઇન્ડિયાની સ્પેશિયલ ફ્લાઇટ્સ મારફતે લાવવામાં આવશે. ફસાયેલા લોકો પાસેથી ભાડુ પણ લેવામાં આવશે. 

વંદે ભારત મિશન હેઠળ અમેરિકા, બ્રિટન, બાંગ્લાદેશ, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપુર, યૂએઇ, સાઉદી અરબ, કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનમાં ફસાયેલા ભારતીય લોકોને પરત લાવવામાં આવશે. ગલ્ફ દેશોમાંથી ભારતીય લોકોને લાવવા માટે નૌસેનાની પણ મદદ લેવામાં આવી શકે છે. તેના માટે નૌસેનાએ પહેલાથી જ તૈયારી કરી લીધી હતી.