વિશ્વમાં વાઈરસ ધીમો પડયો મૃત્યુદર 22થી ઘટીને 12 ટકા થયો

વિશ્વમાં વાઈરસ ધીમો પડયો મૃત્યુદર 22થી ઘટીને 12 ટકા થયો

ઇંગ્લેન્ડમાં ટેસ્ટ એન્ડ ટ્રેસ સિસ્ટમ લાગુ પાડવામાં આવશે

પાક.માં કોરોનાને નાથવા આઇએસઆઇને કામે લગાડાઈ :અમેરિકામાં સતત વધી રહેલી બેકારી, કંપનીઓ નોકરી પર કાપ મુકી રહી છે

લંડન, તા. 28 મે 2020, ગુરુવાર

સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ તો વધી રહ્યા છે, પરંતુ વધવાનો દર ખાસ્સો ધીમો પડયો છે. બ્રાઝિલ-રશિયા જેવા અમુક દેશોને બાદ કરતાં હવે વાઈરસની આગેકૂચને બ્રેક લાગી છે. થોડા સમય પહેલા વૈશ્વિક સરેરાશ મૃત્યુદર ૨૨ ટકા હતો એ પણ ઘટીને ૧૨ ટકા સુધી નીચે આવી ગયો છે.

બીજી બાજુ બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જ્હોન્સને વાઇરસના ફેલાવાને મર્યાદિત રાખવા અને કોરોના મહામારીના બીજા તબક્કાનો સામનો કરવા માટે ટેસ્ટ એન્ડ ટ્રેસ સિસ્ટમ ઇન્ગ્લેન્ડમાં શરૂ કરી છે. જુલાઇના આરંભમાં લાગુ પાડવામાં આવનારી આ સિસ્ટમને કારણે લોકડાઉન ઉઠાવવામાં મદદ મળશે. અને જેમને વાઇરસનો ચેપ હોય તેમની જ અવરજવરને મર્યાદિત કરવામાં આવશે. સ્કોટલેન્ડ, નોર્ધન આયરલેન્ડ અને વેલ્સમાં પણ આવી સિસ્ટમ લાગુ પાડવામાં આવશે. 

આરોગ્ય પ્રધાન મેટ હાન્કોકે જણાવ્યું હતું કે કોરોના સામેનો જંગ હવે બીજા તબક્કામાં જઇ રહ્યો છે ત્યારે આપણે રાષ્ટ્રીય લોકડાઉનના સ્થાને વ્યક્તિગત આઇસોલેશન પર ભાર મુકવામાં આવશે. જરૂર પડે સ્થાનિક કેસો વધશે તો લોકલ એક્શન પણ લેવામાં આવશે. 

આ નવી સિસ્ટમ વાઇરસને નિયંત્રણમાં રાખવામાં સહાય કરશે અને સુરક્ષિત રીતે નેશનલ લોકડાઉનને હટાવવામાં મદદ કરશે. 

આ સિસ્ટમ હેઠળ જેમને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય તેમને એસએમએસ, ઇમેઇલ કે ફોન દ્વારા જાણ કરવામાં આવશે. અને જે લોકો તેના સંપર્કમાં આવ્યા હોય તેમને ૧૪ દિવસ ક્વોરન્ટિનમાં રહેવા માટે જણાવાશે. 

આ સિસ્ટમમાં ૨૫૦૦૦ કોન્ટેક્ટ ટ્રેસિંગ સ્ટાફ હશે. જે દરરોજ ૧૦૦૦૦ જણાનો સંપર્ક સાધી શકશે. ટેસ્ટિંગ કરવા માટે સૌથી મોટું નેટવર્ક સ્થાપવામાં આવ્યું હોવાથી આ સિસ્ટમ કાર્યરત થઇ શકશે. હાલ રોજ બે લાખ ટેસ્ટ કરવાની ક્ષમતા આ નેટવર્કમાં છે. આ સિસ્ટમમાં એપ પણ હશે જે ટૂંક સમયમાં બહાર પડાશે.  બીજી તરફ પાકિસ્તાનમાં વડા પ્રધાન ઇમરાનખાને વાઇરસને ટ્રેક કરવા માટે આઇએસઆઇનો સહારો લીધો છે. આઇએસઆઇ જે અત્યાર સુધી આતંકવાદીઓને ટ્રેક કરવા માટે જે સર્વેલિયન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી તેનો ઉપયોગ હવે કોરોનાનો ચેપ ધરાવતાં દર્દીઓને ટ્રેક કરવા માટે કરશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર જિયો ફેન્સિંગ અને ફોન મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. હાલ પાકિસ્તાનમાં આ રોગ સાથે બદનામી જોડાયેલી હોવાથી લોકો તેની સારવાર કરાવતાં નથી. તો અમુક લોકો હોસ્પિટલમાંથી નાસી જાય છે. એજન્સી હવે આ મામલે બહેતર કામગીરી બજાવી રહી છે.

જિયો ફેન્સિંગને કારણે જ્યારે દર્દી તેનો વિસ્તાર છોડે કે તેની જાણ એજન્સીને થઇ જતી હોવાથી કોરોનાના ભાગી ગયેલાં દર્દીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. વળી ફોન પર થતી વાતચીતને એજન્સી સાંભળતી હોવાથી જેવા કોરોનાના લક્ષણોની વાત થાય કે એજન્સી કામે લાગી જાય છે. 

ઇમરાનખાને આ કાર્યક્રમની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે અસલમાં આતંકીઓ સામે ખપમાં લેવા માટે બનાવાયેલો આ કાર્યક્રમ હવે કોરોના સામેના જંગમાં પણ સારી કામગીરી બજાવી રહ્યો છે. પાકિસ્તાનમાં ૬૦૦૦૦ કોરોનાના દર્દીઓ છે. કોરોનાને કારણે ૧૨૦૦ કરતાં વધારે દર્દીઓના મોત થયા છે. 

ઇઝરાયલની ઇન્ટેલીજન્સ સવસ દ્વારા પણ મોબાઇલ ફોન ટ્રેક કરવામાં આવતાં ઇઝરાયલની સર્વોચ્ચ અદાલતે પ્રાઇવસીનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાકિસ્તાનમાં પણ સરકારના આઇએસઆઇનો ઉપયોગ કરવાના પગલાંનો વિરોધ કરવામાં આવ્યો છે. કોરોનાના દર્દીઓને શોધવાનું કામ પ્રાંતીય સરકારો અને સ્થાનિક સમુદાયોનું છે. તેમાં આઇએસઆઇને લાવવાથી લોકોમાં નાહક ડર ફેલાઇ રહ્યો છે. 

દરમ્યાન યુરોપમાં ૨૪ દેશોમાં માર્ચ મહિનાથી ૧૫૯૦૦૦ વધારે લોકોના મોત થયા છે તે કોરોના સબંધિત છે. નોંધપાત્ર સંખ્યામાં મોત કોવિડ-૧૯ને કારણે થયા છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાની અધિકારી કેટી સ્મોલવુડે જણાવ્યું હતું. 

બીજી તરફ અમેરિકામાં ગયા સપ્તાહે ૨.૧ મિલિયન લોકોએ બેકારી ભથ્થું મેળવવા માટે અરજી કરી હતી. જે દર્શાવે છે કે કંપનીઓ હજી નોકરીઓમાં કાપ મુકી રહી છે. કોરોનામહામારી ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધીમાં ૪૧ મિલિયન લોકોએ અમેરિકામાં બેકારી ભથ્થું મેળવવા માટે અરજી કરી છે. 

કેટલાક રાજ્યોમાં ઇકોનોમી ફરી શરૂ। થઇ હોવાથી લોકોને કામ મળતાં થયા છે જેને કારણે બેકારી ભથ્થાંનો લાભ મેળવનારાની સંખ્યા ઘટી રહી છે. ૧.૨ મિલિયન ગીગ વર્કરોને પણ પહેલીવાર આ લાભ મળી રહ્યો છે. ઓનલાઇન શોપિગમાં વધારો નોંધાયો છે પણ ઓફફ લાઇન ખરીદીમાં હજી ૩૫ ટકાનું ગાબડું પડેલું છે.