એચવનબી વિઝાધારકોના જીવનસાથીની વર્કપરમિટનો નિયમ રદ ન કરો : ટ્રમ્પ સરકાર

એચવનબી વિઝાધારકોના જીવનસાથીની વર્કપરમિટનો નિયમ રદ ન કરો : ટ્રમ્પ સરકાર

 વોશિંગ્ટન ।

અત્યાર સુધી ઇમિગ્રન્ટને નોકરીનો વિરોધ કરી રહેલી અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે એક આશ્ચર્યજનક ગુલાંટ મારી છે. ટ્રમ્પ સરકારે અમેરિકામાં એચવન-બી વિઝાધારકોના જીવનસાથીને ચોક્કસ કેટેગરીમાં કામ કરવાની પરવાનગી આપતા ઓબામા શાસનકાળના નિયમને રદ નહીં કરવા ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટને અપીલ કરી છે. વર્તમાન સપ્તાહમાં વોશિંગ્ટન ડિસ્ટ્રિક્ટની કોર્ટમાં રજૂઆત કરતાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ જણાવ્યું હતું કે, એચવન-બી વિઝાધારકોના જીવનસાથીને અમેરિકામાં નોકરી કરવા માટે એચ-ફોર વિઝા અંતર્ગત અપાતી વર્ક પરમિટના કારણે અમેરિકન ટેકનોલોજી કામદારોને તેઓની દલીલ છે તેટલું નુકસાન થયું નથી. અમેરિકી ટેકનોલોજી વર્કર્સે એચ-ફોર વિઝાધારકોને વર્કપરમિટ આપતા ૨૦૧૫ના નિયમને કોર્ટમાં પડકાર આપ્યો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ જણાવ્યું હતું કે,અમેરિકન ટેકનોલોજી વર્કર્સ વતી સેવ જોબ્સ યુએસએ દ્વારા કરાયેલી દલીલમાં ફક્ત કલ્પના કરવામાં આવી છે કે આ નિયમના કારણે તેમને આર્થિક નુકસાન થઇ રહ્યું છે. સત્તામાં આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ડિસેમ્બર ૨૦૧૭માં કોર્ટને જણાવ્યું હતું કે, તે આ સંદર્ભમાં ઓબામા સરકાર દ્વારા ઘડાયેલા નિયમોને રદ કરવાની યોજના બનાવી રહી છે. જો કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ ઓબામા સરકાર દ્વારા ઘડાયેલો નિયમ રદ કરી દેવાયો નહોતો. સેવ જોબ્સ યુએસએ દ્વારા એચ-ફોર નિયમને રદ કરવાની માગ કરવામાં આવી છે. સંસ્થાએ દલીલ કરી હતી કે આ કેસ જેટલો લાંબો ખેંચાશે તેટલું અમેરિકન કામદારોને વધુ નુકસાન થશે. જોકે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ જણાવ્યું હતું કે આ પ્રકારની કોઇ અસરો સામે આવી નથી. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ ૧૧ પાનાની દલીલોમાં જણાવ્યું હતું કે, સેવ જોબ્સ યુએસએ એવું પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યું છે કે તેના સભ્યોને ભરપાઇ ન થાય તેવું આર્થિક નુકસાન થયું છે.

કોને અપાય છે એચ-ફોર વિઝા અને વર્કપરમિટ

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ દ્વારા એચવન-બી વિઝાધારકોના જીવનસાથી અનને ૨૧ વર્ષથી નીચેના સંતાનોને એચ-ફોર વિઝા જારી કરાય છે. આ વિઝા મેળવનારા મોટાભાગના ભારતીય આઇટી પ્રોફેશનલ્સના પરિવારજનો છે. આ વિઝા સામાન્ય રીતે અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ કરનારા એચવન-બી વિઝાધારકોના પરિવારજનોને અપાતા હોય છે.