આત્મનિર્ભર યોજના / 1 લાખની લોનના નાણાં મળતા 5 મહિના નીકળી જશે, માંડ 10 ટકાને જ પુરા લાખ મળે એમ છે

આત્મનિર્ભર યોજના / 1 લાખની લોનના નાણાં મળતા 5 મહિના નીકળી જશે, માંડ 10 ટકાને જ પુરા લાખ મળે એમ છે

  • ફોર્મ ભરવાથી માંડી મંજુર કરવા સુધીની પ્રક્રિયામાં જ પાંચ મહિના જેટલો સમય તો થઈ જ જશે
  • સહકારી મંડળીઓ પણ લોન આપવામાં પાછી પાની કરે તેવી શક્યતા છે
  • લોનના મુદ્દે પ્રજાની માનસિકતા અને બેંકોની વહીવટી ગૂંચમાં યોજના સંપૂર્ણ સફળ થાય તેમ નથી

અમદાવાદ. ગુજરાત સરકાર દ્વારા કોરોના લોકડાઉનને કારણે આર્થિક સંકટમાં મુકાયેલા નાના ધંધાર્થીઓને એક લાખ સુધીની આત્મનિર્ભર લોન અપાવવા માટે વ્યાજ સબસીડી યોજના જાહેર કરી છે, પરંતુ લોન મંજુર થાય તો પણ તેના નાણા હાથમાં આવતા ચાર-પાંચ મહિના જેવો લાંબો સમય નીકળી જાય તેમ છે. એટલુ જ નહિં એક લાખની લોન માટે અરજી કરનારા માંડ દસ ટકા લોકોને તેનો લાભ મળે તેવી શક્યતા છે.
એક લાખની લોન પર સરકાર 6 ટકા સબસીડી આપવાની છે
ગુજરાત સરકારે આત્મનિર્ભર લોન સહાય યોજના જાહેર કરી છે. જેમાં લોન પરના આઠ ટકા વ્યાજમાંથી રાજ્ય સરકાર 6 ટકા સબસીડી આપવાની છે. એટલે માત્ર 2 ટકાના વ્યાજે લોન આપીને નાના ધંધાર્થીઓની આર્થિક ખેંચ દુર કરાવવાનાં ઉદેશ સાથે યોજના જાહેર કરવામાં આવી હતી. સહકારી બેંકો સાથે સંકળાયેલા આગેવાનો નું કહેવું છે કે રાજ્ય સરકારની લોન યોજનાનો ઉપદેશ ઘણો જ સારો છે.પરંતુ લોકોની માનસીકતા તથા કેટલીક વહીવટી ગુંચ-સમસ્યાઓને કારણે યોજના સંપૂર્ણ સફળ થાય તેમ નથી.
સહકારી બેંકો પોતપોતાનાં નિયમો આધારીત લોન મંજુર કરશે 
સહકારી બેંકોને લાગેવળગે છે, ત્યાં સુધી તેની પાસેનાં તમામ નાણાં થાપણદારોનાં છે. એટલે તેમાંથી આડેધડ લોન ન આપી શકે સહકારી બેંકો પોતપોતાનાં નિયમો આધારીત લોન અરજી મંજુર કરવાની છે. લોન વાંચ્છુક વાસ્તવમાં ધંધાર્થી છે કે કેમ અને લોનના નાણા પરત ચુકવી શકવા માટે ક્ષમતા ધરાવે છે કે કેનમ તે ચકાસીને જ લોન આપવી કે કેમ તેનો તમામ પાસાઓને ધ્યાને રાખીને જ બેંકો લોન મંજુરીનો નિર્ણય લેશે. બેંકો પણ બિઝનેસ કરવા જ બેઠી છે. લોન મંજુર કરતા પૂર્વે જ તમામ બેંકો પોતપોતાની રીતે લોન પોલીસી નકકી કરશે.
તારીખ 21/5થી તારીખ 31-8 સુધી અરજદારોને ફોર્મ આપીને સ્વીકારવામાં આવશે
રાજ્ય સરકારની ગાઈડલાઈનને ગણતરીમાં લેવામાં આવે તો લોનના નાણાં ધંધાર્થીનાં હાથમાં કયારે આવશે. તે વિશે કાંઈ કહી શકાય તેમ નથી. પ્રવર્તમાન ગાઈડલાઈન પ્રમાણે 21/5 થી 31-8 સુધી અરજદારોને ફોર્મ આપીને સ્વીકારવાનાં છે. 31/10 સુધીમાં સ્ક્રુટીની કરીને અરજી મંજુર કરવી કે કેમ તે નકકી કરીને સરકારમાં જાણ કરવાની છે અને 15/11 સુધીમાં લોન આપવાની છે. આ ગાઈડલાઈનમાં કોઈ બદલાવ ન થાય તો જે અરજદારોની લોન મંજુર થાય તેને લોનનાં નાણા હાથમાં આવતા પણ ચાર-પાંચ મહિના લાગી જાય તેમ છે.
સહકારી મંડળી તો હાથ ઉંચા કરી દેવાની તૈયારીમાં 
નાના ધંધાર્થીઓને એક લાખ સુધીની આત્મનિર્ભર લોન આપવા માટે રાજ્ય સરકારે સહકારી બેંકો ઉપરાંત સહકારી સંસ્થાઓને પણ સુચવ્યું છે. બેંકો તો મને કમને અને સક્ષમ લોકોને જ લોન આપવાનાં મૂડમાં છે બીજી તરફ સહકારી મંડળી તો હાથ ઉંચા કરી દેવાની તૈયારીમાં છે.સહકારી મંડળીઓ માટે ખોટનો ધંધો બને તેમ છે. બેંકો તથા મંડળીઓનાં ધંધામાં ફેર હોય છે. મંડળીઓનો મુખ્ય ધંધો ડેઈલી બચતનો હોય છે. ઉંચુ વ્યાજ આપતી હોય છે. સરકારી યોજનામાં સામેલ થયા તો એક-સવા ટકાની નુકશાની થાય તેમ છે.